Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વીતી ગયો દિવસ વધુ એક.
હજી તમારું મિલન થયું ના,
દિવસ આથમ્યો એક ... વીતી.

કાળચક્ર ફરતું જ રહે છે
ચંચલ જેવું છેક;
પ્રતીક્ષા કરી આજ લગી મેં,
વીત્યાં વરસ અનેક ... વીતી.

જીવન અલ્પ કહ્યું માનવનું,
તેમાં દર્દ અનેક;
તો પણ બનતી રાખી છે મેં
એક તમારી ટેક ... વીતી.

તમને મેળવવાને કરિયા
પ્રયાસ મેં કૈં નેક;
ફળ્યા નથી આજ લગી કોઈ;
થયો હવે અતિરેક ... વીતી.

વધી રહ્યો પ્રતિદિન આગળ હું
કરતાં સુક્ષ્મ વિવેક;
પરંતુ પામ્યો હજી તમારા
તનમનની ન મહેંક ... વીતી.

મંદિરમાં ઘંટારવ થાયે,
ગીત ગવાય અનેક;
મારું જીવનમંદિર સૂનું,
ડૂબ્યું વિરહે છેક ... વીતી.

છતાં નિરાશ થયો ‘પાગલ’ ના,
કરતો નિત અહાલેક;
પ્રકટે પૂનમ તેમ પ્રકટશો
અવશ્ય દિન તો એક ... વીતી.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit