Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માતા હે ગુજરાતની ! માતા હે ગુજરાતની !

કવિએ કહી તને ગુણવંતી, રૂપવંતીયે માતા તું;
તારો જોટો ખરે જગતમાં કોઈને મળનાર શું ?
ભારતભરમાં અજોડ એવી, સંસ્કારી તું છે બની,
માતા હે ગુજરાતની ! માતા હે ગુજરાતની !

દેશતણા દિલડાના જેવી, ભાવ લાગણીથી ભરપૂર;
બાળક તારાં દયાળુ, દાની સ્નેહ ભરેલાં સાચાં શૂર;
દેશપ્રેમની ઊર્મિ તારા અંતરમાં યે રહી ઘણી;
માતા હે ગુજરાતની ! માતા હે ગુજરાતની !

દયાનંદ ગાંધીની જનની, નરસૈંયાની છે માતા;
પ્રીતમ, પ્રેમાનંદ સમા કૈં તારે હૈયેથી ગાતાં;
સાહસવીર તથા સેવકને સદા રહી તું હજી જણી;
માતા હે ગુજરાતની ! માતા હે ગુજરાતની !

તારું ગૌરવ ગણી અમારું સેવીએ હરરોજ તને,
તારી ઉન્નતી માટે જીવન મથે અમારું, અર્ધ્ય બને.
તારા ભક્તિભાવે હૈયા અમે રહીએ રોજ વણી;
માતા હે ગુજરાતની ! માતા હે ગુજરાતની !

 - શ્રી યોગેશ્વરજી