Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જે જીવન થાય સુખી ને સુખને આપે,
જે કષ્ટ કૈંકનાં કાપે,
એ જીવનની કીમત છે સાચે કાંઈ,
એ ધન્ય જિંદગી, ભાઈ ! ...

આ જીવન એક પરબ જાણો,
ને વટેમાર્ગુ માનવ માનો;
જો પાણી પાઈ શકાય એથી કાંઈ,
એ ધન્ય જિંદગી, ભાઈ ! ...

આ જીવનજ્યોત પરમ એવી,
છે અંધકારથી પર જેવી;
અંધાર દૂર કોઈના કરાય કાંઈ,
એ ધન્ય જિંદગી, ભાઈ ! ...

આ જીવન બાગ મહાપ્રભુનો
એનો ગંધભર્યો ખૂણેખૂણો;
એ સુગંધ કોઈ પામે, છાયા કાંઈ,
એ ધન્ય જિંદગી, ભાઈ ! ...

આ નદી વહેતી સૌ માટે,
સૌ સ્નાન કરે એને ઘાટે;
જો વહી શકાયે એમજ સાચે કાંઈ,
એ ધન્ય જિંદગી, ભાઈ ! ...

આ ઝાડ જુઓ આરામ કરે,
એમાં માળા પંખી કૈંક ધરે;
જો અપાય એમજ શાંતિ કોકને કાંઈ,
એ ધન્ય જિંદગી, ભાઈ ! ...

 - શ્રી યોગેશ્વરજી