Friday, September 18, 2020

ભગવાન શ્રીકૃષ્ણ - જગદગુરુ

લોકોત્તર મહાપુરૂષો બે પ્રકારના હોય છે. એક પ્રકારના મહાપુરૂષો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજા પર પોતાની અસર પાડે છે; પરંતુ એમના મરણ પછી એ અસર ઘટતી જાય છે અથવા એકદમ અદ્રશ્ય થાય છે. પ્રજા એમને ઈતિહાસના અધ્યયન પૂરતી અથવા જયંતીઓ કે ઉત્સવો પૂરતી યાદ કરે છે એટલું જ. જ્યારે બીજી જાતના મહાપુરૂષો એમની જીવનલાલસા સંકેલાયા પછી પણ, પ્રજા પર પોતાનો પ્રભાવ પાડતા રહે છે, પ્રકાશ પાથરતા રહે છે ને પ્રજાના પથપ્રદર્શક બને છે. એ દેશ તથા કાળના બંધનથી પર હોય છે. એ કોઈ એક જ કાળના નથી હોતા પણ સર્વકાલીન હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણના સંબંધમાં એવું જ છે. પોતાના જીવનકાળ પછી પણ પ્રજા પર પડેલી એમની અસર અસાધારણ અને અદ્ ભૂત છે. એમને થયે વરસો વીતી ગયાં છે તો પણ, એમનો પ્રભાવ લેશ પણ ઓછો નથી થયો. પ્રજાના પ્રાણમાં એ એવા તો વણાઈ ગયા છે કે વાત નહિ. એમને અલગ નથી કરી શકાયા તેમ એમના જીવનકાળ પછી આટલાં બધાં વરસોમાં ભક્તો ને કવિઓએ એમના પર કેટલાં બધાં પદો લખ્યાં છે, એમને અંજલિ આપતાં કેટલાં સ્તવનો કર્યાં છે, કેટલાં મંદિરો રચ્યાં છે, અને લોકોના મનમાં એમની કેટલી બધી પ્રેમપ્રતિષ્ઠા થઈ છે, એના તાગ કોણ કાઢી શકે તેમ છે ? કેટલાક ભક્તો, સાધકો, યોગીઓ ને જ્ઞાનીઓએ એમનામાંથી પ્રેરણા મેળવી છે અને એમનો આશ્રય લઈને કેટકેટલા નાનામોટા અર્જુનો જીવનના જટિલ સંગ્રામમાં, સંકટોની વચ્ચે પણ, સ્મિત સાથે સફળતાપૂર્વક ઝઝૂમી શક્યા છે, એનો અથથી ઈતિ સુધીનો ઈતિહાસ તો જ્યારે આલેખાય ત્યારે ખરો; પરંતુ એટલું તો ચોક્કસ છે કે એમનો પ્રભાવ પ્રજાજીવનમાં ઘણો પ્રબળ છે. એ આજે પણ અમર છે અને અમર રહેવા સર્જાયેલા છે.

એક પ્રોફેસર ભાઈએ તાજેતરમાં મારી મુલાકાત લઈને મને પૂછ્યું : ' શ્રીકૃષ્ણને અવતાર તરીકે ક્યારથી બેસાડવામાં આવ્યા તે કહી શકશો ? મનુષ્ય તરીકે એમની કાંઈ કિંમત ખરી કે નહિ ?’

મેં એમને ઉત્તર આપ્યો : 'શ્રીમદ્ ભાગવતમાં અવતારોનું વિસ્તૃત વર્ણન આવે છે અને ગીતામાં પણ એનો ઉલ્લેખ કરાયેલો છે. એમની વિશેષ શક્તિ અને એમના જીવનમાં જોવા મળતી સર્વજ્ઞતાને લીધે એમને ઈશ્વરના અવતારરૂપે માનવામાં આવ્યા હોય તે સ્વાભાવિક છે. મહર્ષિ વ્યાસે પણ એના પરથી જ એમને અંજલિ આપતાં કહ્યું છે કે, 'કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ્’ - કૃષ્ણ તો ભગવાન પોતે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે મનુષ્ય તરીકે એમની કાંઈ કિંમત જ નથી, અથવા એ મનુષ્ય મટી ગયા હતા.

શ્રીકૃષ્ણના જીવનકાળ દરમિયાન, એમને એક આદર્શ પુરૂષ તરીકે પણ માનવામાં આવેલા. મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે કરેલા રાજસૂય યજ્ઞ દરમિયાન એ જમાનાના સર્વશ્રેષ્ઠ પુરૂષની પૂજા કરવાનો વિચાર રજૂ થયો ત્યારે શ્રીકૃષ્ણ જ આપણા યુગના સર્વશ્રેષ્ઠ મહાપુરૂષ છે એવો અભિપ્રાય મહર્ષિ વ્યાસે વ્યક્ત કરેલો એવી રીતે એમનું સન્માન કરવામાં આવેલું પરંતુ એવા અપ્રતિમ સન્માન વખતે એમની દશા તો જુઓ : એ આગંતુકોનું સ્વાગત કરતા હતા. એમનામાં અહંકારનો અંશ પણ નહોતો. એમનો પ્રજાપ્રેમ, ગોપ્રેમ, એમની વીરતા, મિત્રતા, રાજનીતિની કુશળતા, નિર્મળતા અને અનાસક્તિ આદર્શ હતી.

મહર્ષિ પતંજલિએ 'યોગદર્શન’માં કહ્યું છે : 'કેટલાક માણસોને જન્મથી પણ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે’ એટલે કે માણસો જન્મની સાથે જ અમુક વિશેષ શક્તિઓ લઈને આવતા હોય છે. સંત જ્ઞાનેશ્વર તથા શંકરાચાર્યની જેમ એ હકીકત ભગવાન શ્રીકૃષ્ણના સંબંધમાં સાચી ઠરે છે. એમનામાં જન્મથી જ સર્વજ્ઞતા તથા અસાધારણ શક્તિમત્તાનો આવિર્ભાવ થયો હતો એટલે એ નાની ઉંમરમાં પણ અનેક અદ્ ભૂત કામો કરી શક્યા. એમના એ જીવનકાર્યોનું આલેખન મહાભારત તથા ભાગવત જેવા પુરાણોમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે.

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् ।
देवकी परमानन्दं कृष्णं वन्दे जगद् गुरूम् ॥

આ શ્લોકમાં ભગવાન કૃષ્ણને વંદના કરતાં 'જગદ્ ગુરૂ’ કહેવામાં આવ્યા છે. એમાં જરાય અતિશયોક્તિ નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના લોકોપકારી વ્યક્તિત્વને આપવામાં આવેલી સાચી, અનુરાગભરી અંતઃકરણપૂર્વકની અંજલિ છે. એ શ્લોકમાં કહ્યા પ્રમાણે શ્રીકૃષ્ણ ખરા અર્થમાં જગદ્ ગુરૂ છે. એમનો પ્રભાવ કેવળ ભારતવર્ષ પૂરતો મર્યાદિત નથી રહ્યો, ભારતની બહાર આખી દુનિયામાં એમના સદુપદેશની સુવાસ પ્રસરી ચૂકી છે. સંસારના સઘળા સુસંસ્કૃત દેશોમાં એમની અમૃતવાણી જેવી ગીતાનું અધ્યયન થાય છે. લોકો એમાંથી પ્રેરણા ને પ્રકાશ મેળવે છે. ભારતના જ નહિ, પરંતુ ભારતની બહારના વિદ્વાનો ને પંડિતોએ એની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. એમને એમાંથી જીવનવિકાસની સર્વોત્તમ સામગ્રી સાંપડી છે. એ દ્રષ્ટિએ જોતાં શ્રીકૃષ્ણને અપાયેલી જગદ્ ગુરૂની અંજલિ સાચી ઠરે છે.

કુરૂક્ષેત્રના મેદાનમાં, અર્જુનને નિમિત્ત બનાવીને, એમણે વહાવેલી ભગવદ્  ગીતાની ગંગા વરસોથી જનતાનું કલ્યાણ કરી રહી છે, અને કલ્યાણ કરતી રહેશે. એ ગીતા ભગવાન શ્રીકૃષ્ણના જીવનના સાર અથવા પ્રતિબિંબરૂપ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના જ્ઞાનની, સિદ્ધાંતો કે આદર્શોની મૂર્તિરૂપ હતા. અને જે જાતનું જીવન એ જીવતા તેની જ પ્રતિચ્છબી એમણે એમાં પાડી બતાવી છે. ગીતામાં જે ધર્મનો ઉપદેશ અપાયો છે તે ધર્મ કોઈ મંદિર, મસ્જિદ કે ગિરજાઘરનો ધર્મ નથી. શાસ્ત્રોનું શુષ્ક અધ્યયન, કર્મકાંડ યા બહારનાં પૂજાપાઠ પણ નથી; ઘર, કુટુંબ, ફરજનો બહારનો ત્યાગ પણ નથી. નામ-વેશનો પલટો પણ નહિ. એ ધર્મ તો માનવમનને સર્વ પ્રકારની મલિનતામાંથી મુક્ત કરી સાત્વિક કરવાની શિક્ષા આપે છે; ફરજના પાલનનો પાઠ પૂરો પાડે છે, સંસારમાં વસવા છતાં એથી અલિપ્ત રહી, આત્માને કમળદળની પેઠે રાખવાનો સંદેશ આપે છે; દ્વંદ્વોથી પર થઈને, નમ્રતાની મૂર્તિ બની, ઈશ્વરપરાયણ બનવાની પ્રેરણા પહોંચાડે છે અને પોતાની પાસે જે કાંઈ છે તેનો ઉપયોગ પોતાના જ સુખભોગને માટે કરવાને બદલે બીજાને સુખશાંતિ આપવામાં એનો વિનિયોગ કરવાનો મંત્ર શીખવાડે છે. એનું મુખ્ય લક્ષ્ય માનવના પોતાના અંદરના પરિવર્તન અને અંદરના વિકાસ તરફ છે. એ ધર્મ કાયમને માટે બધાને કામનો હોવાથી શાશ્વત રહેશે, અને તેના સંદેશવાહક શ્રીકૃષ્ણ પણ જગદ્ ગુરૂ તરીકે અમર રહેશે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Like a miser that longeth after gold, let thy heart pant after Him.
- Sri Ramkrishna

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok