Friday, September 18, 2020

આપણો ઈતિહાસ

નાનપણમાં અભ્યાસકાળ દરમિયાન શિક્ષક અમને હિન્દુસ્તાનનો ઈતિહાસ શીખવતા ત્યારે ઈતિહાસનો શરૂઆતનો પાઠ આપતા કહેતા કે આર્યો હિન્દુસ્તાનમાં જન્મ્યા ન હતા પરંતુ હિન્દુસ્તાનની બહારથી આવ્યા હતા. હિન્દુસ્તાનમાં તો અનાર્ય, દ્રાવિડ, અથવા તો તદ્દન જંગલી પ્રજા વસતી હતી. તે પ્રજા પાસે કોઈ આગળ પડતું વિશેષ જીવનદર્શન ન હતું, જ્ઞાન ન હતું, શાસ્ત્રો ન હતાં, રાજ્યબંધારણ ન હતું. અને સુવ્યવસ્થિત સમાજરચના પણ ન હતી. આર્યો હિન્દુસ્તાનની બહારથી હિન્દુસ્તાનમાં રહેવા આવ્યા ત્યારે પોતાની સાથે સુંદર સંસ્કૃતિ લાવ્યા, શસ્ત્રો લાવ્યા, વ્યવસ્થા લાવ્યા ને બંધારણ પણ લેતા આવ્યા. એમના સંપર્કથી આ દેશની મૂળ જંગલી ને પછાત પ્રજા ધીરેધીરે વખતના વીતવા સાથે સુધરતી ગઈ. એટલે સંક્ષેપમાં, તમારા અથવા તો આપણા પૂર્વજો આ દેશના ન હતા.

હિન્દુસ્તાનની શિક્ષણસંસ્થાઓમાં પરંપરાથી એવું શિક્ષણ મળ્યા કરતું, અને આજે પણ મળ્યા કરે છે. ઈતિહાસનો એક જ જાતનો જપ આખાયે દેશમાં, ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમ બધે જ ચાલ્યા કરતો. રોજ ઊઠીને એ જ પાઠ અને એ જ જાપ. એવા પાઠને પરિણામે પ્રજાની અંદર કેવા ભાવો પેદા થાય અને કેવી અસરો ઉત્પન્ન થાય તે સહેજે સમજી શકાય એવું છે.

કોઈ દેશની પ્રજાને તમારે કાયમને માટે પદદલિત રાખવી હોય, ગુલામ બનાવવી હોય, અને દીન, હીન તથા કંગાળ કરવી હોય, તો સારામાં સારો અથવા અસરકારક રસ્તો કયો છે તે જાણો છો ? એ પ્રજાના પરંપરાગત, ભૂતકાલીન સાંસ્કૃતિક ગૌરવને નષ્ટ કરી દેવું, અને એ પ્રજાના સભ્યોને કહ્યા કરવું કે તમે તો દીન છો, હીન છો, જંગલી, અસભ્ય કે પછાત છો; તમારી પાસે કોઈ ઈતિહાસ નથી, ગૌરવ લેવા જેવાં કોઈ જ્ઞાનવિજ્ઞાનનાં સુંદર શાસ્ત્રો નથી; કોઈ પ્રતાપી પૂર્વજો કે મહાપુરૂષો નથી; તમારા કરતાં તો અમે તમને સુધારવા આવ્યા છીએ, અને તમારે અમારી પાસેથી જીવનનાં સર્વ ક્ષેત્રોમાં ઘણું જ શીખવાનું છે. જે પ્રજાને રોજ રોજ એવા પાઠ શીખવવામાં આવે, અને જે પ્રજા એવા પાઠોનું નિરંતર પોપટપારાયણ કરે, તે પ્રજાનું રહ્યુંસહ્યું ગૌરવ અને આત્મબળ પણ ક્રમેક્રમે નાશ પામે. વળી તે પ્રજાને નિરંતર કહેવામાં આવે કે તમારા પૂર્વજો આ દેશના ન હતા પરંતુ બહારથી આવ્યા હતા, તો તે પ્રજામાં એકતા તથા રાષ્ટ્રીયતાનો ભાવ કેવી રીતે પેદા થઈ શકે ? તે પ્રજા રાષ્ટ્રીય અસ્મિતા અને રાષ્ટ્રીય ગૌરવથી સંપન્ન પણ કેવી રીતે બની શકે ? એના પર રાષ્ટ્રહિતની દ્રષ્ટિએ અત્યંત વિઘાતક અસર થતી જાય.

હિન્દુસ્તાનની પ્રજાને પરાધીન રાખવાની પરદેશી સત્તાની નેમ હતી, એટલે એના ઈતિહાસનો પ્રથમ પાઠ પણ એવો ભ્રામક અથવા કઢંગો લખવો પડ્યો. હિન્દુસ્તાનના ઈતિહાસના પાઠને એ સંદર્ભમાં જોવાની જરૂર છે. આશ્ચર્ય અને કરુણતાની કથની તો એ છે કે પરદેશી ઈતિહાસકારોએ જ નહિ પરંતુ હિન્દુસ્તાનના ઈતિહાસકારોએ પણ એમાં સૂર પુરાવવા માંડ્યો એથી વિશેષ દુઃખદ વાત બીજી કઈ હોઈ શકે ? જે પ્રજા પોતાના સાંસ્કૃતિ ગૌરવને અને પોતાના ભૂતકાલીન ઉજ્જવળ ઈતિહાસને જ ભૂલી જાય તે પ્રજા એક આદર્શ પ્રજા તરીકે જગતમાં જીવી નથી શકતી. એ પ્રજા સ્વમાન ખોઈ બેસે છે, પોતાનું બધું ખોટું ને બીજાનું સાચું તથા સારું સમજવા માંડે છે, અને કાયમને માટે પતિત તેમજ હડધૂતની પેઠે શ્વાસ લે છે.

ત્યારે શું આર્યો આ જ દેશના એટલે કે હિન્દુસ્તાનના નિવાસી હતા ? એ હિન્દુસ્તાનની બહારથી આવ્યા’તા એ વાત શું ખોટી છે ? હા. સંપૂર્ણ ખોટી છે. આર્યો હિન્દુસ્તાનના નિવાસી હતા એટલું જ નહિ પરંતુ હિન્દુસ્તાનમાં જ જન્મ્યા હતા. આ જ એમનો દેશ હતો, આ જ એમની જન્મભૂમિ હતી, અને બીજા કોઈ બહારના સ્થળથી એ અહીં નહોતા આવ્યા. હિન્દુસ્તાનના મહાન સ્મૃતિકાર મનુએ એ વાતનો ઉલ્લેખ કરેલો છે. એ કહે છે કે આ દેશની પ્રજા સૌથી પહેલાં જન્મેલી છે, અને સુધારણા તથા સંસ્કારની દુનિયામાં પણ સૌથી આગળ છે. આ પ્રજાની પાસેથી પૃથ્વીની બીજી પ્રજાઓએ ઉત્તમ જીવનના આદર્શ ઉપદેશમંત્રોનું શિક્ષણ લેવું. મનુ મહારાજના મૂળ શબ્દો આ રહ્યા :
'એતદ્દેશપ્રસૂતસ્ય સકાશાદગ્રજન્મનઃ સ્વં સ્વં ચરિત્રશિક્ષેરન્ પૃથ્વિવ્યાં સર્વમાનવાઃ.’

એમાં મનુ મહારાજે 'એતદ્દેશપ્રસૂતસ્ય’ એવો શબ્દપ્રયોગ કરેલો છે. 'આ દેશમાં જન્મેલી’ એમ કહીને એમણે સંસ્કૃતિના સ્વર્ણશિખર પર પહોંચેલી આર્ય પ્રજાનો પરિચય આપ્યો છે, અને એ પ્રજાએ પૃથ્વીની બીજી પ્રજાઓને આદર્શ જીવનના રહસ્યમંત્રો શીખવવા એવી સૂચના કરી છે. આર્યો કોઈ પણ બહારના પ્રદેશમાંથી નહોતા આવ્યા પરંતુ દેશમાં જ જન્મ્યા હતા એવો એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે એ સંબંધી કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન જ નથી રહેતું. ઊલટું, એ હકીકત સ્પષ્ટ બને છે કે સંસ્કૃતિમાં અગ્રગણ્ય ગણાતા આર્યો હિન્દુસ્તાનની બહાર જઈને જુદા જુદા દેશોમાં ધર્મ તથા સંસ્કૃતિનો પ્રચાર કરતા હતા. દુનિયાના જુદા જુદા દેશોમાં પ્રાચીન હિંદુ સંસ્કૃતિના જે જુદા જુદા અવશેષો મળે છે એના પરથી એ હકીકતને સમર્થન મળે છે.

આ વિષયનો વિચાર એક બીજી રીતે પણ કરી શકાય. કોઈ પ્રજા પોતાના મૂળ ઉદ્ ભવસ્થાનને મૂકીને જ્યારે બીજા દેશમાં જાય છે ત્યારે પોતાની સાથે પોતાનું રાજ્યબંધારણ, પોતાના સામાજિક રીતરિવાજો, પોતાની સમાજરચના, જીવનપદ્ધતિ, ખાસિયતો કે પોતાનાં સાંસ્કૃતિક રહસ્યો તથા મૂલ્યોને પણ લેતી જાય છે. એનો ત્યાગ એ નથી કરતી. બીજા પ્રદેશના સાંસ્કૃતિક પ્રવાહની અસર નીચે એ ધીરે ધીરે આવતી જાય તો પણ એ રહસ્યો તથા મૂલ્યોનાં અંકુરો તો એની પાસે રહી જ જાય છે, અને એ અંકુરો એની જીવનપદ્ધતિમાં તથા એના સાહિત્યમાં પ્રકટ થાય છે. પોતાની જન્મભૂમિ પ્રત્યેના પ્રેમને, એની વિશેષતાને, તથા રાષ્ટ્રીય ગૌરવને એ સંપૂર્ણપણે નથી ભૂલતી. એ વસ્તુ એના અંતરઆત્મામાં ઓતપ્રોત થઈને  કે એના પ્રાણ સાથે વણાઈ જઈને એના સ્વભાવનું અમૂલખ અંગ બની ગઈ હોય છે.

એ દ્રષ્ટિએ જોતાં, આર્યો જો હિન્દુસ્તાનની બહારથી આવ્યા હોત તો તેમની સાથે તેમના શસ્ત્રોને લેતા આવત, તેમની વિશિષ્ટ જીવનપદ્ધતિઓને લાવત, અને એમના સાહિત્યમાં એમના મૂળ દેશનું, એ દેશની પ્રજા, ઋતુ, તથા નદીઓનું ક્યારેક પણ વર્ણન કરત. પરંતુ વેદમાં શું જોવા મળે છે ને શેનું વર્ણન છે ? ગંગા, યમુના, સિંધુ ને સરસ્વતી જેવી નદીઓનું, સમુદ્રનું, ઉષા અને સંધ્યાનું, શરદ, વસંત ને વર્ષા જેવી ઋતુઓનું, સુંદર ફળોનું, હિમાલયનું, યજ્ઞોનું, ગણરાજ્યોનું, બ્રાહ્મણ જેવા વર્ણોનું અને બ્રહ્મચર્ય જેવા આશ્રમોનું, તપસ્વીઓનું તથા તેમના વિશાળ સ્થાનોનું, વેદ અને પછીના વિભિન્ન સાહિત્ય વૈભવવાળી પ્રજા એના સાહિત્યમાં હિન્દુસ્તાનને જ પોતાનો દેશ કહે છે. એમાં વર્ણવાયલી જીવનવ્યવસ્થા, વર્ણાશ્રમવ્યવસ્થા અને બીજી નાનીમોટી વિગતો દુનિયાના બીજા કયા દેશમાં જોવા મળે છે ? વેદકાળમાં એ વિગતો, વિષયો ને વસ્તુઓનું દર્શન બીજે ક્યાં થતું હતું ?

જો આર્યો કોઈ બીજા દેશના વતની હોત, તો એ દેશનું ગૌરવગીત ગાવાનો પ્રયત્ન એમણે પોતાના સાહિત્યમાં સ્વાભાવિક રીતે જ કર્યો હોત. પોતાની નદીઓ, ઋતુ કે પર્વતોની સ્મૃતિ કરીને એમણે એમને અક્ષરદેહમાં અંજલિ આપી હોત. પરંતુ એમના સાહિત્યમાં તો હિન્દુસ્તાન જ ધબકે છે. એ હિન્દુસ્તાનના જ નિવાસી હતા એટલે હિન્દુસ્તાનનું જયગાન જ એમને માટે સહજ હતું.

ગુલામ દેશને બધા પ્રકારની છૂટ ના હોય એ સમજી શકાય એવું છે. એનો ઈતિહાસ પણ બીજાની મારફત જ લખાતો જાય એટલે એની દ્રષ્ટિ તથા રચના પણ જુદી જ હોય. પણ હવે તો દેશ આઝાદ થયો છે. એટલે પોતાની પ્રજાના મનમાં સંભ્રમ પેદા કરનારી તથા લઘુતાગ્રંથિ ભરનારી એવી અવળવાણી દૂર કરવી જ રહી. ઈતિહાસના આરંભમાં જ આપવામાં આવતી એ ઊંધી માહિતી દેશને માટે નામોશીરૂપ છે. હવે દેશનો નવો ઈતિહાસ લખાય છે ત્યારે, દેશની સરકાર ને દેશના ઈતિહાસકાર એ હકીકતને સુધારીને દેશ પ્રત્યેનું પોતાનું કર્તવ્ય બજાવશે ?

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

When I admire the wonders of a sunset or the beauty of the moon, my soul expands in the worship of the creator.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok