Friday, September 18, 2020

મતભેદ

યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદમાં યુધિષ્ઠિરે મહાભારતમાં કહ્યું છે :

શ્રુતિર્વિભિન્ના સ્મૃતિયોઙપિ ભિન્ના નૈકો મુનિર્યસ્ય વચઃ પ્રમાણમ્ ।

શ્રુતિઓ જુદી જુદી છે, સ્મૃતિઓના આદર્શોનાં અર્થઘટનો પણ અલગ અલગ કરવામાં આવે છે. એવો એક પણ મુનિ નથી જેના વચનોને પ્રમાણભૂત માની શકાય.

એ શબ્દોનો સૂચિતાર્થ એ છે કે વિશ્વમાં વિચારોની વિવિધતા રહેવાની અને એને પરિણામે ઉદ્ ભવતા મતમતાંતરો પણ રહેવાના. બધા એક જ સરખા વિચારોમાં, સિદ્ધાંતોમાં, આદર્શોમાં વિશ્વાસ રાખતા અને માનતા થઈ જાય એવું ભાગ્યે જ બનવાનું. વિવિધતા એ જ વિશ્વ છે. વિવિધતા વિશ્વની વિશેષતા છે. જુદા જુદા વિષયો પરત્વે જુદાં જુદાં ક્ષેત્રોમાં જુદા જુદા માનવો વચ્ચે મતભેદ રહેવાના.

તુંડે તુંડે મતિર્ભિન્ના - માનવે માનવે જુદું જુદું મસ્તિષ્ક અને મસ્તિષ્કે મસ્તિષ્કે જુદી જુદી મતિ. સંસારના એ સ્વાભાવિક સ્વરૂપને સુચારુરૂપે સમજી જઈએ તો મતભેદ થતા હોય ત્યારે મનભેદ ના કરીએ. આપણો મત જુદો પડતો હોય તો તેને આદર્શ માનવને છાજે તેવી રીતે સહેજ પણ ઉત્તેજીત થયા વિના, કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના સ્વસ્થતા તથા શાંતિપૂર્વક રજૂ કરીએ, બીજાને સહેજ પણ ઉશ્કેર્યા સિવાય એને સમજાવવાનો પ્રયાસ કરીએ, અને બીજાના વિચારો, સિદ્ધાંતો, મતો અથવા આદર્શો આપણાથી અલગ પડતા હોય ત્યારે પણ તેમને શાંતિથી, સહાનુભૂતિપૂર્વક, કોઈ પણ પ્રકારની અહંતા, મમતા કે કશા રાગદ્વેષ કે પૂર્વગ્રહથી પીડાયા વિના સાંભળવાની, સમજવાની ને શક્ય હોય તો સ્વીકારવાની આપણે તૈયારી રાખવી જોઈએ. બીજાને પણ આપણી જેમ જ વિચારવાની ને નિર્ણયો બાંધવાની સ્વતંત્રતા છે એવું સમજીને એના વિચારો આપણાથી જુદા પડતા હોય તેથી જ તેના પ્રત્યે વિદ્વેષ રાખવાની વૃત્તિ ને પ્રવૃત્તિને આપણે સેવવી ના જોઈએ.

એક સુપ્રસિદ્ધ લોકસેવકના સંનિષ્ઠ મિત્રે એકવાર એની પાસે પહોંચીને પોતાના પૃથક્ અભિપ્રાયને પ્રકટ કર્યો, અને અલગ પડવાની માંગણી કરી. લોકસેવકે સહેજ પણ ઉશ્કેરાયા વિના એના શબ્દોને શાંતિથી સાંભળીને એને સમજાવવાની કોશિષ કરી કિન્તુ એની કોશિષ નિષ્ફળ નીવડી અને પેલા મિત્રે છૂટા પડવાનો આગ્રહ ચાલુ રાખ્યો ત્યારે કહ્યું : આપણાં અંતર તો અલગ નહિ થઈ શકે. આપણી કાર્યપદ્ધતિ ને પ્રવૃત્તિનાં ક્ષેત્રો છૂટાં પડશે તો પણ આપણી મિત્રતા કદાપિ નહિ છૂટે, નહિ તૂટે. આપણે મિત્રો તરીકે મળતા રહીશું. મિત્રની આંખમાં એ સાંભળીને અશ્રુ આવી ગયાં. લોકસેવકની મહાનતા પર એ મુગ્ધ થયો.

આપણે તો બીજાના પ્રામાણિક સાત્વિક વિચાર-વિરોધને પણ ભાગ્યે જ ચલાવી લઈએ છીએ. વિરોધી વિચારવાળાને માટે કેટલીક વાર આપણામાં વેરભાવ પણ જાગે છે. આપણે એનું અમંગલ ઈચ્છીએ છીએ, અપમાન કરીએ છીએ. આપણે બીજાનો વિરોધ કરીએ છીએ પણ કોઈ આપણો વિરોધ કરે તેને પસંદ નથી કરતા, તેથી અકળાઈ ઊઠીએ છીએ. વ્યવહારમાં વિરોધી વિચારો તો રહેવાના જ. પતિપત્ની વચ્ચે, માતાપિતા વચ્ચે, વડીલ, શિક્ષકો ને વિદ્યાર્થીઓ વચ્ચે, મજૂર અને મહાજન વચ્ચે, પ્રજા અને પાલક વચ્ચે મતભેદ થયા કરવાના, પરંતુ એ મતભેદમાં ના પરિણમે એનું ધ્યાન રાખવાનું છે. વિરોધી વિચારસરણી કે મતવાળાને વેરી નથી માનવાનો, એનું અમંગલ નથી તાકવાનું અને એને પીડા નથી પહોંચાડવાની. સ્વસ્થ સમાજજીવનને માટે એવી સંસ્કારિતાથી સંપન્ન બનવાનું છે. એ કળામાં કુશળ થવાનું છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Some of God's greatest gifts are unanswered prayers.
- G. Brooks

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok