Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કષ્ટો પડે ભલેને, હિંમત ન હારવાના.

સામે મુસીબતોના પર્વત ઉભા રહ્યા હો,
સાગર અશાંતિકેરા ને ઘૂઘવી રહ્યા છો;
તોયે ડરી જઈને ના આંસુ સારવાના,
કષ્ટો પડે ભલેને, હિંમત ન હારવાના.

વૈશાખ જેઠની લૂ વરસી બધે રહી હો,
દેખાય છાંયડી ના ક્યાંયે જરાય ને છો;
તોયે ડગી જઈને જુસ્સો ન ટાળવાના,
કષ્ટો પડે ભલેને, હિંમત ન હારવાના.

આરામકાજ ક્યાંયે છાયા ભલે મળે ના,
સ્નેહી અને સંબંધી આશ્વાસનો ધરે ના,
તોયે અનાથશા ના શબ્દો ઉચારવાના,
કષ્ટો પડે ભલેને, હિંમત ન હારવાના.

સામે પરાજ્યોની આવે પરંપરા છો,
લોકો વિરોધ કરતા ને નીંદતા ભલે હો;
તોયે નિયમ અમારા સાચે જ પાળવાના,
કષ્ટો પડે ભલેને, હિંમત ન હારવાના.

 - શ્રી યોગેશ્વરજી