ભારતના મહાન સ્વાનુભવસિદ્ધ આધ્યાત્મિક જ્યોતિર્ધર શ્રી રામકૃષ્ણ પરમહંસદેવે એમના ભક્તોને એકવાર કહેલું કે દીક્ષાગુરૂ એક, શિક્ષાગુરૂ અનેક. ભક્તોએ પ્રશ્ન પૂછેલો કે ગુરૂ એક હોય કે અનેક હોય ? એના પ્રત્યુત્તરમાં એમણે એવું વિધાન કરેલું. પોતાના વિધાનના અનુસંધાનમાં, એને અધિક સ્પષ્ટ કરતાં એમણે જણાવેલું કે ભાગવતમાં ભગવાન દત્તાત્રેયના અનેક ગુરૂઓની કથા આવે છે. એ બધા જ્ઞાત-અજ્ઞાત, સામાન્ય-અસામાન્ય ગુરૂઓ પાસેથી એમણે એક અથવા બીજી જાતની જીવનોપયોગી શિક્ષા ગ્રહણ કરેલી. એવી રીતે માનવની આંખ ઉઘાડી હોય, માનવના કાન ખુલ્લા હોય અને એનું મન ગ્રહણશીલ હોય તો એ પોતાની આજુબાજુના જીવનમાંથી, નિસર્ગમાંથી, અને વિવિધ વ્યક્તિઓના વ્યક્તિત્વમાંથી ઘણું ઘણું શીખી શકે છે. તેને માટે જગત વિશ્વવિદ્યાલય અથવા શાસ્ત્ર બને છે. ભગવાન દત્તાત્રેયના ચોવીસ ગુરૂઓની કથાનો ભાગવતોક્તસાર એ જ છે. જીવનનું શિક્ષણ કદી પણ પૂરું નથી થતું અને શીખવા માગનાર જીવનના છેલ્લા શ્વાસ સુધી કાંઈ ને કાંઈ મહત્વનું મહામૂલ્યવાન શીખી શકે છે.
એ થઈ શિક્ષાગુરૂની વાત. પરંતુ દીક્ષાગુરૂ અધિકતર કોઈ વિરલ અવતારને બાદ કરતાં એક જ હોય છે. દીક્ષાગુરૂ મંત્ર આપે છે, ધ્યાનની ગૂઢ કલ્યાણકારિણી પ્રક્રિયા બતાવે છે, આત્મજ્ઞાનનો ઊર્ધ્વગામી ઉપદેશ આપે છે અને આત્મસાક્ષાત્કારનો આદર્શ રજૂ કરીને શિષ્ય કે સાધકને એની પૂર્તિના પ્રયત્નોની પ્રામાણિક પ્રબળ પ્રેરણા પૂરી પાડે છે. જીવનમાં આવશ્યકતાનુસાર પાવન પથપ્રદર્શન પૂરું પાડે છે. પ્રકાશ પહોંચાડે છે. સાધકના પરમકલ્યાણની કામના કરીને સાધકને સમુચિત સાધનાથી સુપરિચિત બનાવે છે.
એવા સદ્ ગુરૂના અથવા દીક્ષાગુરૂના જેટલાં ગુણગાન ગાઈએ એટલાં ઓછાં છે. સંતપુરૂષોએ અથવા શાસ્ત્રોએ એમને 'કૃપાસિંધુ નરરૂપ હરિ’ કહ્યા છે. એ કૃપાના સાગર અને માનવરૂપે પ્રભુ પોતે હોય છે. સંતશિરોમણી તુલસીદાસ મહારાજે રામચરિતમાનસમાં એમની પ્રશસ્તિ કરતાં જણાવ્યું છે કે 'મહામોહતમ્ પુંજ જાસુ વચન રવિકરનિકર’ - મહામોહરૂપી અંધકારનો ભંડાર એમનાં સદ્ વચનોરૂપી સૂર્યકિરણોના પ્રભાવથી નાશ પામે છે. અંતરમાં અને અણુએ અણુમાં પ્રજ્ઞાનો પવિત્રતમ્ પ્રકાશ પથરાય છે.
ગુરૂર્બ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરૂર્દેવો મહેશ્વર: ।
ગુરૂર્સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ:॥
ગુરૂની પ્રશસ્તિ કે સ્તુતિનાં એ પ્રાચીન સુપ્રસિદ્ધ શ્લોકમાં સદ્ ગુરૂને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર તથા પરબ્રહ્મની સાથે સરખાવ્યા છે. એનો સારસંદર્ભ સમજવા જેવો છે. બ્રહ્મા જગતને ઉત્પન્ન કરે છે એવું કહેવાય છે. વિષ્ણુ પોષણ કરે છે ને મહેશ સંહાર. સદ્ ગુરૂ પણ એવી રીતે ત્રિવિધ કલ્યાણકાર્યને કરતા હોય છે. એ શાંતિ, મુક્તિ, પૂર્ણતા, સ્વરૂપના સાક્ષાત્કારની અભિલાષાવાળા શરણાગત શિષ્ય કે સાધકના જીવનમાં સદુપદેશ, સાધના કે મંત્રની અભિનવ સૃષ્ટિ સરજે છે. નવા વિચારો, ભાવો, સંસ્કારો, સિદ્ધાંતો, આદર્શો, વ્રતો કે નિયમોનું નિર્માણ કરે છે.
ગુરૂ વિષ્ણુની પેઠે એ ભાવો, સંસ્કારો, વિચારો, આદર્શો કે સાધનાનાં બીજોનું પોષણ પણ કરે છે. માળી જેમ પોતાના તૈયાર કરેલા ઉદ્યાનની સુચારુરૂપે સંભાળ રાખે છે તેમ આદર્શ ગુરૂ શિષ્યનો પરમહિતચિંતક બનીને એને આત્મસાધનાના મંગલ માર્ગે અનવરત રીતે આગળ વધારે છે. પ્રલોભનો, વિઘ્નો, વિરોધ, પ્રમાદ, ભયસ્થાનોમાંથી રક્ષે છે. જ્યાં સુધી એ ધ્યેયપ્રપ્તિ દ્વારા ધન્ય બનતો નથી ત્યાં સુધી ગુરૂ નિરાંત અનુભવતા નથી.
મહેશ વિસર્જનના કે વિનાશના દેવ મનાય છે તેમ ગુરૂ પણ કઠોર બનીને શિષ્યના જીવનની ત્રુટિઓ, ક્ષતિઓ, નિર્બળતાઓ, મમતાઓ અને આસક્તિઓનો અંત આણે છે. એની ક્રમશ: કાયાપલટ કરે છે. એના સર્વે અશુભનો નાશ નોતરે છે. પ્રેમાળ પિતા બનીને, મમતાળુ માતા બનીને, સન્મિત્ર કે સખા થઈને અને એથીએ અધિક બનીને, પરમાત્માના પ્રતીક કે પ્રતિનિધિ તરીકે એને આગળ વધારે છે. ક્લેશમુક્ત ને પ્રશાંત કરે છે. એટલે જ ગુરૂને સાક્ષાત્ પરબ્રહ્મ-પરમાત્મા કહેવામાં આવ્યા છે. એમની જેટલી પણ પ્રશસ્તિ કરીએ એટલી ઓછી છે. એમના ઉપકારને કોઈએ કોઈ રીતે ના વર્ણવી શકે.
- શ્રી યોગેશ્વરજી