સેવા કરીશું, અમે સેવા કરીશું,
મોટા થઈને અમે સેવા કરીશું.
સેવા લઈએ અમે આજે માબાપની,
બેન તેમ ભાઈની, શિક્ષકના હાથની;
બદલો એનો અમે સાચો ધરીશું. ...સેવા કરીશું, અમે.
ધરતીની સેવા ને સેવા આ સૂર્યની,
સેવા લઈએ અમે વરસાદી દૂતની;
ગુણ એ બધાંના યાદ રોજે કરીશું....સેવા કરીશું, અમે.
પાણીની સેવા ને સેવા પવનની,
સજ્જનની સેવા કો મોટા મનુજની;
ભાવ એ સહુને માટે હૈયે ભરીશું....સેવા કરીશું, અમે.
સેવા કરે છે નદીનાળાં તળાવ આ,
પંખી, ને ફૂલ કેવાં ઊગી સવારમાં !
સેવાનો મંત્ર લઈ સઘળે ફરીશું....સેવા કરીશું, અમે.
મૂંગાં પશુની કહો કેવી છે સેવા ?
ખેતરણાં ખેડે છે શાંત બની કેવાં ?
જીવતાં સેવીશું, સેવા કરતાં મરીશું,...સેવા કરીશું, અમે.
- શ્રી યોગેશ્વરજી

