Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ટાઢ, ટાઢ, ટાઢ. ઠંડીનો પાર નથી. ઠંડી પણ કેવી ? જૂના જમાનાને જોનારા વયોવૃદ્ધ મહાનુભાવો જણાવે છે કે આવી ભયંકર ઠંડી તો અમારા જીવનકાળ દરમિયાન ક્યારેય નથી પડી. આ ઠંડી ના જોયેલી, ના જાણેલી એવી છે. જાણે કે કુદરતની બધી જ ઠંડી અહીં આવી ગઈ કે ભેગી થઈ. પોષ મહિનો ચાલે છે એ સાચું, પરંતુ આટલી બધી ઠંડી ? આટલી બધી અસાધારણ, અસહ્ય ઠંડી તો કોઈ વાર નથી જોઈ.

ઠંડીની ભયંકરતા, અતિશયતા, અસહ્યતાને લીધે કેટલાય માનવો મરી ગયા, થીજી ગયા, એવા સમાચાર છે. કેટલાય વ્યાધિના ભોગ બન્યા. ફૂટપાથ પર સુનારા, દુકાનો કે મકાનોના ઓટલાઓનો આશ્રય લેનારા કેટલાય ત્યાંથી ફરી પાછા ઊઠી જ ના શક્યા.

ગામડામાં લોકો તાપણી કરે છે. બીજાને તાપવાનું કહે છે. ભેદભાવને ભૂલીને આબાલવૃદ્ધ સૌ કોઈ તાપવા માટે બેસે છે. ત્યારે આત્મીયતાનું કેવું અભેદભાવદર્શક દ્રશ્ય સરજાય છે : કેટલાય ઠંડીથી થરથરતા, સૂર્યકિરણોનો લાભ લેવા, એમની ઉષ્મા મેળવવા, ખુલ્લામાં નીકળી પડે છે, બેસે છે, આડા પડે છે. તો પણ મોટાભાગના માનવો કહે છે કે સૂર્યનાં કિરણો પણ શરીરે નથી લાગતાં. કોઈ પ્રકારની અસાધારણ તો શું, સાધારણ અસર પણ નથી પહોંચાડતાં.

દયા, કરુણા, માનવતામાં માનનારા કોઈ કોઈ માનવો રાતે ને વહેલી સવારે બહાર નીકળીને ઠંડીના ભોગ બનેલા માનવોને ધાબળા, બનૂસ કે રજાઈઓ ઓઢાડે છે. કોઈ વળી મોજાં, સ્વેટર, ગંજીફરાક આપે છે. એવી રીતે એમના માટે સહાનુભૂતિ બતાવે છે. જેમને મદદ મળે છે તેમની આંખ છલકાય છે. એમના મુખમંડળ પર આભારની મીઠી અમૃતમય આભા અવલોકવા મળે છે.

ઠંડી ઘણી જ સખત છે, અસહ્ય છે. એ ઠંડી જેવી જ બીજી ઠંડી પણ છે. વાસનાની, લાલસાની, પૂર્વગ્રહોની, કૃતઘ્નતાની. એનો ભોગ બનનારા કંપે છે, થથરે છે. જીવતાં જ અનુભવે છે. એમની વહારે જઈએ, એમને હૂંફ ધરીએ, ઉષ્મા અર્પીએ. એમનાં તન-મન-અંતરે ઢાંકણ ધરીએ. આપણી રીતે સહાયતા કરીએ. એમને માટે તાપણી કરીએ. સૂર્યકિરણ થઈએ. બને તો સૂર્ય બનીએ. કાંઈ તો કરીએ જ.

ઠંડી છે, ઠંડી છે. ભયંકર ઠંડી છે એવું બોલીને, એના ભોગ બનનારને જોઈને બેસી તો ના જ રહીએ. માનવને છાજે તેવું કાંઈક પણ કરીએ, કરી છૂટીએ. ઠંડીનો પ્રશ્ન થોડાક સમયને માટે ઓછો કરીએ, બને તો સદાને માટે મટાડીએ.

- શ્રી યોગેશ્વરજી