કોણ ગગનમાં વાદળ બનતાં, વિહરે ને વૃષ્ટિ કરતા ?
કોણ ટમકતા તારક રૂપે, ચંદ્ર બની અમૃત ભરતાં ? .... કોણ
કરોડ કિરણો ફેલાવીને, પૃથ્વીને જીવન ધરતાં
કોણ હસે આકાશ બનીને, આશ્રય સૌનેયે ધરતા ? ...કોણ
ફૂલોમાં ફોરમ ફેલાવે, પંખીડાને પાંખ ધરે;
કોણ ગાય છે સાગરમાંથી ? વહન નદીમાં કોણ કરે ?... કોણ
કોણ અંગમાં આત્મા બનતા, ચેતન દિવ્ય વળી ધરતાં ?
કોણ ગંધ બનતાં ધરતીમાં, લોકોને ધારણ કરતા ? ... કોણ
વ્યાપક આખા વિશ્વમહીં એ, પરમાત્મા જ્ઞાની કહેતા;
ધ્યાન કર્યે દેખાયે દિલમાં, પ્રકાશને રૂપે રહેતા. ...કોણ
- શ્રી યોગેશ્વરજી

