ગીતડાં ગાઓ, હે ભાઈ, ગીતડાં ગાઓ !
ખુલ્લા સાદે તથા ખુલ્લાશા રાગે,
ખુલ્લા હૈયાની સાથે ગીતડાં ગાઓ ! ...ગીતડાં.
વેરઝેર મટે જેથી, કટુતાનો અંત હો,
એવાં અનેરાં પ્રેમપાણી પાઓ;
નાસે સૌ સંકટો, ને થાયે આનંદ બધે,
એવાં અનોખાં ગીત આજે ગાઓ ! ...ગીતડાં.
અંધકાર મટી જાય, પ્રકટે પ્રકાશ ને,
રસના ફુવારા ફૂટે નવલાશા હો;
એવું પ્રભાત હવે પ્રકટાવો ગીતથી,
નવી ઉષા ને નવો સૂરજ લાવો ! ...ગીતડાં.
આશા નવી ને નવી પ્રેરણા ભરીને,
લાખો લોકો હૂંફદાતા થાઓ;
એવું ગાઓ કે આખી દુનિયાને હર્ષ હો;
જીવન નવું બધે ફૂંકી જાઓ ! ...ગીતડાં.
- શ્રી યોગેશ્વરજી

