Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અનાથ કોઈ જગમાં ફરે છે,
રડે વળી તાપમહીં બળે છે;
વેરાનમાં એકલ કો રમે છે,
કો જંગમાં જીવનના ભમે છે.
સૌમાંય તારૂં મુખ દેખવાને,
પ્રભો, મને અંતરઆંખડી દે !

અંધાર છે સર્વસ્થળે છવાયા,
છે વેદનાથી નયનો ઘવાયાં;
પ્રકાશનાં ના કિરણો જણાયે,
મુશ્કેલ ને માર્ગ બધોય થાયે.
અંધારમાં તેજ નિહાળવાને.
પ્રભો, મને અંતરઆંખડી દે !

છે શોક, ચિંતા, ભય ને નિરાશા,
ને અંત છે રૂદનનો ખરે ના;
અશાંતિમાંહે અટવાય છે કૈં,
અનેકને ઓથ મળી રહી ના.
એ સર્વને ચેતન આપવાને,
પ્રભો, મને અંતરઆંખડી દે !

પ્રભો, અમારાં ઝરણાં વહે છે.
સૌ ભેટવાને તુજને ચહે છે;
કદી વહે સુંદર માર્ગથી, ને
કથા કદી કષ્ટતણી કહે છે.
વહી સદાયે સુખથી જવાને,
પ્રભો, મને અંતરઆંખડી દે !

 - શ્રી યોગેશ્વરજી