Friday, September 18, 2020

ભાવાત્મક એકતા મંત્ર

ભાવાત્મક એકતાની વાતો આજે જોરશોરથી કરવામાં આવે છે. અને કેટલાક માણસો એનો પ્રચાર પણ કરી રહ્યા છે, એ ખરેખર આનંદદાયક છે. એવે વખતે પ્રાચીન ભારતમાં ભાવાત્મક એકતાને કેટલું બધું મહત્વ અપાતું, અને એને માટે રોજિંદા જીવનમાં કેવા ઉચ્ચ પ્રકારના ચોક્કસ શિક્ષામંત્રોને વણી લેવામાં આવેલા, એના તરફ અંગુલિનિર્દેશ કરું તો તે અસ્થાને નહિ લેખાય.

ભારતના પ્રાતઃ સ્મરણીય ઋષિવરોએ જીવનવ્યવહારની એવી ઉત્તમ પદ્ધતિ નક્કી કરી હતી કે જેને પરિણામે પ્રભાતના પ્રથમ પ્રહરમાં જ સમસ્ત દેશ સાથેની અંતરંગ એકતાનો ખ્યાલ આવી જાય અને અનુભવ થાય. એમાં મદદ મળે એટલા માટે એમણે સ્નાન કરતી વખતે બોલવાનો એક શ્લોક તૈયાર કરી દીધો. એ શ્લોક કેટલો બધો સાદો, સરળ છતાં સરસ અને સારગર્ભિત છે. આ રહ્યો એ શ્લોક :

गंगे च यमुने चैव गोदावरि सरस्वती ।
नर्मदा सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ॥

'હે ગંગા, હે યમુના, ગોદાવરી સરસ્વતિ ! હે નર્મદા, સિંધુ તથા કાવેરી ! આ પાણીમાં તમે વાસ કરો.’ ઉપરથી જોતાં તો આ શ્લોક અને એનો અર્થ અત્યંત સીધો અને સાધારણ લાગે છે, પરંતુ જરા સૂક્ષ્મતાથી અથવા અંદરખાનેથી વિચારીએ તો એવું નહિ લાગે. એથી ઊલટું, એના અલૌકિક આત્માની પ્રતીતિ થશે. સ્નાન કરતાં પહેલાં પોતાની પાસે પડેલા પાણીને નજર સમક્ષ રાખીને એ શ્લોક બોલવાનો હોય છે. એ શ્લોક દ્વારા બધી નદીઓને સ્નાન કરવા માટે તૈયાર કરેલા પાણીમાં વાસ કરવાનું કહેવામાં આવે છે.

એમાં શો મર્મ સમાયેલો છે તે જાણો છો ? સિંધુ નદી હિમાલયના તુષારાચ્છાદિત ઉત્તર પ્રદેશમાંથી પ્રકટ થઈને ઉત્તરીય પ્રદેશમાં જ વહ્યા કરે છે. ગંગા અને યમુના પણ આવિર્ભાવ પામે છે તો હિમાલયમાંથી જ, પરંતુ એમના પ્રસાર થવાના પ્રદેશો જુદા છે. સરસ્વતી જેમ બદરીનાથમાં તેમ ગુજરાતના સિદ્ધપુર ક્ષેત્રમાં પણ વહે છે. નર્મદા મધ્ય પ્રદેશ અને ગુજરાત એટલે કે ભારતના કટિ પ્રદેશમાં થઈને પસાર થાય છે, ગોદાવરી મુખ્યત્વે મહારાષ્ટ્રમાં વહ્યા કરે છે, ને કાવેરી દક્ષિણના સુંદર પ્રદેશને પોતાનું ક્રીડાસ્થાન કરતી આગળ વધે છે. એ સરિતાઓનું સ્મરણ કરવાથી આખા દેશનું સ્મરણ થાય છે એટલું જ નહિ પરંતુ સમસ્ત દેશ એક છે, એની સંસ્કૃતિ એક, અભિન્ન અથવા અવિભાજ્ય છે, એવું ભાન થાય છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એવા ચાર વિભાગો ભૌગોલિક દ્રષ્ટિએ કે વ્યાવહારિક સગવડને ખાતર કરવામાં આવ્યા હોય તે ભલે, પણ એનો અર્થ એવો નથી કે દેશ ચાર છે કે ચાર વિભાગોમાં વહેંચાયેલો છે. ના, દેશ તો એક જ છે અને એક જ રહેશે.

ભારત અનેક ભાષાઓનો દેશ છે. એની પ્રજામાં પૃથક્ પૃથક્ રિવાજો, પરંપરાઓ કે પ્રથાઓ છે. એની રુચિ, જીવનપદ્ધતિ, એની સમસ્યાઓ, અને એના પ્રશ્નોમાં પણ ભેદ છે. છતાં પણ એનું લોહી એક છે, ધ્યેય એક છે, હૃદય એક છે, અને એનો સાંસ્કૃતિક વારસો પણ એક છે. જુદી જુદી નદીઓના તટપ્રદેશ પર અને એમની વચ્ચે વસનારી પ્રજા એક જ છે - ભારતીય. નદીઓએ એના વિભાગો નથી કર્યા, પરંતુ એને એકતાના અસાધારણ સૂત્રે સાંધવાનું કામ કર્યું છે.

સ્નાન કરતી વખતે બોલવાના એ શ્લોકમાં એવી રીતે ઊંડુ રહસ્ય રહેલું છે. એ શ્લોકને બોલતી વખતે આ બધી વસ્તુઓનું સ્મરણ થાય છે અને થવું જોઈએ. પોતાની અંતર-આંખ આગળ એ શ્લોકના શબ્દોચ્ચારના પરિણામરૂપે, સમસ્ત ભારતનું રેખાચિત્ર ઊપસી આવવું જોઈએ, અને સમસ્ત રાષ્ટ્રની સાથેની પોતાની આત્મીયતા, અંતરંગ એકતા, અથવા તો એકાત્મતાનો અનુભવ થવો જોઈએ, ભાવાત્મક એકતાનો આથી વધારે ઉત્તમ પદાર્થપાઠ બીજો કયો હોઈ શકે ! ભારતના પ્રાતઃસ્મરણીય ઋષિવરોએ ભાવાત્મક એકતાની જરા પણ બુમરાણ મચાવ્યા વગર, અત્યંત શાંતિપૂર્વક તથા સરળ ને કળાત્મક રીતે, એકતાના એ મંગલમય, મહામૂલ્યવાન મંત્રને રોજના જીવનવ્યવહારમાં એવી રીતે સ્નાન કરવાની ક્રિયા સાથે ગૂંથી લીધો હતો. ભાવાત્મક એકતાની ભાવના એ રીતે ભારતની રોજની અને પ્રાચીન ભાવના હતી. પરંતુ વખતના વીતવા સાથે, ધીરે ધીરે, પ્રજા પોતાના સાંસ્કૃતિક પ્રાણધન જેવી એ અનેરી અને આશીર્વાદરૂપ ભાવનાને ભૂલી ગઈ, એ ભાવનાના અનુવાદ પરથી હાથ ધોઈ બેઠી, અંદર ભેદભાવની દીવાલો રચીને લડવા લાગી ને નિસ્તેજ બનતી ગઈ. કેટલી બધી મૂલ્યવાન, સર્વોત્તમ, સુંદર સંસ્કૃતિ, અને એનો કેવો ઘોર અનાદર.

એટલા માટે તો આજે ભાવાત્મક એકતાના પાઠો ફરી શીખવવા પડે છે. મારો ઉદ્દેશ એની વિશેષ ચર્ચાવિચારણા કરવાનો નથી, મારો કહેવાનો મુખ્ય ઉદ્દેશ તો એટલો જ છે કે ભારતીય સંસ્કૃતિના આ રહસ્યમય મંત્રનો અને એને પ્રકટ કરનાર શ્લોકનો લાભ લઈને સ્નાન કરતી વખતે તમે સ્નાનની સાધારણ લાગતી ક્રિયાને અસાધારણ સાધનામય કરી શકો છો. એમ કરશો તો સ્નાનાગાર તમારે માટે મહાન પાઠશાળા બની રહેશે. સ્નાન કરવાની ક્રિયા તમને અજબ આનંદ આપશે. એ ક્રિયા કેવળ શરીરની શુદ્ધિ માટેની જડ ક્રિયા જ નહિ રહે, પરંતુ મન અથવા અંતરને ઉદાત્ત કરનારી તેમજ નવા ભાવે ભરનારી ચિન્મય પ્રક્રિયા બની રહેશે. દેશની સાથેની ભાવાત્મક એકતાની સાથે સાથે, જો તમે જીવનશુદ્ધિના સાધક પણ હશો તો, જુદી જુદી સરિતામાં ભાવાત્મક સ્નાન કરીને જીવનની વિશુદ્ધિની પ્રેરણા પણ મેળવી શકશો. અને સમસ્ત દેશની સાથે એકતાનો અનુભવ કર્યા પછી કાંઈ નિષ્ક્રિય બનીને બેસી રહેશો કે ? એ દેશને બેઠો કરવા ને બળવાન બનાવવા તમારાથી બનતું બધું જ કરી છૂટશો. નિષ્કામ કર્મયોગ એમાંથી આપોઆપ ફલિત થશે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok