if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભાગવતના સાતમા સ્કંધના અગિયારમા અધ્યાયમાં મનુષ્યોના સનાતન ધર્મનું વિશદ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. એ વર્ણન આજે આટલાં બધાં વરસો વીતી ગયા પછી પણ એટલું જ ઉપયોગી છે. ધર્મની સાચી સમજ ના હોવાથી ધર્મના નામે નાના-મોટા અનેક વિષાદો તથા સંઘર્ષો ચાલે છે, કટુતા ફેલાય છે, ને કેટલીકવાર અધર્મને ધર્મના નામે તથા ધર્મને અધર્મના નામે ઓળખવામાં અને એમાં ગૌરવ ગણવામાં આવે છે. માણસો મોટે ભાગે ધર્મના નામે કોઇક પરંપરાગત પ્રણાલિકાનું પાલન કરે છે અને એમાં વિશ્વાસ રાખે છે. એમને પૂછીએ તો ઉત્તર પણ આપે છે કે અમે હિંદુ ધર્મમાં માનીએ છીએ, ઇસ્લામમાં વિશ્વાસ રાખીએ છીએ, ખ્રિસ્તી ધર્મના અનુયાયી છીએ, ને પારસી, યહુદી, બૌદ્ધ કે જૈન અથવા શીખધર્મમાં દીક્ષિત થયા છીએ. એ પ્રકારના પરિચયો કાંઇ તદ્દન ખોટા કે નકામા નથી તો પણ એ પરિચયોના પડદા પાછળ ઘણીવાર ભૂલાઇ જાય છે કે માણસ સૌથી પહેલાં મૂળભૂત રીતે, ને સૌથી છેલ્લે માણસ છે, ને હિંદુ, પારસી, ખ્રિસ્તી, મુસલમાન, શીખ, બૌદ્ધ, જૈન, યહુદી કે એવું કશુંક પણ બનવા ને કહેવડાવવા છતાં પણ માણસ નથી મટી શકવાનો. એનો માનવ તરીકેનો પણ ધર્મ છે અને એ ધર્મ સૌથી વધારે મહત્વનો છે. બીજા કોઇ ધર્મને અપનાવે કે પાળે અને બીજા કોઇ ધર્મમાં માને તો પણ એ માનવધર્મ તો સદા માટે રહેવાનો જ છે. એ ધર્મનો સંબંધવિચ્છેદ કરીને માનવ માનવ નથી રહી શકવાનો. એ ધર્મનો વિચાર કોણ કરે છે અને એને માટે ગૌરવ કોણ ગણે છે ? સંસારનો પ્રત્યેક પદાર્થ પોતાનો મૂળભૂત ગુણધર્મ ધરાવે છે. એના વિના એ પદાર્થ ટકી નથી શક્તો. સૂર્યનો ધર્મ પ્રકાશ છે. પ્રકાશ વિના એ બની જ ના શકે. પ્રકાશ વિનાના સૂર્યની આપણે કલ્પના જ ના કરી શકીએ. ફૂલનો ધર્મ ફોરમ છે, સરિતાનો ધર્મ સલિલ અને સલિલથી સંપન્ન થઇને અભિસરણ કરવું તે તથા દીપકનો ધર્મ પ્રકાશવાનો ને પવનનો ધર્મ પ્રસરણનો છે. માનવ પણ એવી રીતે પોતાનો ધર્મ ધરાવે છે. એ ધર્મ એના નામ પ્રમાણે એને ધારણ કરે છે. એનો એ અસલ, અવિભાજ્ય ધર્મ કયો છે ?

માનવ મૂળભૂત રીતે સત્યની શોધમાં, સત્યમાં પ્રતિષ્ઠિત થવાના પ્રયત્નમાં છે. સત્યના સાક્ષાત્કારની એની આકાંક્ષા છે. એ મૃત્યુ નથી માગતો. સનાતન ને નિત્ય રહેવાની ઇચ્છા રાખે છે. કારણ કે એ પોતે મૃત્યુંજય, અમૃતમય અથવા અવિનાશી છે. શાસ્ત્રો તથા સંતો એને સત્યસ્વરૂપ કહે છે. એની નાની મોટી બધી જ પ્રવૃત્તિઓ સુખ, શાંતિ અથવા આનંદની પ્રાપ્તિ માટે થતી હોય છે. એ પ્રવૃત્તિઓ સાચી દિશામાં થાય છે કે ખોટી દિશામાં અને એથી એને સુખશાંતિ અથવા આનંદની પ્રાપ્તિ થાય છે કે નથી થતી એ જુદી વાત છે, પરંતુ એ વધારે ને વધારે સુખશાંતિ અને આનંદને ઇચ્છે છે તો ખરો જ. શા માટે ? કારણ કે સુખશાંતિ અને આનંદ એનું વાસ્તવિક સ્વરૂપ, એનો મૂળભૂત ધર્મ છે. ઉત્તરોત્તર વધારે ને વધારે સુખશાંતિ અને આનંદની અનુભૂતિ કરતાં એક દિવસ એ સનાતન સુખમાં, શાશ્વત શાંતિમાં અને અખંડ અનંત આત્માનંદમાં પ્રતિષ્ઠા પામશે જ.

એ ઉપરાંત એ પરમપવિત્ર છે, પ્રેમસ્વરૂપ છે, નિર્ભય, નિરંજન અને જ્ઞાનસ્વરૂપ છે. એ એનો સ્વભાવગત સહજ ગુણધર્મ છે. માટે તો એ અધિકાધિક જ્ઞાનની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરે છે, પવિત્રતાને ને નિર્ભયતાને ઇચ્છે છે, ને પોતાને કોઇ વેરભાવે ના જુએ પરંતુ પ્રેમભાવે જુએ તેમજ પોતે પણ સૌને પ્રેમની નજરે નિહાળે એવી આશા રાખે છે. એ શિવસ્વરૂપ છે. કલ્યાણ એનો મૂળભૂત સ્વભાવ છે. એટલા માટે એ શુદ્ધિનો, ઉદાત્તતાનો ને મંગલમયતાનો આગ્રહ રાખે છે. એ મૂળભૂત રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. એ સચ્ચિદાનંદ આત્મસ્વરૂપની અનુભૂતિ-અંદર બહાર બધે જ અનુભૂતિ અને એમાં પ્રતિષ્ઠા એનો અસલ ધર્મ છે. માનવ ધર્મ. માનવ તરીકેનો ધર્મ. માનવ બનીને ને માનવરૂપે શ્વાસ લઇને પાળી બતાવવાનો ધર્મ. ભાગવત માનવના એ સનાતન, સ્વાભાવિક, સહજ, વારસાગત ધર્મ તરફ અંગુલિનિર્દેશ કરે છે ને કહે છે કે માણસે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના સાક્ષાત્કાર માટે સાધના કરવી જોઇએ, એને માટે પરમાત્માદર્શી ઋષિમુનિઓની સ્મૃતિનું તથા સંનિધિનું સેવન જોઇએ અને પોતાની તેમજ બીજાની પ્રસન્નતા તથા પ્રગતિમાં મદદરૂપ થાય તેવાં સત્કર્મોનું અનુષ્ઠાન કરવું જોઇએ.

સચ્ચિદાનંદના સાક્ષાત્કાર કે સ્વાનુભવના એ મહાન ધર્મનું પાલન કાંઇ સહેલું નથી. એની સિધ્ધિ કાંઇ એક બે દિવસમાં ના થઇ શકે. એને માટે એની પૂર્વભૂમિકારૂપ એના પૂરક પીઠબળ તરીકે સુનિશ્ચિત, સુયોજીત કાર્યક્રમ જોઇએ. એને જીવન સુધારણાનો કે જીવન વિકાસનો કાર્યક્રમ કહી શકાય, અથવા પેટાધર્મનું બીજું નામ આપી શકાય. એ પેટાધર્મના પરિપાલન વિના માનવ પોતાના મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને કૃતાર્થ ના બની શકે. એ ધર્મના ત્રીસ લક્ષણો કહી બતાવ્યાં છે - સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, સદ્દવિવેક, મનનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, સરળતા, સંતોષ, સંતસમાગમ, દુન્યવી વિષયોમાંથી ઉપરામતા, નમ્રતા, મૌન, આત્મચિંતન, સેવા, સૌમાં પરમાત્મદર્શન, ભગવાનની કથાઓનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ભગવાનની સેવા, પૂજા તથા પ્રશસ્તિ અને દાસ્ય, સખ્ય કે આત્મસમર્પણભાવે એમની આરાધના.

બ્રહ્મચર્યાશ્રમમાં મુખ્ય ધર્મ અથવા કર્તવ્ય વિદ્યાપ્રાપ્તિ તથા સંયમ છે. સંયમની સર્વાંગીણ સફળ સાધના માટે વિચારો, ભાવો, વ્યવહાર, વાતાવરણ અને વાણીની પંચવિધ પવિત્રતાની આવશ્યકતા છે. બ્રહ્મચારીએ એનું ખાસ ધ્યાન રાખવું જોઇએ ને સાદું, સ્વચ્છ, સ્વાશ્રયી, સ્વાધ્યાયપરાયણ જીવન જીવવું જોઇએ.

ગૃહસ્થાશ્રમ ધર્મયુક્ત ધનોપાર્જન માટે ને બીજાની સેવા માટે છે.

વાનપ્રસ્થાશ્રમ બાહ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઇને આત્મસાક્ષાત્કારની સાધના કરવા માટે અને સંન્યાસાશ્રમ એ સાધનાની સિદ્ધિ દ્વારા જીવનમુક્તિને મેળવવા ને બીજાને મદદરૂપ થવા માટે છે. બીજાને ઉપયોગી થવાની ભાવના તો આશીર્વાદરૂપ હોવાથી સદાને માટે સાચવી રાખવાની અને આચારમાં ઉતારવાની છે. એ સદ્દભાવનાથી પ્રેરાઇને જ સ્વનામધન્ય સંતશિરોમણિ શુકદેવજી પરીક્ષિતને સદુપદેશ દ્વારા શાંતિ અને મુક્તિ આપવા બેઠા છે.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.