પ્રેમથી બંધાઉં, કેવલ પ્રેમથી બંધાઉં !
ગૂઢ જ્ઞાન કહ્યું ખરે આ,
પ્રેમમાં રંગાઉં ! ... પ્રેમથી.
જ્ઞાનને ગમ ના પડે,
ના યોગમાં પકડાઉં;
તીવ્ર હોયે તપ ભલેને,
ના કદી સપડાઉં ! ... પ્રેમથી.
નેમ, વ્રત ને અનુષ્ઠાને
ના કદી હરખાઉં;
બુદ્ધિ, બલ ને પ્રવચનોમાં
લેશ ના પકડાઉં ! ... પ્રેમથી.
ભક્ત ગાયે સ્મરે નાચે,
નૃત્ય કરતાં ગાઉં !
તેમની વચ્ચે વસું હું,
હર્ષથી ન સમાઉં ! ... પ્રેમથી.
બની જા તેથી જ પ્રેમી,
અન્ય ઘર ના જાઉં;
કહે ‘પાગલ’ પ્રેમદોરે
મુક્ત પણ બંધાઉં ! ... પ્રેમથી.
- © શ્રી યોગેશ્વરજી

