જોજો લાજ તમારી જાય !
મળે નિરાશા મુજને તેમજ
હાંસી તમારી થાય,
બિરદ ઠરે મિથ્યા ન તમારું,
અપજશ કવિજન ગાય ... જોજો.
કલંક લાગે ના કરૂણાને,
ગૌરવ લેશ ઘવાય;
મહિમાનું મોં કાળું થાયે,
નાસીપાસ થવાય ... જોજો.
ચંદ્રકલાની મટે ચારુતા,
લીલા ને લજવાય;
વિશ્વાસ મરે નહીં મનુજનો,
ભાવ પુરો ભજવાય ... જોજો.
મરવા જેવો મુજ કાજે તે
કાળ ખરેખર થાય;
અપજશ લેશ નહીં મારાથી
સંભળાય સહેવાય ! ... જોજો.
વ્યથા અપાર થશે મુજને તો
શોક નહીં કહેવાય;
લાજ તમારી જરી જતાં ના
મારાથી રહેવાય ! ... જોજો.
મહિમા વધે સદાય ત્રિલોકે,
કીર્તિ ઘટે ન જરાય;
સ્તવન થાય સંસારમહીં જો
‘પાગલ’ પાર કરાય ... જોજો.
- © શ્રી યોગેશ્વરજી

