ઓ દેશ મારા, વંદન તુજને કરું !
સુંદર રૂપ તારું, અનેક સ્વરૂપવાળું,
એને સદાય સ્મરું;
નમસ્કાર નેહે એને, ઉપરાઉપરી કરું હું,
તીરથ તું છે ખરું, ...ઓ દેશ મારા
પર્વતો વિશાળ તારા, નદીઓ અનેક એવી,
અંજલી એને ધરું;
કુદરતની ક્રીડા કેવી, લોકોની લીલા કેવી,
કેમ ના તુજને વરું ?...ઓ દેશ મારા
યોગી પુરાતન કોઈ, ઋષિના જેવો ખરે તું,
સંસ્કૃતિ કરી તેં શરૂ ;
તારા મહિમાને માટે જીવું હંમેશ માટે,
મહિમા માટે મરું. ...ઓ દેશ મારા
શાંતિ દે દુનિયાને તું, શાંતિ આપે છે જેવાં,
ઘટાદાર એવાં આ તરું ;
સુખી થઈ પાઠ સાચા સુખના આપી રહેજે,
આશા હું એટલી કરું, ...ઓ દેશ મારા
- શ્રી યોગેશ્વરજી

