Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચાલોને ફૂલડાં લેવાને !
લેવાંને ને દેવાને,
ચાલો ચાલોને ફૂલડાં લેવાને !

વાડી સોહી રહી ફૂલે ભરેલી,
માળીએ મમતાથી એને કરેલી;
ચાલો સુવાસ એની લેવાને !
ચાલો ચાલોને ફૂલડાં લેવાને !

ચંપો ચમેલી મોગરાંની માળા,
ખીલ્યાં ગુલાબ વળી કેવાં છે ન્યારાં ?
ચૂંટી એ સર્વને લેવાને,
ચાલો ચાલોને ફૂલડાં લેવાને !

ફૂલડાંને ચૂંટીને માળા કરીશું,
મંદિરના દેવતાને સ્નેહે ધરીશું;
વાતો કૈં કાળજાની કે’વાને;
ચાલો ચાલોને ફૂલડાં લેવાને !

પંખીડાં ગાય છે મીઠાં સ્વરોમાં,
ભાવો જગાવે છે કેવા ઉરોમાં ?
એ સૌને ગીત નવાં દેવાને,
ચાલો ચાલોને ફૂલડાં લેવાને !

લેવાંને ને દેવાને,
ચાલો ચાલોને ફૂલડાં લેવાને !

 - શ્રી યોગેશ્વરજી