Friday, September 18, 2020

જ્ઞાન અને વિજ્ઞાન - 1

શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે
જ્ઞાનં તેઙહં સવિજ્ઞાનમિદં વક્ષાભ્યશેષત,
યજજ્ઞાત્વા નેહ ભૂયોઙન્યજજ્ઞાતવ્યમવશિષ્યતે.

વળી નવમા અધ્યાયના આરંભમાં પણ કહ્યું છે કે -
'હે અર્જુન, એ જ્ઞાન હું તને વિજ્ઞાનની સાથે પૂરેપૂરૂં કહી બતાવું છું. એ જાણી લીધા પછી આ જગતમાં બીજું જાણવા જેવું કશું જ નહિ રહે. જ્ઞાન અને વિજ્ઞાનને બરાબર જાણવાથી અશુભમાંથી છૂટી શકીશ.’

ઉપનિષદ પણ કહે છે કે : તદ્વિજ્ઞાનાર્થં સ ગુરુમેવાભિગચ્છેત. 'એ પરમાત્માના વિજ્ઞાન માટે ગુરૂની પાસે જવું ’   

જ્ઞાન અને વિજ્ઞાન બંને શબ્દોનો પ્રયોગ એવી રીતે ગીતા તથા ઉપનિષદે પોતાની આગવી શૈલીમાં કરી બતાવ્યો છે. એક જ્ઞાન છે અને બીજું વિજ્ઞાન-એટલે કે વિશેષ જ્ઞાન છે. વિશેષ જ્ઞાન એટલે અનુભવસિદ્ધ જ્ઞાન. માણસ સ્વતંત્ર ચિંતન-મનન તથા શાસ્ત્રાધ્યનને પરિણામે જે જ્ઞાન મેળવે છે તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. એને એક પ્રકારની બૌદ્ધિક માહિતી, પંડિતાઈ કે વિદ્વત્તા પણ કહી શકાય. એ જ્ઞાન બુદ્ધિ અથવા મગજમાં કેદ થઈ રહેવાને બદલે જીવનમાં વ્યવહારમાં સાકાર બને અથવા માણસના રોજબરોજના અનુભવનું અવિભાજ્ય અંગ બને, એના લોહીમાં, ધમનીના ધડકારમાં કે શ્વાસોચ્છ્ વાસમાં ભળી જાય અને જીવન સાથે સંમિશ્રિત થાય ત્યારે વિજ્ઞાન બને છે. વિજ્ઞાન એટલે સાક્ષાત્કાર કરાયેલું અનુભવજ્ઞાન. એ બંનેમાં આસમાન-જમીનનો તફાવત છે. જે માણસ જ્ઞાન મેળવીને અટકી જાય છે અને વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ નથી કરતો તેને જરૂરી શાંતિ નથી મળતી. એના જીવનમાં સંવાદિતાની સ્થાપના નથી થતી, એના મનની શુભાશુભ વૃત્તિનાં ગજગ્રાહનો અંત નથી આવતો અને એનું ઘર્ષણ નથી ટળતું. વિદ્વત્તા, પંડિતાઈ કે બૌદ્ધિક પ્રતિભાથી એકબીજાને ચકિત કરી કે આંજી શકે છે ખરો, જીવનમાં અમુક જાતનો આનંદ પણ અનુભવી શકે છે, પરંતુ એથી આગળ વધીને જીવન અને આદર્શ જીવન જીવ્યાનો સાચો સંતોષ નથી મેળવી શકતો. જીવનની અલ્પતા, પરવશતા, મલિનતા અને વૃદ્ધાવસ્થામાંથી મુક્તિ મેળવવાનું કામ એને માટે આકાશ-કુસુમ સમાન અશક્ય બની જાય છે. એ જીવનની સફળતાનો ઉત્સવ નથી કરી શકતો. એટલા માટે જ જ્ઞાન મેળવીને બેસી રહેવાને બદલે માણસ વિજ્ઞાની બને અથવા અનુભવજ્ઞાનમાં પ્રતિષ્ઠિત થાય ને એ જ્ઞાનને આચારમાં ઉતારે એ અત્યંત આવશ્યક છે.

ભારતીય સંસ્કૃતિએ એના ઉષઃકાળથી જ એ વિચારને વહેતો કર્યો છે. એને સમજવા માટે ઉપનિષદમાં આવતા એક પ્રસંગ પર દ્રષ્ટિપાત કરી જઈએ. એ પ્રસંગના પ્રારંભમાં જ કહેવામાં આવ્યું છે કે, એક વાર નારદજી સનત્કુમાર ઋષિ પાસે પહોંચી ગયા ને કહેવા માંડ્યાં કે, 'ભગવાન, મને જ્ઞાન આપો. મારી પાસે જે જ્ઞાન છે તેથી મને શાંતિ નથી.’

સનત્કુમારે પૂછ્યું કે, ' તમે અત્યાર સુધી કઈ જાતનું ને કેટલું જ્ઞાન મેળવ્યું છે ?’

નારદજી બોલ્યાં કે, 'હું ચારે વેદ જાણું છું. દર્શનશાસ્ત્રો પણ જાણું છું. એ ઉપરાંત નક્ષત્રવિદ્યા, જ્યોતિષવિદ્યા, ખગોળશાસ્ત્ર, ઈતિહાસ, સર્પવિદ્યા, નૃત્ય, શિલ્પ, સંગીત, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરવિદ્યા, બધામાં મેં પ્રવીણતા પ્રાપ્ત કરી છે. વિદ્યાની એવી એકે શાખા-પ્રશાખા નથી કે જેમાં મારો પ્રવેશ ના હોય. એ બધું હોવા છતાં મારા અંતરની અશાંતિ નથી મટી. એ અશાંતિની જ્વાળા શી રીતે શાંત થાય તે મને નથી સમજાતું. માટે જ હું તમારી પાસે આવી પહોંચ્યો છું.'

સનત્કુમારે સ્મિત કરીને કહ્યું કે, 'તમે જે વિદ્યાની ગણતરી કરી બતાવી તે તો અપરાવિદ્યા અથવા સાધારણ વિદ્યા છે. એમાં પરાવિદ્યા અથવા સર્વશ્રેષ્ઠ વિદ્યાનો સમાવેશ નથી થતો. પરા અને અપરા બંને વિદ્યાઓ જાણવા જેવી છે, પરંતુ શાંતિની પ્રાપ્તિ તો માત્ર પરાવિદ્યાથી જ થઈ શકે છે. અપરાવિદ્યાથી નથી થતી. પરાવિદ્યા એટલે આત્મવિદ્યા-આત્માનુભૂતિ. અથવા તો પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય કે સાક્ષાત્કાર. 'येन तदक्षरम धिगम्यते।’ જેની મદદથી અવિનાશી પરમાત્માનો પરિચય કરી શકાય તે વિદ્યા અથવા સાધના. એ સાધનામાં તમે કાચા છો. તમે તો કેવળ શાસ્ત્રજ્ઞાન ને લૌકિક જ્ઞાન જ મેળવ્યું છે. પરંતુ તત્વજ્ઞાનના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને, જીવનને નિર્મળ કરીને, આત્માના સાક્ષાત્કારને માટે એકધારી, ચોક્કસ, સતત સાધના નથી કરી. એવી સાધનામાં લાગી જાઓ તો સનાતન શાંતિનો અનુભવ જરૂર થશે.’

સનત્કુમારની સૂચના પ્રમાણે કહે છે કે નારદજીએ સાધનાપરાયણ થઈને શાંતિ મેળવી લીધી. એ જ્ઞાની તો હતા જ, પણ હવે વિજ્ઞાની બન્યા, ને કૃતાર્થ થઈને વિચરણ કરવા લાગ્યા.

આપણી વર્તમાન પ્રજાને માટે એ નાનકડા પ્રસંગમાં ઘણો મોટો બોધપાઠ સમાયેલો છે. આપણે ત્યાં જ્ઞાનની કેટલીય શાખા-પ્રશાખાઓ ખૂલતી જાય છે, વિદ્યાનાં વિવિધ ક્ષેત્રો ખેડાતાં જાય છે, બહારનું જ્ઞાન વધતું જાય છે, ને માણસ માહિતીના ભંડાર કે કેન્દ્ર જેવો બનતો જાય છે. ધર્મ તથા તત્વજ્ઞાનના ગ્રંથોનું અધ્યયન અથવા ચિંતન-મનન પણ ઓછું નથી થતું. પુસ્તકો, પુસ્તકાલયો, કથા-કીર્તનો, સંમેલનો ને સત્સંગો દ્વારા પણ જ્ઞાનનું વિતરણ થતું જાય છે. છતાં પણ માણસના મનમાં શાંતિ નથી, સંવાદ નથી, સ્થિરતા નથી અને એના જીવનમાં પણ ઘર્ષણ, ગડમથલ, કટુતા, સ્વાર્થ, લોલુપતા, વાસના અને અશાંતિ છે. એ બધું તો ઠીક, પણ સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીવનમાં પશુતાની સ્મૃતિ કરાવનારી ને પશુને પણ શરમાવનારી કેટલીક મલિન અપ્રામાણિક પદ્ધતિઓનો આશ્રય લેવાય છે અને કેટલાંય દૂષણોનું દર્શન થાય છે ત્યારે ઘડીભરને માટે પ્રશ્ન થાય છે કે એનું કારણ શું ?

એનાં બીજાં કારણો ગમે તે હોઈ શકે, પરંતુ એક મોટું કારણ એ પણ છે કે સંસારમાં જ્ઞાન વધતું જાય છે, પરંતુ વિજ્ઞાન નથી વધતું. વિચાર ને આચાર અથવા આદર્શ ને વ્યવહારની એકવાક્યતાનો અભાવ છે. માણસ જેને સત્ય, શુભ કે શ્રેયસ્કર સમજે છે એને કાયમ માટે આચરણમાં નથી ઉતારી શકતો, એનો વ્યવહારમાં અનુવાદ નથી કરી શકતો. એની પાસે જે જ્ઞાન છે તે એના જીવનને જ્યોતિર્મય કરવા અને એને સુખશાંતિ આપવા માટે પૂરતું છે. પરંતુ એ જ્ઞાનનો અમલ કરવામાં એક યા બીજા કારણે એ પાછો પડે છે. મહાભારતના દુર્યોધનની જેમ એ ધર્મને જાણે છે, પરંતુ એમાં એની પ્રવૃત્તિ નથી. અધર્મ શું છે અથવા શું નથી કરવા જેવું અથવા અહિતકર છે એ પણ સમજે છે, છતાં એમાંથી એ નિવૃત્ત નથી થઈ શકતો. વિચાર અને આચાર વચ્ચેની આ મોટી ખાઈ, આદર્શ અને વ્યવહાર વચ્ચેનું આ મોટું અંતર અને એના પરિણામે પેદા થયેલો કાયમનો ગજગ્રાહ આજના બુદ્ધિમાન માનવના જીવનની એક સમસ્યા છે. એનો ઉકેલ ના થાય ત્યાં સુધી શાંતિ નહિ મળી શકે. મનની શાંતિ માટે બહુ મોટી વિદ્વત્તા, પંડિતાઈ, બૌધિક પ્રતિભા કે તર્કશક્તિ નથી જોઈતી. જે થોડું જ્ઞાન આપણી પાસે છે તે પર્યાપ્ત છે. પરંતુ એ જ્ઞાન આપણા જીવનમાં ઊતરે એ આવશ્યક છે. એને માટે જેટલો પણ પ્રયાસ થાય એટલો ઓછો અને આશીર્વાદરૂપ છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok