Friday, September 18, 2020

સમતા

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગની એક નાનીસરખી છતાં અત્યંત સુંદર વ્યાખ્યા આપવામાં આવી છે : 'સમત્વં યોગ ઉચ્ચતે’ એટલે કે સમત્વ અથવા સમતાને યોગ કહેવામાં આવે છે, યોગ તરીકે ઓળખવામાં આવે છે અથવા બીજી રીતે કહીએ તો સમતા જ યોગનું મુખ્ય રહસ્ય છે. એ સમત્વ અથવા સમતા શું છે એ વિચારવા જેવું છે

સામાન્ય રીતે માનવના મનમાં જુદીજુદી જાતના સંકલ્પ-વિકલ્પો ઊઠ્યા કરે છે. એક ક્ષણને માટે પણ મન વિચાર વગરનું, શાંત નથી રહેતું. ભાવો, વૃત્તિઓ કે વિચારોના પરપોટા એમાં પ્રત્યેક પળે પેદા થયા કરે છે અને ફૂટ્યા કરે છે. એનું બંધારણ કે ઘડતર જ એવું છે. એ વૃત્તિઓ, વિચારો કે ભાવોને લીધે મન સ્વસ્થ, શાંત કે સમ નથી રહેતું પણ અસ્વસ્થ, અશાંત અને વિષમ રહે છે. એ અસ્વસ્થતા, અશાંતિ અને વિષમતા દૂર કરવા માટે અંદરની સાધનાનો આધાર લેવાનો છે. ધારણા તથા ધ્યાન જેવી અંદરની સાધનાની સહાય દ્વારા મનના સંકલ્પ-વિકલ્પો ધીમે ધીમે શાંત થાય છે, ને મન સ્વસ્થ કે સ્થિર બને છે. છેવટે એ અસીમ શાંતિનો અનુભવ કરે છે, અથવા તો ઊંડા આત્મિક સુખમાં ડૂબી જાય છે. એ વખતે મનની બધી જ ભેદભાવના અને વિષમતા દૂર થાય છે. વિષમતામાંથી મુક્તિ મેળવી સમતાની, એકતાની અથવા એકરસતાની એ અસાધારણ અંતરંગ અવસ્થાનો અનુભવ કરવો એનું નામ યોગ છે. યોગની સાધના, સમતાની એ અસામાન્ય અવસ્થામાં થતા પરમાત્માના પ્રત્યક્ષ અનુભવને દ્રષ્ટિ સમક્ષ રાખીને જ કરવામાં આવે છે, અને કરાવી જોઈએ. એટલા માટે જ ગીતાએ એવા વિશાળ સંદર્ભમાં જ કહી બતાવ્યું છે કે સમતા ને યોગ કહેવામાં આવે છે.

સમતાની એ વિચારણા તો યોગની અંતરંગ સાધનાની દ્રષ્ટિએ થઈ, પરંતુ બાહ્ય સાધનાનું એનું એક બીજું પાસું પણ છે. ગીતામાં એનો ઉલ્લેખ પણ કરાયેલો હોવાથી એ પાસું ખાસ સમજવા જેવું છે. બાહ્ય રીતે જોતાં આ વિશાળ જગત ભાતભાતની વિભિન્નતાઓથી ભરેલું છે. એની અંદર એકતાનું નહિ પરંતુ અનેકતાનું દર્શન સ્વાભાવિક રીતે જ થયા કરે છે. સંવાદને બદલે વિસંવાદ એમાં સહેજે તરી આવે છે. છતાં પણ અનેક જાતનાં નામ અને રૂપથી ભરેલા આ પરિવર્તનશીલ જગતમાં, નાનામોટા બધા જ પદાર્થોમાં એક અપરિવર્તનશીલ, અજર, અમર, અજન્મા પરમાત્મતત્વનો પાવન પ્રકાશ પથરાયેલો છે. એ પ્રકાશને લીધે જગતનું સ્વરૂપ બાહ્ય દ્રષ્ટિએ ભેદભાવથી ભરેલું, ભિન્ન અને અનેક રંગો તથા વિસંવાદી દેખાતું હોવા છતાં, અંદરખાનેથી અભિન્ન, સંવાદી અને એક છે. પદાર્થોની એવી સ્વભાવસહજ મૂળભૂત એકતાનું અથવા તો એમાં રહેલા પરમાત્માના પરમ પ્રકાશનું જે દર્શન કરે છે તે જ સાચું જુએ છે, તેનું દર્શન જ સફળ ને ધન્ય છે. વિષમ પદાર્થોમાં સમાનરૂપે રહેલા એ પરમાત્માનું દર્શન કરવું તે સમદર્શન કહેવાય છે. એના પરિણામે સમતાનો આવિર્ભાવ થાય છે. સમદર્શન યોગનું ભૂષણ છે.

સમત્વ અથવા સમતાનું એક બીજું વ્યાવહારિક રૂપ પણ છે. એ રૂપને જીવનના વ્યવહાર અને વ્યવહારિક સુખાકારી સાથે ખાસ સંબંધ છે. માનવ સંજોગોનો શિકાર કે પરિસ્થિતિનો દાસ કહેવાય છે, એ કથન તદ્દન આધાર વિનાનું નથી લાગતું. એના મનની સ્વસ્થતા કે શાંતિ ક્યાં લગી ટકે છે ? જ્યાં સુધી સંજોગો અનુકૂળ હોય છે ત્યાં સુધી. જીવનમાં જરીક પણ મુસીબત, અવહેલના, અનાદર, અછત અથવા અસફળતાની પરિસ્થિતિ પેદા થતાં સમસ્ત ચિત્તતંત્ર હલી ઊઠે છે, અને અશાંતિ અનુભવે છે. જીવનની પ્રત્યેક પળ તથા પરિસ્થિતિ એના પર અસર કરે છે અને એને ચંચલ કે ચલાયમાન કરવાની શક્યતા ધરાવે છે. માન અને અપમાન, હર્ષ ને શોક, સુખ તથા દુઃખ તેમજ લાભ ને હાનિ અને ઉત્થાન તેમજ પતનના ઝૂલા પર એ ઝૂલ્યા કરે છે. રાગ અને દ્વેષ તથા અહંતા ને મમતાની અસર નીચે પણ એ આવ્યા કરે છે. એ બધી અનુકૂળતા કે પ્રતિકૂળતાની વચ્ચે રહીને, એમનાથી અલિપ્ત રહીને, પ્રત્યેક માનવ પોતાના મનને સ્વસ્થ, સંવાદી અને શાંત રાખવાની કળામાં કુશળ બને એ અત્યંત આવશ્યક છે. ઊંડા આત્મનિરીક્ષણ તેમજ સતત પુરૂષાર્થના પરિણામે એવી અનાસક્ત અવસ્થાની પ્રાપ્તિ સહેલી બનશે. અશક્ય તો નહિ જ રહે.
સમત્વના એ સર્વાંગીણ અર્કને જીવનમાં ઉતારવાનો સદા પ્રયાસ કરવો જોઈએ. યોગની અથવા આધ્યાત્મિક સાધનાની એ મૂળભૂત મહામૂલ્યવાન આવશ્યકતા છે. વ્યવહારની વચ્ચે રહીને વિવિધ વ્યવસાયોથી વીંટળાયેલા રહેવા છતાં પણ સમતાની એ સાધના થઈ શકે છે અને થવી જોઈએ. વ્યવહાર અથવા પ્રવૃત્તિશીલ જીવન એને માટેની મોટામાં મોટી અકસીર પ્રયોગશાળા છે.

સમતાના સંબંધમાં એક બીજી વાત પણ સમજવા જેવી છે. મન પર કાબૂ થતાં સુખ અને દુઃખ, માન અને અપમાન, લાભ અને હાનિ, પતન અને ઉત્થાન તથા જય અને પરાજયમાં સ્વસ્થ રહી શકાય છે. કોઈ પણ પ્રકારની શુભાશુભ પરિસ્થિતિમાં ઘમંડી નથી બનાતું કે નાસીપાસ નથી થવાતું. વળી એથી આગળ વધીને, જ્યારે મન તદ્દન નિર્મળ બને છે અને દૈવી સંપત્તિથી સંપન્ન થાય છે ત્યારે ચરાચરમાં પ્રસરેલા પરમાત્માના પરમ પ્રકાશનો પરિચય અથવા તો અપરોક્ષ અનુભવ થાય છે. એને સર્વાત્મભાવ પણ કહેવામાં આવે છે. સંસારના સઘળા પદાર્થોમાં પરમાત્માની પરમ સત્તાની ઝાંખી થતાં વિભિન્નતામાં અભિન્નતા અથવા અનેકતામાં એકતાની અનુભૂતિ સહજ બને છે.

પરંતુ એનો અર્થ એવો નથી કે એવી સમત્વ દર્શનની દશાએ પહોંચેલા માનવનો વ્યવહાર પણ સૌની સાથે એકસરખો થતો હોય છે. સૌની અંદર પરમાત્માની ઝાંખી કરીને એ એકતાનો અનુભવ અવશ્ય કરે છે, પરંતુ વ્યવહાર તો જેની સાથે જેવો કરવા જેવો હોય તેવો જ કરે છે. એટલે કે એકતાનો અનુભવ થયા પછી સદસદ્ વિવેકનો ત્યાગ નથી થતો, પરંતુ એ વિવેક વધારે પ્રબળ અને વિશુદ્ધ બને છે. એ સંબંધમાં રામકૃષ્ણ પરમહંસ દેવે કહ્યું છે કે, 'ગંગાના પાણીમાં પણ પરમાત્મા છે અને ગટરના પાણીમાં પણ. પરંતુ ગટરનાં પાણીને પીવાના કે રસોઈ કરવાના કામમાં કોઈ નથી લેતું.’ વાઘ અને સાપમાં પણ ઈશ્વર હોવા છતાં એમને ભેટવા કરતાં એમનાથી દૂર રહેવું જ સારું મનાય છે. બ્રહ્મજ્ઞાની પુરૂષ સર્વત્ર બ્રહ્મનું દર્શન કરવા છતાં જેની સાથે જેવો આહાર કરવો ઉચિત હોય તેવો કરે છે. પોતાની પત્ની સાથેનો વ્યવહાર બીજાની પત્ની સાથે નથી કરી શકાતો.

એટલે સમતાનો ઉદય મનમાં કરીને, સંસારમાં ભેદભાવથી પર થઈને, કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વિના, કર્તવ્યપાલન કરતા રહેવાની જરૂર છે. એવા કર્તવ્યપાલનને લીધે સમાજમાં અવ્યવસ્થા નથી થતી અને નીતિ તથા ધર્મની મર્યાદા સચવાઈ રહે છે. કોઈક વિરલ અપવાદરૂપ પુરૂષ એવી મર્યાદાથી પર જણાય, તેથી સર્વ સાધારણને માટે એવો નિયમ નથી કરી શકાતો અને ના કરાય તે જ શ્રેયસ્કર છે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

+1 #1 Pushpa R Rathod 2010-07-03 18:54
ઘણી સરસ રીતે સમજાવ્યું છે. સમતાનો સ્પષ્ટ અર્થ સમજાયો. આ તો બહુ મૂલ્યવાન રીત છે. સંસારમાં રહીને આધ્યાત્મિકમાં આગળ વધવાનો સરળ વિવેકશીલ માર્ગ છે. સમસ્ત તત્વમાં સમતાના દર્શન. એમાં પણ યોગ્ય રીતે વ્યવહાર. Thanks.

Today's Quote

Live as if you were to die tomorrow. Learn as if you were to live forever.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok