નાનાં નાનાં બાળ જાણે પ્રભુનાં પ્રેમલ પૂર.
હાથો નાના, નાના પગ છે,
નાનાં તેમ નુપુર ;
આંખ, કાન ને નાકે નાનાં,
નાનાં મુખનાં નૂર,... નાનાં નાનાં.
કાલાં કાલાં બાલ જાણે કોયલ જેવાં દૂર.
કાલી કેલિ, કાલી વાતો,
કાલા કાલા સૂર ;
કાલી પગલી, કાલી ચાલો,
કોમળતા ભરપૂર... કાલાં કાલાં.
વ્હાલાં વ્હાલાં બાલ જાણે સંગીત તણા સૂર.
આંખ વ્હાલી, દૈવી એમાં,
પ્રભુએ આંજ્યું નૂર ;
હૃદય વ્હાલાં, કર્યાં સ્નેહથી
પ્રભુએ છે ચકચૂર... વ્હાલાં વ્હાલાં.
- શ્રી યોગેશ્વરજી

