Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઘેલી ગોવાલણ આ, મીઠું ગાતીગાતી ચાલી રે,
સોનેરી છે મટકી માથે, મહીં વેચવા ચાલી રે.

સુરતાભેર સાડી સોહાયે, હાથે કંકણજોડી રે,
નેનમહીં છે નેહ ભરેલો, ચાલી નીંદર છોડી રે.

પગની પાની પ્રેમલ એની, કેશતણી લટ ઝૂલે રે;
મોઢે લાલી છેક ગુલાબી, કાય કાંતિથી ફૂલે રે.

અંતરમાંની સુરતા એની આખે અંગે વ્યાપે રે,
વ્યોમપરે વ્યાપીને હૈયાં માનવકેરાં માપે રે.

મહિયારી, આ મહી આજ તું પ્રેમલ કોને પાશે રે ?
કોને માટે સુખકારક ને શાંતિપ્રદાયક થાશે રે ?

ઘેલી ગોવાલણ આ મીઠું ગાતીગાતી ચાલી રે,
સૂરજની છે મટકી માથે, મહી વેચવા ચાલી રે.

 - શ્રી યોગેશ્વરજી