પોપટ, તને પૂર્યો પીંજરે કેમ ?
વનવગડાના વિહારીને શાને, કીધો કેદી જેમ ?
પૂરનારાને પૂરાવું ગમે ના, પૂર્યો તને તો કેમ ? ... પોપટ, તને.
ઉપવનમાં તું ઊડતો, ગાતો, કિલ્લોલ કરતો તેમ;
બંધ કરી દીધો આમ તને કાં ? આવી જરી ના રે’મ ? .... પોપટ, તને.
ખવડાવે, પીવડાવે, ને વળી લાખ બતાવે પ્રેમ;
મુક્તિની તોલે ના’વે છતાંયે, પીંજર ભલે હો હેમ. .... પોપટ, તને.
રોજ પ્રભાત થતાં ઊડતો તું, લેશ ગમે કેદે કેમ ?
ક્યાં તારી મેના ને ક્યાં તું વસે છે ? માનવના બંદી જેમ. .... પોપટ, તને.
લાવ તને દઊં છોડી હવે તો, થાય કે તારું ક્ષેમ;
પૂરાયલાને છોડવા માટે, સાચે છે મારી નેમ. .... પોપટ, તને.
- શ્રી યોગેશ્વરજી

