હું તો કાળોશો પેલો કનૈયો,
હું તો નંદ જશોદાનો છૈયો,
મને દેતી જા માખણ મીઠું, ગોવાલણી !
આવું રૂપ ના ક્યાંયે દીઠું, ગોવાલણી !
અડતો ના મુજને જરી, કાળા કપટી કૃષ્ણ !
હું ગોવાલણ ગામની, મારગ મારો મૂક !
મારું મોઘું માખણ કેમ આપું, કનૈયા ?
એ તો મથુરામાં વેચવાને રાખ્યું, કનૈયા ?
મથુરા મુજને માન તું, મારામાં બ્રહ્માંડ;
માખણ દે નહિ તો થશે જોવા જેવો કાંડ.
મેં તો માખણ કેટલીનાં લીધાં,
મેં તો ગોરસ કૈંકનાં પીધાં;
ફોડી દીધાં મેં મટકાં કૈં નાં ગોવાલણી !
બોલે તોયે હઠીલી થૈ કાં, ગોવાલણી ?
સરિતાને સુંદર તટે બંસી બજાવે જો,
માખણ સાથે હોંશમાં ગોપી આવે તો.
તું તો તારાં જ ગીત ગાનારો,
પ્રેમ બ્રહ્માંડને પાનારો;
આજે માખણકાજ કેમ આવ્યો, કનૈયા?
બની દીન શાને તું આવ્યો, કનૈયા ?
ઝૂંટાવીશ આ માટલી ગોવાલણ સાનંદ,
રડતી રડતી ઘર જશે, કરશે ને પાંખડ.
જો જે કૈં ના વધારે કે’તી,
તારી આંખે તો પ્રેમધાર વહેતી;
તારી ગોરસે છલકે છાતી, ગોવાલણી !
મારી બંસી જો હેતથી ગાતી,ગોવાલણી !
બંસી ના બજવીશ તું, ભાન જશે મારું,
આપું માખણ મીઠડું, ઉઘાડ મુખ તારું.
પેલો માખણ પ્યારો કનૈયો,
એ તો નંદજશોદાનો છૈયો,
એ તો ગાય છે જમનાતીરે, માનવ ઓ !
એના ઝીલે છે સૂર સૌ ધીરે, માનવ ઓ !
- શ્રી યોગેશ્વરજી

