Friday, September 18, 2020

મહર્ષિ દયાનંદ સરસ્વતી

મોરબી પાસેનું નાનુંસરખું ટંકારા ગામ. દેશમાં એને કોણ જાણતું અને મહત્વનું માનતું ? આજે એ દેશના જ નહિ દેશની બહારના કેટલાય માનવોને માટે તીર્થસ્થાન મનાય છે. હજારો સ્ત્રીપુરૂષો એના સ્મરણમાત્રથી ગૌરવ અને પ્રેરણાની ઊંડી લાગણીનો અનુભવ કરે ને, અને એના દર્શનને જીવનનું પરમ સૌભાગ્ય ગણે છે. આ વરસે મહાશિવરાત્રીના પર્વદિવસે ત્યાં ઋષિમેળો થવાનો છે અને હજારો લોકો એકઠા થવાના છે. એનું કારણ શું ? સૌરાષ્ટ્રના એક દૂરના ખૂણામાં આવેલું આ ગામ છેલ્લા સૈકાના ઉત્તરાર્ધમાં આટલા બધા અપાર આદરભાવ અને આકર્ષણનું કેન્દ્ર કેવી રીતે બની શક્યું ? દેશ અને દુનિયાના કેટલાંક અમર તીર્થસ્થાનો અથવા પ્રેરણાધામોમાં એની ગણના કેવી રીતે થઈ ?

ટંકારાના એ નાનાસરખા ગામડાએ વિશાળ જનસમૂહનું ધ્યાન ખેંચ્યું છે એનું કારણ એ છે કે એ ગામમાં વરસો પહેલાં એક મહાપ્રતાપી મહાપુરૂષનો જન્મ થયો છે : મહર્ષિ દયાનંદ સરસ્વતીનો. આ દેશની ધરતી જ એવી છે કે એના પર જમાનાની જરૂરત પ્રમાણે સમય સમય પર, અલગઅલગ ગુણવત્તાવાળા મહાપુરૂષો પેદા થતા જ જાય છે. વચ્ચે થોડો વખત એમતેમ વીતે છે ને વળી કોઈ પ્રતાપી મહાપુરૂષનું, કોઈક શક્તિસંચારક જ્યોતિર્ધરનું પ્રાકટ્ય થાય છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી એક જ એવા જ વિરલ મહાન જ્યોતિર્ધર હતા. પોતાના જીવન દ્વારા અસંખ્ય સ્ત્રીપુરૂષો પર એ પોતાની અમીટ છાપ મૂકી ગયા છે તેની પ્રતીતિ આજે પણ સહેલાઈથી થઈ શકે છે.

ટંકારા ગામ એમને માટે ખરેખર ગૌરવ લઈ શકે તેમ છે. મહર્ષિ દયાનંદે એ નાનાસરખા ગામમાંથી બહાર નીકળીને આગળ પર જે લોકહિતનું કલ્યાણકાર્ય કરી બતાવ્યું તે આજે સુવિદિત છે. દેશ પ્રત્યેની અપાર અનુકંપાથી પ્રેરાઈને એમણે સમાજસુધારાનો જે કાર્યક્રમ વહેતો કર્યો એ એકદમ મૌલિક હતો. એના પરથી એમની દૂરદર્શિતાનો ખ્યાલ આવે છે. એ જ કાર્યક્રમને પાછળથી મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રહિત માટે વહેતો કર્યો. એમણે આર્ષદ્રષ્ટા બનીને વરસો પહેલાં જોઈ લીધું કે દેશને એક સર્વસામાન્ય ભાષાની આવશ્યકતા છે, અને એવી ભાષા બનવા માટે હિંદી વિશેષ યોગ્ય છે. એની સાથે સાથે સ્ત્રીજાતિની ઉન્નતિ કે કન્યાકેળવણી તરફ ધ્યાન આપવા એમણે ખાસ ભલામણ કરી અને કહ્યું કે સ્ત્રીઓને શિક્ષિત કરવાથી અને સુસંકૃત બનાવવાથી જ દેશની સાચી અને સંપૂર્ણ ઉન્નતિ થઈ શકશે. કન્યા ગુરુકુળોની સ્થાપના પર એમણે ખાસ ભાર મૂક્યો.

દેશી રાજ્યોની સુધારણા તરફ પણ એમનું ધ્યાન દોરાયું હતું; એને માટે એમણે બનતા બધા પ્રયત્નો પણ કર્યા, અને એમના જીવનનો અંત પણ એ દરમિયાન જ આવ્યો. એ મહાન રાષ્ટ્રપ્રેમી તથા રાષ્ટ્રવિધાયક હતા. એમના જીવનકાળ દરમિયાન હિંદુ ધર્મ અને હિંદુ જાતિના મસ્તક પર પરધર્મીઓના પ્રખર પ્રચારનો તથા અંદરઅંદરના વિખવાદનો જે મહાન ભય તોળાતો હતો તેને દૂર કરવા માટે એમણે પોતાની રીતે પુરુષાર્થ કર્યો. સ્વામી વિવેકાનંદ અને દયાનંદ બંને સમકાલીન તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમભાવથી ભરપૂર હતા. એ ઉત્કટ પ્રેમભાવથી પ્રેરાઈને સ્વામી વિવેકાનંદે ભારતને માટે ભારતની બહાર જેવું મહામૂલ્યવાન, ઉપયોગી, સંગીન કામ કર્યું તેવું જ ભારતીય સંસ્કૃતિ માટેનું મહામૂલ્યવાન, ઉપયોગી અને સંગીન કામ મહર્ષિ દયાનંદે ભારતમાં રહીને કર્યું. બંનેની વિચારપદ્ધતિ અને કાર્યપ્રણાલિમાં થોડોઘણો ભેદ હોવા છતાં બંને ભારતના મહાન અને સાચા સપૂત હતા એમાં સંદેહ નહિ. એ દ્રષ્ટિએ જોતાં વિવેકાનંદ તથા દયાનંદ બંને ભારતીય સંસ્કૃતિના અનુક્રમે પરદેશપ્રધાન અને ગૃહપ્રધાન હતા. બંનેએ દેશનું પરમ કલ્યાણ કર્યું છે, અને બંનેને માટે દેશ ગૌરવ લઈ શકે છે. દયાનંદે અસ્પૃશ્યતાનિવારણનું સમર્થન કરીને કહ્યું કે અસ્પૃશ્યતા વેદવિરોધી તેમજ હિંદુ જાતિના કલંકરૂપ છે, માટે એને કોઈયે સંજોગોમાં આશ્રય ના આપી શકાય. એને દૂર કરવી જોઈએ.

એવા પ્રતાપી, રાષ્ટ્રપ્રેમી મહાપુરૂષના જન્મસ્થાનમાં સૌ ભેગા મળે, એમના જીવનસંદેશ પર વિચારણા કરે, અને એ દ્વારા પ્રેરણા તેમજ પ્રકાશ મેળવે, એ સર્વથા યોગ્ય જ છે. એમણે જે રાષ્ટ્રોપયોગી રચનાત્મક કામનો સંદેશ અથવા કાર્યક્રમ પૂરો પાડ્યો છે એ કાર્યક્રમનો અમલ કરવા તરફ સૌનું ધ્યાન રહેવું જોઈએ. એ જ એમનું મોટામાં મોટું સન્માન અને સૌથી મોટી અંજલિ થઈ રહેશે. દેશની જે દીનતા, દરિદ્રતા અને અજ્ઞતાએ એમને સંવેદનશીલ બનાવ્યા અને કર્તવ્ય ક્ષેત્રમાં પ્રેરિત કર્યા તે દીનતા, દરિદ્રતા અને અજ્ઞતાનો અંત હજુ આવ્યો છે એવું નહિ કહી શકાય. તેને માટે મહર્ષિ દયાનંદ પ્રત્યે પ્રેમ અને આદર રાખનાર પ્રત્યેકે રચનાત્મક કામમાં લાગી જવાની આવશ્યકતા છે. સમાજના ઉત્કર્ષને માટે પોતપોતાના ક્ષેત્રમાં રહીને પોતપોતાની શક્તિ પ્રમાણે સૌએ સંયુક્ત રીતે કામ કરવાની આવશ્યકતા છે. દેશને મોટામાં મોટી જરૂર સંપની, પારસ્પરિક સહકારની અને સેવાભાવની છે. એમનો આશ્રય લઈશું તો દેશની અંદરના અને બહારના ભયસ્થાનો અને અનિષ્ટો સામે સફળતાપૂર્વક ઝઝૂમી શકીશું, સમૃદ્ધ, શક્તિશાળી અને સુખી થઈ શકીશું, તથા મહર્ષિ દયાનંદ જેવા પ્રતાપી મહાપુરૂષના આત્માને પણ સંતોષ આપી શકીશું.

જે જમાનામાં મહર્ષિ દયાનંદનો જન્મ થયો એ જમાનો જુદો હતો. એ વખતના સંજોગો જુદા હતા. આજે સંજોગો જુદા છે. જમાનો બદલાયો છે અને ઝડપથી બદલાતો જાય છે. આજે એ મહાપુરૂષ હોત તો શું કરત એ પ્રશ્ન ખરેખર વિચારણીય છે. દરેક મહાપુરૂષની વિચારશક્તિ અને કાર્યપદ્ધતિ પર એના વખતની બહુવિધ પરિસ્થિતિની અસર પડતી હોય છે. દયાનંદના જીવનકાળ દરમિયાન ભારત પરાધીન દેશ હતો. આજે એ પરાધીનતાનો અંત આવ્યો છે, અને ભારતવર્ષના આધ્યાત્મિક આકાશમાં સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, યોગાનંદ, રમણ મહર્ષિ, અરવિંદ અને મહાત્મા ગાંધી જેવા જાજ્વલ્યમાન નક્ષત્રોએ પોતાનો ચિરંજીવ પ્રેરણાત્મક પ્રકાશ વહેતો કર્યો છે. એ સંજોગોમાં દયાનંદનું પુનરાગમન અવશ્ય આશીર્વાદરૂપ થઈ પડત.

સ્વામી વિવેકાનંદના ઉદ્ ગારો સાથે એ જરૂર સંમત થાત કે હું જૂનાનો ઉચ્છેદ કરવા માટે નથી આવ્યો, પરંતુ એના સુધાર માટે આવ્યો છું, વિસંવાદ નહિ કિંતુ સંવાદ, અને નાશ નહિ કિન્તુ નવનિર્માણ જ આવકારદાયક અને આવશ્યક છે. બદલાયલા સંજોગોમાં એ મૂર્તિ અથવા મૂર્તિપૂજાનો વિરોધ કરત કે કેમ એ એક પ્રશ્ન છે. મને લાગે છે કે એ એનો વિરોધ ના કરત, પરંતુ એની મર્યાદા અને બદીઓ પ્રત્યે ધ્યાન દોરત. હિંદુ ધર્મ અને દેશના પ્રેમનું એ એક આદર્શ પ્રતીક તો હોત જ. એમની દ્વારા દેશ અને દુનિયાનું ભારે કલ્યાણ થાત. એ પોતે અવતારવાદમાં નહોતા માનતા, છતાં પણ મારી સાથે જરૂર સંમત થાત કે દેશને સંજીવન આપવા આવેલા એ એક મહાન અવતારી પુરૂષ હતા. એમની પાસે શંકર જેવું સૂક્ષ્મ મસ્તિષ્ક હતું, બુદ્ધ જેવું કરુણાસભર દિલ હતું, અને લોકહિતાર્થે દધીચિ જેમ સર્વસમર્પણની ભાવનાથી ભરેલું જીવન હતું. એમનાથી એ લેશ પણ અલ્પ નહોતા. એ ગુજરાતી હતા માટે ગુજરાતી તરીકે હું એમની આવી પ્રશસ્તિ કરું છું એવું ના માનતા. એ પ્રશસ્તિ કરતાંયે વિશેષ પ્રશસ્તિને તેઓ લાયક હતા, અને હું તો એક ગુણદર્શી તટસ્થ વ્યક્તિ તરીકે એનો આછોપાતળો છતાં સાચો પડઘો જ પાડી રહ્યો છું.

એમના મહાન વ્યક્તિત્વને નજર સામે રાખીને, એમને અંજલિ આપવા માટે, અંદરઅંદરની ફાટફૂટનો ત્યાગ કરી, સૌએ હિંદુરૂપે એક થવાની જરૂર છે. અંદરઅંદરના મતભેદોએ અને એમાંથી ઉત્પન્ન થયેલા વૈમનસ્યે જેટલું નુકસાન કર્યું છે એટલું બીજા કોઈએ નથી કર્યું. ઉપરાંત, સેવાભાવને જગાવવાની અને વધારવાની પણ આવશ્યકતા છે.

कृष्णवंतो विश्वमार्यम् । કહીને વેદે સમસ્ત સૃષ્ટિને આર્યત્વથી ભરી દેવાનો અથવા સુસંસ્કૃત બનાવવાનો સંદેશ આપ્યો છે, પરંતુ એ સંદેશ સફળ ક્યારે થાય ? જ્યારે પ્રજા પોતે જ સાચા અર્થમાં આર્ય બને ત્યારે. ત્યારે જ એની છાપ બીજા પર પડી શકે. એને માટે અનાર્યત્વની બધી જ નાનીમોટી નિશાનીઓ પ્રજાએ પોતાના વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનમાંથી દૂર કરવી જોઈએ. એટલે કે પ્રજાએ પોતે આદર્શ બનવું જોઈએ. ત્યારે જ એની અંદર બળ આવી શકે અને એનું જીવન બીજાને માટે અનુકરણીય બની શકે. ભારત વર્ષની જનતા પોતાના જીવનવ્યવહારમાં આદર્શ છે ખરી ? નીતિ, સદાચાર અથવા માનવતાના મૂલ્યોને એ વળગી રહી છે ? એનો ઉત્તર દેશનું નિરીક્ષણ કરનાર સહેલાઈથી આપી શકે છે. એટલે પ્રજા પોતે સુસંસ્કૃત બનવાનો પ્રયાસ કરે એ અત્યંત આવશ્યક છે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Dr. Tulsidas Kanani 2012-03-03 13:29
good,good and good i.e.best site for ADHYATMA

Today's Quote

Life can only take place in the present moment. If we lose the present moment, we lose life.
- Buddha

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok