દેશ ઉપર આફત આવે, દેશ ઉપર આફત આવે,
દુશ્મન કોઈ દેશતણા હો, વારંવાર સતાવે;
અણમોલ મળી આઝાદીનો, કાળ સમીપે લાવે;
બેસી કેમ રહેશો ત્યારે ? બેઠે કામ ન આવે.
સ્વતંત્રતાના રક્ષણ માટે, લલકારી મેદાને,
પડવું પડે વીર બની સાચા, બચાવવાને માને.
દૂધ દેશનાં મોંઘાં પીધાં,જીવન એણે ઉત્તમ દીધાં;
ગુલામ કરવા એને કોઈ, આક્રમણ કરી આવે,
સુખ ને શાંતિ હણાયે એની, દુશ્મન જનના દાવે.
શું કરશો સંતાનો ત્યારે ? બેઠે કામ ન આવે.
સ્વતંત્રતાના રક્ષણ માટે, લલકારી મેદાને,
પડવું પડે વીર બની સાચા, બચાવવાને માને.
સ્વતંત્રતા જ ખરી સિદ્ધિ, સમૃદ્ધિ સાચી રિદ્ધિ,
એ સિદ્ધિરિદ્ધિને ભયમાં, રિપુ કોઈ જન નાખે,
હરામ દાનત કોઈ એને, દુઃખી કરવા રાખે.
કાયર બનશો કેમજ ત્યારે ? આળસ કામન આવે.
સ્વતંત્રતાના રક્ષણ માટે, લલકારી મેદાને,
પડવું પડે વીર બની સાચા, બચાવવાને માને.
વાટાઘાટ કરો પહેલાં તો, છતાં ન દુશ્મન માને;
લાભ ભલાઈનો લેતાં એ, વધુ વધુ આફત આણે.
કરી કોળિયો જવા દેશને, કદમ ભરે એ ભારે;
ઘડી ચૂકવી ઘટે ન ત્યારે, કામ દીનતા ના’વે,
સ્વતંત્રતાના રક્ષણ માટે, લલકારી મેદાને,
પડવું પડે વીર બની સાચા, બચાવવાને માને.
નીતિતણી વાતો જ્યારે, નેકી કામ ન આવે;
કરવી હો ના તોય લડાઈ, છેક બારણે લાવે;
દેશપ્રેમને આવાહન કરે, લલકાર કરે જ્યારે,
પાછી પાની કર્યે ન ચાલે, નહિ તો દાનવ મ્હાલે.
સ્વતંત્રતાના રક્ષણ માટે, લલકારી મેદાને,
પડવું પડે વીર બની સાચા, બચાવવાને માને.
- શ્રી યોગેશ્વરજી

