Friday, September 18, 2020

રામ અને કૃષ્ણનો સમન્વય

માખણ
ભગવાન શ્રીકૃષ્ણને ગોપીઓનું માખણ ઘણું પ્રિય હતું એ વાત ભાગવત વાંચનાર-સાંભળનાર જાણે છે. એ માખણ અને ગોપીનો આધ્યાત્મિક અર્થ સમજવા જેવો છે. ગોપીઓ મનની અસંખ્ય વૃત્તિઓ છે. એ વૃત્તિઓ જ્યારે નિર્મળ બને ત્યારે એમની અંદર પરમાત્માનો પવિત્ર પ્રેમ પ્રગટ થાય છે. એ પ્રેમ માખણ જેવો મુલાયમ ને મધુર હોય છે. એવો પ્રેમ પ્રગટે એટલે પરમાત્મા સમસ્ત સંસારનું આકર્ષણ કરનારા કૃષ્ણ દૂર નથી રહી શકતા. એ જ્યાં હોય છે ત્યાંથી ભક્તનું પ્રેમ રૂપી માખણ ખાવા માટે દોડી આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની માખણલીલાનો એ સાર સારી પેઠે સમજી લઈને, ભક્તે એવો પ્રેમ પેદા કરવાની અને એ પહેલાં જીવનને પવિત્ર કરવાની જરૂર છે. એટલું થશે તો માખણલીલા એના જીવનમાં પ્રત્યેક પળે થયા કરશે ને જીવન ધન્ય બનશે.

વાંસળી
વાંસળીનું પણ એવું જ છે. વાંસળી વાંસનો ટુકડો છે પણ તે પોલો છે, એટલે એમાંથી સુમધુર સ્વર નીકળે છે. માણસને ભારે કોણ કરે છે ? અભિમાન. નમ્રતાથી એ હલકો બને છે એવી રીતે નિરાભિમાન બની આપણે હલકા થઈશું ત્યારે ભગવાન આપણને અપનાવી લઈને પોતાના કરશે, અને એમના સુધામય સ્પર્શથી આપણા જીવનમાં જાદુ ભરશે. એ જીવનમાં એવા સુમધુર શાંતિસ્વર ઊઠશે. જે આપણને તો આનંદ આપશે જ, પરંતુ બીજાને પણ સુખ ધરશે. વાંસળીના વાદનનો એ મહિમા છે.

રાધા ને કૃષ્ણ
રાધા ને કૃષ્ણના નામે કેટલીય વાતો વહેતી થઈ છે ને કેટલીય કથાઓ કહેવાઈ ગઈ છે. એ બધાની ચર્ચામાં ઊતરવાનું આવશ્યક નથી લાગતું. અહીં તો એક જુદી જ વાતનો નિર્દેશ કરવા માગું છું કે રાધાકૃષ્ણની એ કથાઓનો મધ્યવર્તી વિચાર જો આપણે યાદ રાખીએ તો આપણે માટે એ શ્રેયસ્કર થાય તેમ છે. રાધા જીવ છે ને કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા શિવ છે. રાધાની પેઠે પ્રત્યેક જીવે શિવના ચિંતન-મનનમાં મશગુલ બનીને તથા પોતાનું જીવનધન શિવના ચરણે ધરી જીવન કૃતાર્થ કરવા તૈયાર થવાનું છે. જીવનની કૃતાર્થતા એમાં જ સમાયેલી છે.

રાધા પ્રેમની પ્રતિમા અથવા પવિત્ર પ્રબળ પ્રેમનું પ્રતીક છે. જીવ પણ એવો પવિત્ર પ્રબળ પ્રેમ પેદા કરે તો શિવની સાથેની એકતાનો અનુભવ કરી શકે ને શિવના સંપૂર્ણ અનુગ્રહનો આસ્વાદ પામે. એ સનાતન સંદેશ એમાંથી શીખવાનો છે. જીવનની એ ધન્યતા અથવા પરમાત્મા સાથેની એકતાના અગત્યના સાધનનો સમાવેશ પણ રાધા શબ્દમાં કરવામાં આવ્યો છે. રાધાને ઊલટાવીએ તો ધારા થાય છે. ધારા એટલે ચિત્તની વૃત્તિઓની, ભાવો કે ઊર્મિઓની ધારા. સંસારના વિવિધ વિષયોમાં દિન-રાત વહેતી એ ધારાને ઊલટાવી પરમાત્માના શ્રીચરણમાં જોડી દેવાની અથવા પરમાત્માના સ્વરૂપ તરફ વહેતી કરવાની છે. રાધાના ચિત્તની સમગ્રવૃત્તિ એવી રીતે એકાગ્ર બનીને કૃષ્ણમાં કેન્દ્રિત થઈ હતી. પરમાત્માના નામ ને રૂપમાં એવી રીતે ચિત્તવૃત્તિ કેન્દ્રિત થતાં પરમાત્માનો સાક્ષાત્કાર સહજ બની શકે છે.

રામ અને કૃષ્ણનો સમન્વય
આપણે જે જમાનામાં જીવીએ છીએ તે જમાનામાં રામની જરૂર છે કે કૃષ્ણની ? અથવા તો વર્તમાન પ્રજાને રામની વધારે જરૂર છે કે કૃષ્ણની ? એ પ્રશ્નોના ઉત્તરમાં મારે એ જ કહેવાનું છે કે રામ અને કૃષ્ણ બંનેની જરૂર છે. બંનેના જીવનમાં આપણે માટે પ્રેરણાની સામગ્રીનો સ્ત્રોત ભરેલો છે. એનો સદુપયોગ કરીએ તો જીવન જ્યોતિર્મય થાય અને આદર્શ બની જાય. આપણી મોટામાં મોટી ત્રુટી એ જ છે કે આપણે રામ અને કૃષ્ણને ઈશ્વરના અવતાર માન્યા છે, એમનાં મંદિરો કર્યાં છે; પરંતુ એમના જીવનમાંથી પ્રકાશપ્રાપ્તિ કરી જીવનને ઉત્તરોત્તર ઊજ્જવળ કરવાનું કીમતી કામ છોડી દીધું છે.

આપણે એમની આરતી ઉતારીએ, પૂજાપ્રશસ્તિ કરીએ, જયંતી ઊજવીએ, એમને ભોગ ધરીએ, એમની મૂર્તિને શણગારીએ અને એના નામની જે બોલીને એમની લીલાની નાટકીય નકલ કરીએ, એટલે આપણું કામ પૂરૂં થયું એવું નથી સમજવાનું. એમનો આધાર લઈને આપણે આદર્શ માનવ થવા, જીવનને જીવન કરવા, અને એમના આદર્શોને આત્મસાત્ કરવા પ્રયાસ કરવાનો છે. અને એવો પ્રયાસ આપણે ન કરતા હોવાથી, અથવા કરતા હોઈએ તો અત્યંત ઓછા પ્રમાણમાં કરતા હોવાથી, રામ ને કૃષ્ણ આપણે માટે દેવતા કે ઈશ્વરાવતાર જ રહ્યા છે પણ જીવનના પ્રેરકબળ નથી બન્યા.

આપણા સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં જે સ્વાર્થ, ચડસાચડસી, કટુતા, અપ્રામાણિકતા, સત્તા તથા પદની સ્પર્ધા, લાલસા, છળકપટ વગેરે દેખાય છે તેને દૂર કરવા માટે નીતિ અને સદાચારની મૂર્તિ જેવા, દીનદુઃખી પ્રત્યે હમદર્દી ધરાવનારા, મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામના જીવનમાંથી પ્રેરણા મેળવવાની છે અને અન્યાય, અધર્મ, આતંક અને અત્યાચારરૂપી કૌરવદળનો સામનો કરવા ભગવાન શ્રીકૃષ્ણની જેમ કટિબદ્ધ થવાનું છે. સામાજિક અને રાષ્ટ્રીય સલામતી અને સમૃદ્ધિ માટે અભિશાપરૂપ તત્વોનો સામનો કરી, એમને નિર્મળ કરવા એ મહાપુરૂષની જેમ જીવનભર ઝઝૂમવાનું છે. લોકહિતની એમની ભાવનાને હૃદયમાં ધારણ કરવાની છે. ઉપરાંત એમના ગીતાના સંદેશને જીવનમાં સાકાર કરવા કોશિષ કરવાની છે. એવી રીતે મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામને ગીતાગાયક અસુરવિનાશક શ્રીકૃષ્ણનો સમન્વય કરવાનો છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Patience is not so much about waiting, as it is about how one behaves while waiting.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok