નાનો દીવો નાના ઘરને, કેવો તેજ ધરે ?
જુઓ જરી, આ મુંગે મોઢે, સેવા શાંત કરે. .. નાનો દીવો.
નથી સૂર્યના જેવી શક્તિ તોપણ ભારે એની ભક્તિ;
ચંદ્ર તથા તારલિયાથી યે, મોંઘો આજ ઠરે;
અમાસની અંધારી રાતે, ઘરમાં તેજ ભરે ... નાનો દીવો.
યશ ના કોઈ આપે એને, સન્માને ના મીઠા વેણે;
તો પણ પરવા કરે ન એની, એ અંધાર હરે;
અમાસની અંધારી રાતે, ઘરમાં તેજ ભરે .. નાનો દીવો.
શાંત થશે સેવા કરતાં એ, બૂઝાશે કોઈ હાથે કે;
એવી રીતે જીવન જો આ ક્યાંયે તેજ ધરે,
ધન્ય થાય તો કોઈને જો એથી પ્રાણ મળે. ... નાનો દીવો.
- શ્રી યોગેશ્વરજી

