Friday, September 18, 2020

જ્ઞાન અને વિજ્ઞાન - 2

ક્રોધ કરવો ખરાબ છે ને ક્રોધ કરવાથી નુકસાન થાય છે એ આપણે જાણીએ છીએ, છતાં પણ ક્રોધ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે આપણું એ જ્ઞાન પલાયન થઈ જાય છે. કામવાસના, અભિમાન, રાગ અને દ્વેષ પણ ઠીક નથી, એની આપણને ખબર હોય છે. છતાં એના સકંજામાંથી છૂટવાનો પ્રાથમિક પ્રયાસ ભાગ્યે જ કરવામાં આવે છે. કુકર્મોના શિકાર પણ કેટલાય લોકો બનતા જ જાય છે. માનવજીવન ઘણું મૂલ્યવાન છે, પળેપળે પસાર થઈ રહ્યું છે, અને એક દિવસ એના પર કામચલાઉ પડદો પડી જશે, એ જાણવા છતાં પણ એ જ્ઞાનનો ઉપયોગ કરીને જીવનમાં વધારે ને વધારે વિશુદ્ધ, સેવાભાવી ને ઈશ્વરપરાયણ બનવાના પરિશ્રમ થોડાંક જ કરતા હોય છે. બીજાને ઉપદેશ આપવામાં, પ્રવચન કરવામાં ને લખવામાં માણસોની કુશળતા સહેલાઈથી દેખાઈ આવે છે. એમાં એ જરાક પણ પાછા નથી પડતા. પરંતુ એ જ ઉપદેશોનો કે આદર્શોનો અમલ કરવાનો વખત આવે ત્યારે પંગુ સાબિત થાય છે. અનુભૂતિ સિવાયની એવી સમજ કોઈનુંયે કલ્યાણ નથી કરી શકતી.

શ્વેતકેતુ વિદ્યા પ્રાપ્ત કરીને પોતાના પિતા ઉદ્દાલકની પાસે આવ્યો ત્યારે એના મુખ પર અહંકાર હતો. પિતાને થયું કે શ્વેતકેતુની વિદ્યા કાચી છે, નહિ તો એ અહંકારી બનવાને બદલે નમ્ર બની જાત.

ઉદ્દાલકે એને પૂછ્યું કે, 'यज्ज्ञात्वा सर्वमिदं विज्ञातं भवति ’ જે જાણવાથી સર્વ કાંઈ જાણી શકાય છે તે તેં જાણ્યું ?’
શ્વેતકેતુએ કહ્યું કે, 'એ જ્ઞાન તો મને નથી મળ્યું.’
ઉદ્દાલકે એને વડનો ટેટો લાવવાની આજ્ઞા કરી.
એ ટેટાને શ્વેતકેતુ પાસે તોડાવીને ઉદ્દાલકે પૂછ્યું કે, 'તારી પાસે શું છે ?’
શ્વેતકેતુએ કહ્યું કે, 'અત્યંત સૂક્ષ્મ એવું બીજ છે.’
ઉદ્દાલકે કહ્યું, 'એ બીજમાંથી વિશાળ વટવૃક્ષનું નિર્માણ થઈ શકે તેમ છે. એટલે એ બીજમાં વૃક્ષ રહેલું છે તે તું જાણે છે ?’
શ્વેતકેતુએ કહ્યું, 'હા’
એટલે ઉદ્દાલકે આગળ કહ્યું કે, 'એવી જ રીતે પરમાત્મામાંથી સૃષ્ટિનું સર્જન થયું છે. એ પરમાત્મા અવિનાશી છે.’
શ્વેતકેતુની પાસે ઉદ્દાલકે પાણીનું પાત્ર મંગાવ્યું, અને એમાં મીઠાનો ગાંગડો નાખવા કહ્યું.
બીજે દિવસે એ પાત્ર પાછું મંગાવ્યું ને પૂછ્યું, 'મીઠાનો ગાંગડો ક્યાં ગયો ?
'ઓગળી ગયો.’ શ્વેતકેતુએ ઉત્તર આપ્યો.
'હવે પાણીને ઉપરથી ચાખીને કહે કે કેવું લાગે છે ? ’
'ખારું લાગે છે ’
'વચ્ચેથી ? ’
'વચ્ચેથી પણ ખારું છે ’
'નીચેથી ? ’
'નીચેથી પણ ખારું છે ’
'એના પરથી ખાતરીપૂર્વક સમજાય છે કે મીઠું પાણીમાં મળીને એકાકાર થઈ ગયું છે. એવી રીતે પરમાત્મા પણ સંસારમાં સર્વત્ર છે. સંસારમાં જે પ્રેમ, શાંતિ, સત્ય છે એમનાં જ છે. એ પરમાત્માને જાણવાથી બીજું બધું જ જાણી શકાય છે.’

પુત્રનો અહંકાર ઓગળી ગયો. પરમાત્માને ઓળખીને એ વધારે નમ્ર બન્યો.

ઉપનિષદ એ ઉદાહરણ દ્વારા કહેવા માગે છે કે વિજ્ઞાન માનવને નમ્રાતિનમ્ર બનાવી દે છે. જ્ઞાનની પ્રાપ્તિ કરવાથી બૌદ્ધિક સમાધાન મળી શકશે, પરંતુ જીવનું શ્રેય તો વિજ્ઞાનથી જ થઈ શકશે. માટે જ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય કરવાની આવશ્યકતા છે. વિજ્ઞાન દ્વારા પરમાત્માનો પોતાની અંદર અને બહાર બધે જ અનુભવ થવાને લીધે જીવનમાં ક્રાંતિ થશે. સૌ પર પ્રેમ થશે, એમાં સુખ અને સૌની શાંતિની વૃત્તિ ને પ્રવૃત્તિ થશે, તથા રાગદ્વેષ, અહંતા, મમતા અને આસક્તિનો અંત આવી, સમસ્ત જીવન જ્યોતિર્મય, પવિત્ર, પારદર્શક ને પ્રભુમય બની જશે. જીવનની એવી કૃતકૃત્યતા તથા વ્યવહારિક સફળતાને માટે પણ વિજ્ઞાનની આવશ્યકતા છે. જ્ઞાનનું લક્ષ્ય એ જ હોવું ઘટે. આજે આપણે ચારિત્ર્યનિર્માણને મહત્વનું માનીએ છીએ ત્યારે જ્ઞાનની સાથે વિજ્ઞાનનો આદર પણ કરવો પડશે. પ્રજા બાહ્ય વિકાસની દ્રષ્ટિએ ગમે તેટલી આગળ વધે પણ જો ચારિત્ર્યની દ્રષ્ટિએ પછાત હોય તો શક્તિશાળી નથી બની શકતી અને એની સમૃદ્ધિ પણ કાયમને માટે ટકીને એને તથા બીજાને માટે આશીર્વાદરૂપ નથી થતી.

જ્ઞાન, ભક્તિ, યોગ કર્મ એ ચારે સાધનમાર્ગમાં વિજ્ઞાન એટલે કે વિશેષ અનુભવજ્ઞાનનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. યોગમાં આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર અને ધારણા પછી ધ્યાન અને સમાધિ મારફત પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય કરવાનો આદેશ અપાયેલો છે. જ્ઞાનમાર્ગમાં વિવેકાદિ ષટ્સંપત્તિની પ્રાપ્તિ કરી, સદ્ ગુરૂ દ્વારા પરમાત્મતત્વનો ઉપદેશ ગ્રહણ કરી, એકાંત-સેવન દ્વારા સાધનાપરાયણ બનીને એ પરમાત્માનો પોતાની અંદર ને બહાર બધે સાક્ષાત્કાર કરવાનો સ્વીકાર કરાયેલો છે.

ભક્તિમાં પણ કેવળ બહારની ઉપાસનામાં ઈતિકર્તવ્યતા માનીને બેસી રહેવાને બદલે એ ઉપાસનાનો આધાર લઈ, આગળ વધી, છેવટે ઈશ્વરને માટેનો પરમપ્રેમ પેદા કરી, ઈશ્વરનું દર્શન કરવાનું છે. અને કર્મમાર્ગમાં પણ કર્મોનાં અનુષ્ઠાનથી ઉત્તરોત્તર હૃદયશુદ્ધિ સાધતા રહી, સૌના હિતમાં રત રહી, હૃદયમાં ઈશ્વરાનુગ્રહને લીધે જાગેલી જ્ઞાનજ્યોતિની મદદથી ચરાચરમાં રહેલા પરમાત્માનો અનુભવ કરવાનો છે. જીવનવિકાસના એ ચાર માર્ગોમાંથી કોઈયે માર્ગ બાહ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને બેસી રહેવાનો આદેશ નથી આપતો. એ ચારે માર્ગો માણસને જ્ઞાનમાંથી વિજ્ઞાનમાં પ્રવેશવાની સૂચના કરે છે. ઉપનિષદ તો સાફ શબ્દોમાં કહે છે કે 'નાયમાત્મા પ્રવચનેન લભ્યો, ન મેઘયા ન બહુના શ્રુતેન. ’ પરમાત્માની પ્રાપ્તિ નથી પ્રવચનોથી થતી, નથી બુદ્ધિથી થતી, કે નથી ઘણું સાંભળવાથી થતી. એને માટે તો વિશેષ જ્ઞાન અથવા અનુભૂતિના પ્રદેશમાં જ પ્રવેશવું પડે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok