Thursday, October 29, 2020

મહાત્મા ગાંધીજી

મહાત્મા ગાંધીજી ! વરસો પછીની પ્રજાના માન્યામાં પણ કદાચ નહીં આવે કે આપણી પૃથ્વી પર આવી અસાધારણ આત્મબળથી ઓપતી એક મહાન વિભૂતિ થઈ ગઈ. એ પ્રજા જ્યારે જાણશે કે એ સૂકલકડી મહાન વિભૂતિએ પોતાના અસાધારણ આત્મબળથી, અભૂતપુર્વ આત્મવિશ્વાસથી અને ઈશ્વરની અંદરની પ્રબળ શ્રદ્ધાભક્તિથી પ્રેરિત થઈને, સત્ય, અહિંસા, અસહકાર અથવા તો સત્યાગ્રહ જેવાં સાધનોથી ભારતની સ્વતંત્રતાને માટે એક અદ્યતન શસ્ત્રોથી સજ્જ શક્તિશાળી સરકાર સામે મોરચો માંડ્યો. પ્રજાની અંદર પ્રાણ પૂરીને કે જાદુ ભરીને એને બેઠી કરી અને કોઈ પણ પ્રકારના હિંસક પ્રતિકાર વિના એ સ્વતંત્રતાને સિદ્ધ કરી, ત્યારે એ પ્રજાને માટે એ હકીકત ભારે આશ્ચર્યકારક તેમજ ચમત્કારરૂપ સાબિત થશે. પ્રજાની કલ્પનામાં એ વાત સહેલાઈથી નહીં ઊતરે. છતાં પણ આપણા જમાનાની એ એક વાસ્તવિકતા બની ગઈ છે. જો કહેવું હોય તો વિના સંકોચ અથવા તો નિઃશંક રીતે કહી શકાય કે આપણા જમાનાનો અને બીજા જ જમાનાઓનો, આ એક મહાનમાં મહાન ચમત્કાર છે. એ મહાન વિભૂતિએ પોતાના જીવન દરમિયાન જે કર્યું છે તે ખરેખર અજોડ અને ચમત્કારરૂપ છે.

ગાંધીજીનો જન્મ જ એ માટે હતો - ભારતની સ્વતંત્રતાને શાંતિમય સાધનોથી સિદ્ધ કરવા, તથા દુઃખી, પીડિત, બદ્ધ કે તિરસ્કૃતના સુહૃદ બનીને તેમના તરફથી અસરકારક અવાજ ઉઠાવવા. એ કામ પોતાના સમસ્ત જીવન દ્વારા એમણે અત્યંત સંગીન રીતે સફળતાપૂર્વક પાર પાડ્યું. આ પૃથ્વી પર એ પ્રેરણા રૂપે પથપ્રદર્શનનો અવનવો પ્રકાશ લઈને આવ્યા હતા. એ પ્રકાશને એમણે સમસ્ત સંસારમાં વહેતો કર્યો ને બધે પ્રાણસંચાર કર્યો. એમનું મુખ્ય કર્તવ્યક્ષેત્ર ભારત હતું, છતાં પણ એ ભારતના નહીં પરંતુ આખી પૃથ્વીના હતા. આખી પૃથ્વીને માટે એમના હૃદયમાં સ્થાન હતું. वसुधैव कुटुंबकम्ની વૈદિક ભાવનાને જીવનમાં સાર્થ કરીને સમસ્ત સૃષ્ટિની સાથે એ આત્મીયતાનો અનુભવ કરતા હતા. ભારતનું પરિમાણ કરવા માટે પ્રકટ થયેલા એ એક અલૌકિક જ્યોતિર્ધર હતા એ સાચું, પરંતુ એમનો પાવન પ્રકાશ સૌને માટે હતો. સમસ્ત માનવજાતિને માટે કામનો હતો. ભારતની ભૂમિ પર એમનું પ્રાકટ્ય થયું એ ભારતનું સદ્ ભાગ્ય જ કહી શકાય. ભારત એથી મહામહિમાવાન બન્યું એટલું જ.

એ મહાન વિભૂતિના વ્યક્તિત્વમાં કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ હતી. એમની પહેલાં અને એમના જમાનામાં દેશમાં સંતપુરૂષો, યોગીઓ, કે જ્ઞાનીઓ ન હતા એમ નહિ. ઘણાય શક્તિશાળી મહાપુરૂષો હતા. તે પ્રજાની ઉન્નતિ માટે ધર્મોપદેશ કરતા હતા. પરંતુ વ્યાપક રીતે વિચાર કરીને તેમણે દેશની નાડીપરીક્ષા નહોતી કરી. દેશના દુઃખ, દર્દ કે પતનનું મૂળ કારણ શું છે અને એની જડીબુટ્ટી શી હોઈ શકે તે સંબંધી એમણે ઊંડો વિચાર નહોતો કર્યો. એક ગાંધીજીએ જ એના રહસ્યને શોધી કાઢ્યું ને નક્કી કર્યું કે દેશનાં દુઃખદર્દનું કારણ એનું રાજકિય અધઃપતન છે. જો એ રાજકિય રીતે સ્વતંત્ર બને તો એની પ્રજા પોતાની પ્રગતિ માટે પાર વિનાની સ્વૈચ્છિક તકો મેળવી શકે. અને એ પ્રજાને બેઠી થતાં કે બળવાન બનતાં વાર ના લાગે. એ આર્ષદર્શન કરનાર સૌથી પહેલા ગાંધીજી એકલા જ હતા. એમની વિશેષતા એ પણ હતી કે દર્શન કરીને એ બેસી જ ન રહ્યા, પરંતુ એને માટેનો કાર્યક્રમ બનાવ્યો, અને એ કાર્યક્રમની સફળતા માટે પોતાની જાતને હોડમાં મૂકી દીધી.

ધર્મ અથવા તો આધ્યાત્મિકતાને ગાંધીજી વ્યવહારિક જીવનથી જુદી વસ્તુ નહોતા માનતા, પરંતુ વ્યવહારિક જીવનનું અભિન્ન-અવિભાજ્ય અંગ સમજતા હતા. એ પણ એમની વિશેષતા હતી. એ કહેતા કે ધર્મ કોઈ અલગ વસ્તુ નથી, પરંતુ જીવનની અગત્યની આવશ્યકતા છે. માટે જીવનમાં તે તાણા ને વાણાની પેઠે વણાઈ જવો જોઈએ, એટલે કે જીવન ધર્મમય બની જવું જોઈએ. સેવાભાવથી ભરપૂર બનીને નીતિની મર્યાદામાં રહીને ચાલવું જોઈએ. એ સમાજની સેવા માટે હોય એ સાચું, પરંતુ એના લક્ષ્યસ્થાને તો ઈશ્વર જ હોય. ધર્મના એ આદર્શ દ્રષ્ટિકોણમાંથી જ ગાંધીજી જીવનને પ્રેમ કરતા, બહારની અને અંતરની બંને પ્રકારની શુદ્ધિનો આગ્રહ રાખતા, અને ઉત્તમ સાધ્યને માટે સાધન પણ ઉત્તમ જ હોવાં જોઈએ એ જાતનો સંદેશ આપતા શીખ્યા. સત્ય ને અહિંસાને એમણે ધર્મનાં મૂળ તત્વો માન્યાં, ને બીજાં ધર્મલક્ષણો એમાંથી આપોઆપ આવિર્ભાવ પામ્યાં.
એમની એક બીજી વિશિષ્ટતા અપરાધનો સામનો કરવાની પરંતુ અપરાધી પ્રત્યે પ્રેમ રાખવાની હતી. એ મહાન ગુણને લીધે જ એ બ્રિટિશ સલ્તનતનો સામનો કરતા રહ્યા છતાં પણ બ્રિટિશ પ્રજા પ્રત્યે પ્રેમ રાખી રહ્યા. પોતાની નાનીસરખી ક્ષતિને પણ હિમાલય જેવડી મોટી ભૂલ તરીકે ઓળખાવનાર એ મહાપુરૂષની પદ્ધતિ તો ભુલાય જ કેવી રીતે ? પોતાની ક્ષતિઓને નિઃસંકોચ પ્રકટ કરવાની એવી શક્તિ કોઈકની અંદર જ હોઈ શકે.

ગાંધીજીએ નૈતિક મૂલ્યોની પ્રસ્થાપના કરી અને માનવતાની માવજત પ્રત્યે સૌનું ધ્યાન દોર્યું. એમની નાનીમોટી બધી જ પ્રવૃત્તિઓનું મધ્યબિંદુ માનવ અથવા માનવતાની માવજત હતું. એને માટે જ એ જીવ્યા, ઝઝૂમ્યા અને મર્યા પણ એને જ માટે. એમની સાથે જે રહ્યા, ફર્યા અને એમને જેમણે સાંભળ્યા, તે પોતાને ભાગ્યશાળી માને એ સ્વાભાવિક છે. એમનું વ્યક્તિત્વ એવું વિરાટ અને આશીર્વાદરૂપ હતું.

ભારત અને સંસારને આજે એમના સંદેશની જેટલી જરૂર છે એટલી ક્યારેય ન હતી. એ મહાવિભૂતિના આટઆટલા પ્રખર પુરૂષાર્થ પછી પણ, ભારત એમનાં સ્વપ્નનું ભારત બન્યું છે એમ નહિ કહી શકાય. એમની ઈચ્છા પ્રમાણેનો પુણ્યપ્રવાસ હજુ અધૂરો છે. એ કામ કેવળ જયંતીઓ ઊજવવાથી ને સ્મૃતિચિહ્ નો બનાવવાથી નહીં થાય. એ માટે તો તન તોડીને ને મન મૂકીને મહેનત કરવી પડશે. આત્મનિરીક્ષણ કરીને પોતાની નબળાઈઓમાંથી મુક્તિ મેળવવી પડશે. સ્વાર્થ, સ્પર્ધા ને સત્તાની તથા સંપત્તિસંચયની લાલસા દૂર કરીને સેવાભાવની દીક્ષા લેવી પડશે. અનાસક્તિના એમના જીવનમંત્રને જીવનમાં સાકાર કરવો પડશે. ત્યારે જ વ્યક્તિ તથા સમષ્ટિની કાયાપલટ થઈ શકશે અને એમનો આત્મા પણ જ્યાં હશે ત્યાં રહીને સંતોષ મેળવશે.

એને માટે સૌના સંયુક્ત પુરૂષાર્થની આવશ્યકતા છે અને ગાંધીજી જેવી અલૌકિક વિભૂતિની જયંતીના અવસર પર ઈશ્વરને પ્રાર્થના કરીશું કે એ માટેની પ્રેરણા ને શક્તિ એ સૌને પૂરી પાડે !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Awake. Be the witness of your thoughts. You are what observes, not what you observe.
- Lord Buddha

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok