Friday, September 18, 2020

ભાવાત્મક એકતા

આપણા દેશની આઝાદી પછી આપણે ત્યાં ભાવાત્મક એકતાની વાતો વધારે ને વધારે પ્રમાણમાં થવા માંડી છે એ આવકારદાયક છે. પ્રજા પોતાની એકતા વિશે વિચારતી ને વાતો કરતી થાય એ અત્યંત આવશ્યક છે. અલબત્ત એ વાતો કેવળ વાતો રહેવાને બદલે જીવનવ્યવહારમાં મૂર્તિમંત બને એ ઈચ્છવાયોગ્ય છે.

ભાવાત્મક એકતાના સંદેશને ભારતના અતીતકાળના પ્રાતઃસ્મરણીય મહાપુરૂષોએ ધાર્મિક વિધિવિધાનો સાથે સાંકળી લીધો છે. કેટલીક ધાર્મિક પ્રથાઓમાં પણ એનો પડઘો પડે છે. એ વિધિવિધાનો ને પ્રથાઓને પરંપરાગત કે રૂઢ રીતે કરવાને બદલે એમનું વિવેકપૂર્વકનું અનુષ્ઠાન કરવામાં આવે તો એ સંદેશને સમજીને જીવનમાં આત્મસાત્ કરી શકાય. પરંતુ આપણી મોટા ભાગની ધાર્મિક પ્રથાઓ વિવેકરહિત ને મૃતપ્રાય બની ગઈ છે. એવી એક સુંદર પરંપરાગત પ્રથા વિશે વાત કરું :

આપણે ત્યાં લાંબા સમયથી એવી માન્યતા પ્રચલિત છે કે ગંગાના પવિત્ર પાણીને રામેશ્વર સુધી લઈ જઈને ત્યાંના સુપ્રસિદ્ધ શિવમંદિરના લિંગ પર ચઢાવવામાં આવે તો માનવની મુક્તિ થાય છે. દર વરસે કેટલાય ભાવિક ભક્તો ગંગાજલ લઈને દક્ષિણની યાત્રા કરે છે ને રામેશ્વરના લિંગ પર એને ચઢાવીને કૃતકૃત્યતાનો અનુભવ કરે છે. આજના કેટલાક સુશિક્ષિતોને એ પ્રથા હાસ્યાસ્પદ અથવા અવિશ્વાસના નમૂનારૂપ લાગે છે. એમાં એમનો દોષ પણ નથી. છતાં પણ એની પાછળ જે જીવનવિકાસની ભવ્ય દ્રષ્ટિ છે એનો વિચાર કરવો આવશ્યક છે.

ગંગા હિમાલયની પ્રશાંત પર્વતમાળામાંથી પ્રકટીને આગળ વધે છે. ભાવિક ભક્તો એનું પવિત્ર પાણી લેવા માટે હિમાલયના ગંગોત્રી ધામમાં કે હરદ્વાર, હૃષીકેશ જેવાં સ્થાનમાં જતા. કોઈ કાશીની યાત્રા કરતા. એ યાત્રા દ્વારા દેશના એક દૂર-સુદૂરના પ્રદેશનો એમનો પરિચય થતો. યાતાયાતનાં સાધનોની અછત હતી ત્યારે એ ગંગાજલ લઈને પ્રવાસીઓ પગપાળા આગળ વધતા. દેશના વિભિન્ન પ્રદેશોમાંથી પસાર થઈને એ લાંબે વખતે રામેશ્વર પહોંચતા. એ દરમિયાન જુદાં જુદાં સ્થળોમાં વસતા પ્રતાપી પરમાત્માપ્રેમી સંતપુરૂષોના દર્શન-સમાગમનો એમને લાભ મળતો. એમની પાસેથી એમના અસાધારણ અનુભવવાળી જ્ઞાન-વિજ્ઞાનની વાતોનું શ્રવણ કરવાનો સુ-અવસર સાંપડતો, અને એમના ઉપદેશાનુસાર ચાલવાનું બળ મળતું. યાત્રાના દિવસોમાં ઘરથી ને કુટુંબીજનોથી છૂટા પડેલા યાત્રીઓને એ સૌની મમતા કે આસક્તિ ઘટાડવાની કે ઓગાળી નાખવાની તક મળતી. એ વધારે ને વધારે ઈશ્વરપરાયણ, ઉજ્જવળ, પવિત્ર ને સંયમી બનાવનારા નિયમોનું પાલન કરતો. એને લીધે એના આત્મબળની અભિવૃદ્ધિ થતી.

એ ઉપરાંત, દેશના વિવિધ વિભાગોને વિલોકીને એ વિચારતો કે પૃથક્ પૃથક્ પ્રદેશોમાં ભાષા જુદી છે, પહેરવેશ જુદા છે, રીતરિવાજ પણ જુદા છે, પરંતુ દિલ એક છે, સંસ્કૃતિ સરખી છે. એકસરખાં ધર્મશાસ્ત્રો ને કર્મકાંડની પરિપાટી બધે જ ઐતિહાસિક રીતે એક છે. એ અનુભવને લીધે એ સમસ્ત દેશની પ્રજા સાથે આત્મીયતાનો અનુભવ કરી શકતો ને એ પ્રજાને માટે જીવનનું સમર્પણ કરવાનો સંકલ્પ કરતો. એવી રીતે હિમાલયના પવિત્ર ઉત્તરીય પ્રદેશમાંથી એ દક્ષિણમાં રામેશ્વર પહોંચતો ત્યાં સુધીમાં એની કાયાપલટ થઈ જતી. એના સ્વભાવનું રૂપાંતર ને વૃત્તિઓનું વિશુદ્ધિકરણ થતું. એટલે ગંગાનું પાણી રામેશ્વરમાં ભગવાન શંકરને ચઢાવતી વખતે એની મુક્તિ જરૂર થતી. એ મુક્તિ મોહમાંથી, સંકુચિતતામાંથી, સ્વાર્થભાવમાંથી, દોષોમાંથી અને અજ્ઞાનમાંથી થનારી મુક્તિ હતી. એ વિશે કોઈ સંદેહ નથી. ભક્તના પ્રાણમાં પરમાત્માનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચતા એને પરમાત્મદર્શનનો પરમ લાભ પણ મળી રહેતો.

એવી રીતે વિચારીએ તો એ સુંદર પરંપરાગત પ્રથાની પાછળ રહેલી જીવનશુદ્ધિની ને રાષ્ટ્રીય ભાવાત્મક એકતાની ભાવનાનું સ્પષ્ટ દર્શન થઈ રહે છે. આજે પણ એ પ્રથાનો આધાર લઈને કેટલાય પ્રવાસીઓ કે ભાવિક ભક્તો ઉત્તરમાંથી ગંગાજલ લઈને દક્ષિણમાં જતા હશે. એ સૌ એ પ્રથાની પાછળની આ સુદંર ભાવનાને સમજે અને અનુસરે તો ? એ પ્રથા એમને પોતાને ને બીજાને માટે કેટલી બધી આશીર્વાદરૂપ બની જાય ? પ્રથા કેવળ પ્રથા રહેવાને બદલે જીવનપયોગી સુંદર સાધના થાય.

રાષ્ટ્રીય એકતાની સિદ્ધિ તથા સુદ્રઢતામાં ધર્મનો ફાળો ઘણો મહત્વનો છે. પ્રત્યેક સુસંસ્કૃત ધર્મ સાચા અર્થમાં માનવીની મૂળભૂત આત્મિક અલૌકિકતામાં અને એના ઉપર આધારિત એકતામાં માને છે. વેદ પણ ઉદ્ બોધે છે કે, 'હે માનવો, તમે અમૃતના પુત્રો છો.’ ધર્મની પુરસ્કૃત, સુસંસ્કૃત દ્રષ્ટિએ પ્રત્યેક માનવ સચ્ચિદાનંદ સ્વરૂપે પરમાત્માનો પ્રતિનિધિ છે, સત્ય-શિવ ને સુંદર પ્રેમનિધિ પરમાત્માનો પાવન પ્રકાશ એની અંદર પથરાયલો છે. શરીરોનાં કલેવર બહારથી જુદાં જુદાં રૂપરંગવાળા છતાં પણ પંચમહાભૂતનાં અને એમની અંદર આવૃત્ત થયેલી આત્માની આભા એક જ છે. માનવોમાં જ નહિ, સમસ્ત ભૂતોમાં પરમાત્માનો પરમ પ્રકાશ પથરાયલો છે. એ સનાતન સત્યનો નિર્દેશ કરીને શાસ્ત્રોએ ઉપદેશ્યું છે કે आत्मवत् सर्वभूतेषु । સર્વે જીવોને પોતાના આત્મા જેવા જાણવા. સૌ પ્રત્યે પ્રેમ રાખવો, સમભાવ સેવવો ને સૌની સેવા કરવા તૈયાર રહેવું. ભેદભાવોની માનસિક નિવૃત્તિ કરીને આત્મિક અભેદભાવમાં પ્રતિષ્ઠિત થવાની કૌશિશ કરવી ને માનવ માનવ વચ્ચેના ને સમાજમાં બીજે દેખાતા ભેદભાવોને તિલાંજલિ આપવા માટે તૈયાર રહેવું ને એને માટેના સમ્યક પ્રામાણિક સમજપૂર્વકના પુરૂષાર્થનો આધાર લેવો.

પ્રેમભાવનાની પરિધિને વિસ્તારીને વિરાટ વિશ્વ સાથે પહોંચાડવાનો ને વિશ્વનાં સઘળાં પ્રાણીઓ સાથે આત્મીયતા અનુભવવાનો સ્વર્ણસંદેશ ધર્મે પૂરો પાડ્યો છે. અને એના અનુસંધાનમાં જ वसुधैव कुटुम्बकम् નો નિનાદ વહેતો કર્યો છે. એ નિનાદને સાચા અર્થમાં સાંભળવાની શક્તિથી માનવ સંપન્ન બને તો એ એક આદર્શ માનવ બને. પોતાની સેવા કરવાને બદલે બીજાની સેવામાં પણ સહાયક બને: ને સૌ ધર્મો પ્રત્યે સ્વાભાવિક સ્નેહ, સદ્ ભાવ ને સમદર્શીતાને ધારણ કરીને ધર્મને નામે તે માટે બીજાની સાથે લડે કે ઝઘડે નહિ ને કોઈયે પ્રકારની કટુતા પેદા ના કરે. એ અક્ષમતાવાદી નહિ પરંતુ સમુચ્ચયવાદી, સમન્વયાત્મક, સર્વહિતકારી માનસ કેળવતો રહે.

ગાંધીજીના વિરાટ જીવનમાં આપણને એ સત્યનું દર્શન થાય છે. સત્યની એ શક્તિની અસર એટલી બધી બળવાન બનેલી કે એમના અસાધારણ પ્રભાવ તળે દેશવાસીઓ એકતાના શાંતિમય સંવાદી સૂત્રે બંધાયેલા. ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમમાં સંપ, સેવા, સ્નેહ ને સ્વાર્પણના મધુર મંત્રો ગૂંજી રહેલા. એ ગૂંજન ધીમે ધીમે બંધ પડ્યું છે. એમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે એ મંત્રગૂંજન પુનઃ શરૂ કરવાનું છે, અને એકતાની સ્થાપના, સુસ્થિરતા ને સુરક્ષા માટે બનતું બધું જ કરી છૂટવાનું છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The task ahead of us is never as great as the power behind us.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok