Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભુનાં વ્હાલાં બાલો, તમે તો, પ્રભુનાં વ્હાલાં બાલો.
મધુથી ભરેલાં મ્હાલો, તમે તો, પ્રભુનાં વ્હાલાં બાલો.

મીઠું મીઠું હસતાં કેવાં, કાલું બોલી આવો !
લેવા બેઠો થાઉં ત્યાં તો, ખોળે ચઢતાં ગાઓ. ...તમે તો.

કોણે પેલું હાસ્ય મીઠડું, હોઠોમાં છે ઢોળ્યું ?
દેવી કોણે તેજ તમારી, આંખલડીમાં ઘોળ્યું.
  જાણે પ્રભુપ્રેમતણો પ્યાલો. ...તમે તો.

ફોરમ ફૂટે હૈયામાંથી, માદક એથી થાઓ;
અમૃતસ્વર અંતરથી જાગે, ગીત હજારો ગાઓ. ...તમે તો.

મીઠું મીઠું મંદ હસો છો, હું યે સાથે હસતો,
ગુલાબ જેવાંના સ્મિતને હું, નથીજ ખાળી શકતો.
  આવે બીજા ના કૈં ખ્યાલો. ...તમે તો.

આંખમહીં તો પ્રભુજી રમતા, હૈયામાંથી બોલે;
સુવાસ પામી સરસ તમારી, પૃથ્વી હરખે ડોલે.
  ફૂલો તેમ સદાયે ફાલો. ...તમે તો.

 - શ્રી યોગેશ્વરજી