Friday, September 18, 2020

ભગવાન શ્રીકૃષ્ણ - શરીરધારણ

શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે :

जन्म कर्म चने दिव्यमेवं यो वंति तत्वत: ।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोङर्जुन ॥

'હે અર્જુન, મારો જન્મ અને મારાં કર્મ અલૌકિક છે એવું જે તાત્વિક રીતે જાણી લે છે તે શરીરમાંથી છૂટ્યા પછી ફરીવાર જન્મવાને બદલે મારી પ્રાપ્તિ કરી લે છે’ 
એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને પોતાના જન્મની દિવ્યતા તરફ અંગુલિનિર્દેશ કરી બતાવ્યો છે. એમનો એ અંગુલિનિર્દેશ અથવા ઉલ્લેખ એમના પ્રાક્ટ્ય કે અવતરણનો વિચાર કરવાથી સાચો ઠરે છે. શ્રીકૃષ્ણનો જન્મ કોઈ પ્રાકૃત પુરૂષની પેઠે નથી થયો એ વાતની યાદ દેવડાવતાં ગોપીઓએ ભાગવતના દસમા સ્કંધના એકત્રીસમા અધ્યાયમાં સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે, 'તમે કેવળ યશોદાનંદન નથી, પરંતુ સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનાર સાક્ષી અથવા અંતર્યામી છો. બ્રહ્માજીની પ્રાર્થનાને લક્ષમાં લઈને, વિશ્વની રક્ષા કરવાના એકમાત્ર હેતુથી પ્રેરાઈને તમે યદુકુળમાં પ્રકટ થયા છો.’

न खलु गोपिकानंदनो भवानखिल विश्वनामंतशत्महक् ।
विश्वसमार्थये विश्वगुप्तये सख उदेयिवान सात्वतां काले ॥

ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય જન્મ, પ્રાકટ્ય કે અવતરણનો ઉલ્લેખ કરતાં ભાગવતમાં શુકદેવે પરિક્ષિતને કહ્યું છે, 'હે’ સર્વ પ્રકારના શુભ ગુણોથી સંપન્ન સુંદર સમય આવી પહોંચ્યો. રોહિણી નક્ષત્ર હતું. આકાશના બધા ગ્રહો, નક્ષત્રો તથા તારાઓ શાંત દેખાતા’તા. દિશાઓ પ્રસન્ન હતી. નિર્મળ આકાશમાં તારા ટમકી રહેલા. સમસ્ત સૃષ્ટિ મંગલમય લાગતી’તી. નદીઓનું નીર નિર્મળ થઈ ગયું. રાત્રીના વખતે પણ સરોવરમાં કમળ ખીલી રહેલાં. વનમાં વૃક્ષોની પંક્તિ રંગબેરંગી ફૂલોની હારથી સુશોભિત બની ઊઠેલી. શીતળ, મંદ, સુગંધીદાર વાયુ બધે સુખ આપતો વાયા કરતો’તો. સંતપુરૂષોનાં મન એ વખતે એકાએક પ્રસન્નતાથી ભરાઈ ગયાં. ભગવાનના આવિર્ભાવનો અવસર આવતાં સ્વર્ગમાં દેવતાઓ વાદ્યો વગાડવા લાગ્યા. કિન્નર ને ગંધર્વ સુમધુર સ્વરમાં ગાવા લાગ્યા તથા સિદ્ધ અને ચારણ ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા માંડ્યા. વિદ્યાધારી અપ્સરાઓ સાથે નાચવા લાગી. મોટામોટા ઋષિમુની ને દેવતાઓ આનંદથી ભરાઈને સ્તુતિ કરવા લાગ્યા. મધ્યરાત્રિનો વખત હોવાથી ચારેતરફ અંધકારનું સામ્રાજ્ય હતું. એ વખતે પૂર્વ દિશામાં સોળે કળાયુક્ત પૂર્ણ ચંદ્રનો ઉદય થાય તેમ, સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ, દેવકીમાતાની કૂખથી પ્રકટ થયા.

વસુદેવે કંસના કારાગારના પોતાના કામચલાઉ નિવાસસ્થાનમાં, પોતાની આગળ ઊભેલા એક અદ્ ભુત બાળકનું દર્શન કર્યું. એ અલૌકિક અસાધારણ આશ્ચર્યકારક બાળકનાં નેત્ર કમળ જેવાં કોમળ ને વિશાળ હતા. એના ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા ને પદ્મ હતાં. વક્ષઃસ્થળ પર અત્યંત સુંદર સુવર્ણમયી રેખા હતી, ગળામાં કૌસ્તુભમણિ હતો. વર્ષાકાલીન વાદળ જેવા પરમ સુંદર શ્યામલ શરીર પર પીતાંબર ધારણ કરેલું. બહુમૂલ્ય વૈદૂર્યમણિના કિરીટ અને કુંડળની કાંતિથી સુંદર દેખાતા વાંકડિયા વાળ સૂર્યનાં કિરણની પેઠે ચમકી રહેલા. કમર પર કંદોરો તથા બાહુ પર બાજુબંધ દેખાતા એ આભૂષણોથી અલંકૃત બાળકના અંગની શોભા એકદમ અદ્ ભૂત હતી.

વસુદેવને ખબર પડી કે મારે ત્યાં પુત્રના રૂપમાં ભગવાન પોતે જ પધાર્યા છે ત્યારે સૌથી પહેલાં તો એમના આશ્ચર્યનો પાર ના રહ્યો. પછી એ આશ્ચર્ય આનંદમાં પરિણમ્યું. એમનું રોમેરોમ પરમાનંદથી પરિભાવિત બની ગયું. શ્રીકૃષ્ણના જન્મના ઉત્સવના આનંદાતિરેકમાં એમણે એ જ વખતે બ્રાહ્મણોને દસ હજાર ગાયોનું દાન કરવાનો સંકલ્પ કર્યો. વસુદેવને ત્યાં પરમ પુરૂષ પરમાત્મા પધાર્યા છે એવી માહિતી મળતાં દેવો સર્વે પ્રકારના ભયથી મુક્ત બની ગયા. મનને સ્થિર કરીને ભગવાનના ચરણમાં મસ્તક નમાવી, બે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યાં.

દેવકી પણ પોતાના પુત્રમાં પુરૂષોત્તમ પરમાત્માનાં સઘળાં લક્ષણો જોઈને વિસ્મય પામી. એને કંસનો ભય તો લાગ્યો જ, પરંતુ પછી પણ પ્રસન્નતાપૂર્વક સ્તુતિ કરવા માંડી.
ભગવાન શ્રીકૃષ્ણના પ્રાકટ્યનો પ્રસંગ એવો અનેરો હતો. વસુદેવ તથા દેવકીના પુત્રરૂપે એ પ્રકટ થયા તેનું કારણ શું ? એ પ્રશ્નનો ઉત્તર વસુદેવ ને દેવકીની પ્રાર્થનાની પૂર્ણાહુતિ પછી એમણે કહેલાં વચનોમાંથી સહેલાઈથી મળી રહે છે.

ભગવાન શ્રીકૃષ્ણે પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં સ્પષ્ટીકરણ કરતાં કહ્યું: 'સ્વાયંભુવ મન્વંતરમાં તમારો પ્રથમ જન્મ થયો ત્યારે તમારું નામ પશ્નિ હતું અને વસુદેવ સુતપા નામના પ્રજાપતિ હતા. તમારા બંનેનાં હૃદય શુદ્ધ હતાં, બ્રહ્માએ તમને પ્રજોત્પત્તિ માટે આદેશ આપ્યો ત્યારે તમે બંનેએ ઈન્દ્રિયોનું દમન કરીને તીવ્ર તપશ્ચર્યા કરી. વરસાદ, પવન, ઠંડી, ગરમીનાં વિવિધ કષ્ટો સહન કરતાં, તમે પ્રાણાયામની સાધના દ્વારા મનના મેલને ધોઈ કાઢ્યા. કોઈ વાર સૂકાં પાંદડા ખાઈને તો કોઈ વાર વાયુભક્ષણ કરીને તમે સમય પસાર કરતાં. તમારું મન પણ શાંત હતું. એવી રીતે મારી કૃપાની કામનાથી તમે મારી આરાધના કરી. મારામાં મન લગાડીને એવું તીવ્ર તપ કરતાં દેવતાઓનાં બાર હજાર વરસ વીતી ગયાં. એ તપથી હું તમારા બંને પર પ્રસન્ન થયો. તમને વરદાન આપવા માટે હું તમારી સામે આ સ્વરૂપમાં પ્રકટ થયો. મેં તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે બંનેએ મારા જેવા પુત્રની માગણી કરી.

ત્યાં સુધી તમે વિષય ભોગોથી મુક્ત હતાં ને તમારે કોઈ સંતાન પણ ન હતું. એટલે મારી માયાથી મોહિત થઈને તમે મોક્ષની માગણી ના કરી. તમારી ઈચ્છા પ્રમાણે મેં તમને વરદાન આપ્યું. મેં જોયું કે દુનિયામાં શીલ, સ્વભાવ, ઉદારતા તથા બીજા ગુણોમાં તમારાં જેવું બીજું કોઈ નથી, તેથી હું જ તમારો પુત્ર થયો. એ વખતે મારું નામ પશ્નિગર્ભ હતું.

બીજા જન્મમાં તમે અદિતિ અને વસુદેવ કશ્યપ થયા. એ વખતે પણ હું તમારો પુત્ર થયો. એ વખતે મારું નામ ઉપેન્દ્ર હતું. નાનું શરીર હોવાથી લોકો મને વામન કહેતા. આ તમારા ત્રીજા જન્મમાં પણ હું તમારો પુત્ર થયો છું. મારી વાણી સદા સાચી હોય છે. તમને મારું આ રૂપ હું એટલા માટે બતાવી રહ્યો છું કે તમને મારા પહેલાંના અવતારોનું સ્મરણ થઈ જાય. કેવળ માનવ શરીરથી તમને મારા અવતારની ખાતરી ના થાત.’

એ પછી ભગવાને પોતાની યોગમાયાથી પોતાનું દિવ્યરૂપ સંકેલી લઈને તરત જ એક સાધારણ શિશુનું સ્વરૂપ ધારણ કરી લીધું. એવી રીતે એમનો જન્મ ખરેખર અલૌકિક હતો.

આ વર્ણનથી આગળ વધીને જુદી રીતે વિચારીએ તો પણ, જન્મીને એમણે જે કર્મો કર્યાં તે કર્મો પણ કાંઈ સાધારણ ન હતાં. એ કર્મોનો વિચાર કરતાં સમજાય છે કે શ્રીકૃષ્ણના રૂપમાં પ્રકટેલી વિભૂતિ કોઈ સામાન્ય વિભૂતિ ન હતી. એમનો જન્મ કેવળ યદુકુળ અથવા ગોકુળ-વૃંદાવનને માટે જ નહિ પરંતુ સમસ્ત સંસારને માટે આશીર્વાદરૂપ હતો. એમની અસર એ વખતના સમાજ પર જ નહિ પરંતુ સર્વકાળના સમાજ પર પડી છે. એ એમના જન્મની અસાધારણતાની પ્રતીતિ કરાવે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Not everything that can be counted counts, and not everything that counts can be counted.
- Albert Einstein

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok