Friday, September 18, 2020

મહર્ષિ વ્યાસ

પરાશર ઋષિ મત્સ્યગંધાને જોઈને મોહિત થયા. મત્સ્યગંધાને એમણે પોતાની સાથે રહેવાનું કહ્યું ત્યારે મત્સ્યગંધાએ કહ્યું કે ઋષિ, હું તમારી સાથે રહીને તમને આનંદ આપવા તૈયાર છું પરંતુ મારા શરીરમાંથી જે ભયંકર દુર્ગંધ નીકળે છે તે તમને ગમશે ? મારા સમસ્ત શરીરમાંથી માથું ફાડી નાખનારી માછલીને મળતી દુર્ગંધ છૂટે છે !

વાત સાચી હતી, પરંતુ પરાશર ઋષિ સમર્થ હતા, એટલે એમણે કહ્યું કે મારા યોગસામર્થ્યના પ્રભાવથી આ દુર્ગંધ હું હમણાં જ દૂર કરું છું.

ઋષિએ કમંડળમાંથી પાણી લઈને મંત્રોચ્ચાર સહિત મત્સ્યગંધાના શરીર પર છાંટ્યું અને ત્યાં તો અસાધારણ ચમત્કાર થયો. મત્સ્યગંધાની કાયાપલટ થઈ ગઈ. એનો નવો અવતાર થયો. શરીરમાંથી, અંગપ્રત્યાંગમાંથી, માછલીની દુર્ગંધને બદલે પુષ્પોની સુવાસ છૂટવા લાગી. મત્સ્યગંધા આ અદ્રષ્ટપૂર્વ ઘટનાને નજરે નિહાળીને આશ્ચર્યચકિત થઈ આનંદ પામી.

પછી તો પરાશર મુનિની સાથે રહી, અને એને પરિણામે એને એક પુત્ર થયો એનું નામ વ્યાસ.

વ્યાસની ઉત્પત્તિ પછી પરાશર પાછા તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા. મત્સ્યગંધા અથવા સત્યવતી પોતાના પિતાને ત્યાં પાછી વળી.

વ્યાસના પ્રાકટ્યની પાછળ આવો અસાધારણ ઈતિહાસ રહેલો છે. એટલા માટે જ ભક્તકવિ પ્રીતમદાસે 'જુઓ વ્યાસ વણપરણીના’ કહીને એમનો ઉલ્લેખ કરેલો છે.

એ વ્યાસ પોતાની અપ્રતિમ બૌદ્ધિક પ્રતિભા કે મેધાથી ભારતના ઈતિહાસમાં આજે પણ અમર છે. એમનું સ્થાન અનેરું ને અજોડ છે. એમણે જે લોકોત્તર ચિરંજીવ સાહિત્યનું દાન કર્યું છે, તે લાખો લોકોને પ્રેરણા આપતું આજે પણ પ્રકાશી રહ્યું છે. એવો એક પણ મહત્વનો વિષય નથી કે જેને વિશે એમણે કાંઈ લખ્યું ના હોય. એટલા માટે તો કહેવાય છે કે व्यासोच्छिंष्टं जगत्सर्वम् ! એટલે કે વ્યાસે પોતાની અલૌકિક લેખનશક્તિથી જગતને ઉચ્છિષ્ટ કરી દીધું છે. જે કહેવા યોગ્ય હતું તે બધું એમણે કહી દીધું છે. એમના વિપુલ સાહિત્યભંડારનું વિહંગાવલોકન કરતાં લાગે છે કે એ પ્રશસ્તિ કાંઈ એમનેમ નથી કરાઈ. એ સહેતુક અને સાર્થ છે.

ભાગવત, મહાભારત, ને બીજા પુરાણ તથા ગીતા ને બ્રહ્મસૂત્ર જેવા ગ્રંથરત્નો રચીને એમણે એકલા ભારતવર્ષની જ નહિ પરંતુ સંસારની મહાન સેવા કરી છે. એમના સાહિત્યનો ખજાનો દરેક યુગમાં અને દરેક દેશના પ્રજાજનોને કામ લાગે એવો છે. માટે તો વરસો વીતી ગયાં છતાં પણ એનું આકર્ષણ એવું ને એવું જ અનેરું રહ્યું છે. એમાં જે પ્રાણપ્રદાયક, રસભરપૂર સામગ્રી છે, તે માનવના આત્માને સ્પર્શે છે, ઢંઢોળે છે, જગાડે છે, ઉદાત્ત બનાવે છે, ને ઉત્તમતા તરફ પ્રેરે છે. માટે જ એ અવિનાશી છે. દેશ કે કાળની અસરો એને સ્પર્શી નથી શકતી, તેમજ એના સ્વત્વને ઓછુંયે નથી કરી શકતી.

વ્યાસ ભારતીય ધર્મ ને તત્વજ્ઞાનના એક મહાન સમન્વયકાર છે. એમના જમાનામાં જે જુદા જુદા વિદ્વાનો હતા તે વેદ અથવા તો ઉપનિષદને પ્રમાણભૂત માનતા, ને એમાંથી પ્રેરણા મેળવીને તેના શબ્દોના ભિન્નભિન્ન અર્થ કરતા રહેતા. વ્યાસે વિભિન્ન વિચારસરણીઓની વચ્ચે સામંજસ્ય સ્થાપવા માટેની શુભ હેતુથી પ્રેરાઈને જ બ્રહ્મસૂત્રની રચના કરી છે, એની પ્રતીતિ એ મહાન ગ્રંથશિરોમણીના ચારેય અધ્યાયનું અધ્યયન કર્યા પછી સહેજે થઈ રહે છે. વિદ્વાનોમાં એ ગ્રંથ અત્યંત આદરણીય મનાય છે. વ્યાસની એ સેવા કાંઈ ઓછી નથી.

પરંતુ એમની સર્વોત્તમ સેવા તો શ્રીમદ્ ભગવદ્ ગીતાની રચનામાં રહેલી છે. જે સિદ્ધાંતો એમને અતિશય પ્રેરણાસ્પદ ને પ્રિય લાગતા હતા, ને જે એમના જીવનનું ધ્રુવપદ બનીને બેસી ગયા હતા તે એમણે ગીતામાં અંકિત કર્યા છે. ગીતા એ રીતે કેવલ શ્રીકૃષ્ણ ભગવાનનું જ નહિ, પરંતુ મહર્ષિ વ્યાસનું પણ હૃદય છે. સંસારને એ એમનું સર્વશ્રેષ્ઠ અર્પણ.

અને એ કાંઈ એકલા સાહિત્યકાર કે તત્વદર્શિની જ થોડા હતા ? એ તત્વર્થી પણ હતા. તપશ્ચર્યા કરીને એમણે અલૌકિક શક્તિ મેળવી હતી. એટલે તો એ શક્તિના પ્રભાવથી એમણે હસ્તિનાપુરમાં બેઠેલા સંજયને દૈવી દ્રષ્ટિ આપી. દિવ્યદર્શન ને દિવ્યશ્રવણની શક્તિથી સંપન્ન થયેલા સંજયે મહાભારતના યુદ્ધનો પ્રારંભિક ઈતિહાસ ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ્યો તે એ શક્તિની પ્રસાદીને લીધે જ. એવી તો કેટલીય શક્તિઓ વ્યાસમાં હતી. એવી કોઈયે લોકોત્તર શક્તિનું દિગ્દર્શન ના કરાવ્યું હોત, અને સંસારને બીજો કોઈ પણ ગ્રંથ ના આપવાને બદલે એકલી ગીતાની જ ભેટ આપી હોત, તો પણ વ્યાસ પ્રાતઃસ્મરણીય અથવા અમર બની જાય. એ એક જ કૃતિ એમને યાવચ્ચંદ્રદિવાકરૌ અમર કરવા માટે પૂરતી છે.

એવા વ્યાસને ચોવીસ અવતારોમાંના એક કહ્યા છે તે બરાબર જ છે. અષાઢી પૂર્ણિમાયે એમની ઠેર ઠેર પૂજા થાય છે ને પ્રશસ્તિ કરાય છે. આપણે પણ એ મહાપુરૂષને મનોમન નમસ્કાર કરીશું, અને ઊંડા અનુરાગની અંજલિ આપીશું. જીવનને સાત્વિક તથા શક્તિશાળી ને સેવાપરાયણ કરવાની એ સૌને પ્રેરણા આપે !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok