આદર્શ સંન્યાસી કોને કહેવાય છે ? અનાત્મ પદાર્થોની પ્રીતિનો તથા દેહાધ્યાસનો ત્યાગ કરીને જે આત્માનુસંધાનમાં અથવા આત્માનુભવમાં મગ્ન રહે છે તેને. તેની પાસે કોઇ બાહ્ય આશ્રમચિહ્ન હોય કે ના પણ હોય પરંતુ પરમાત્મનિષ્ઠા તો હોવી જોઇએ. એ સૌ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ તથા હિતભાવના રાખે છે, શાંતિની મૂર્તિ હોય છે, અને આત્મારામ બનીને જીવે છે. જગતમાં પરમાત્મદર્શન કરે છે. એ મૃત્યુનો ભય કે જીવનનો મોહ નથી રાખતો. કોઇ પ્રત્યે વિદ્વેષ નથી રાખતો. પ્રતિષ્ઠાના, ધનના, બાહ્ય સુખોપભોગના અને શરીરાદિના મોહથી મુક્ત થઇને પરમાત્માની જ પ્રીતિ કરે છે. બીજાની પાસેથી ઓછામાં ઓછું લઇને બીજાને વધારેમાં વધારે આપે છે. એનું સમસ્ત જીવન બીજાને માટે હોય છે.
એવા વીતરાગ પરમાત્મપરાયણ મહામાનવને સર્જનની શોભા કહી શકાય. સંસારને એની દ્વારા અસાધારણ લાભ થાય છે. એવા એક મહામાનવનું રમણીય રસભરપુર રેખાચિત્ર ભાગવતના સાતમા સ્કંધના તેરમા અધ્યાયમાં રજૂ કરવામાં આવ્યું છે. એ રેખાચિત્ર અત્યંત આકર્ષક અને આનંદપ્રદ છે. એ રેખાચિત્ર ભગવાન દત્તાત્રેયનું છે. ભાગવતકાર એમના અને ભક્તપ્રવર પ્રહલાદના સમાગમનું સુખદ વર્ણન કરે છે. એ વર્ણન પર વિહંગદૃષ્ટિ નાખી જઇએ.
પોતાની પ્રજાનાં સુખદુઃખોથી સુપરિચિત થવાની ઇચ્છાથી પ્રેરાઇને પોતાના પ્રધાનોની સાથે પ્રવાસે નીકળેલા પ્રહલાદને સહ્યાદ્રિ પર્વતની તળેટીના પ્રશાંત પ્રદેશમાં કાવેરી નદીના તપઃપૂત તટ પર જીવનમાં પહેલી જ વાર એક મુનિનું દર્શન થયું. એ મુનિ મહામુનિવર અવધૂતશિરોમણિ ભગવાન દત્તાત્રેય હતા. એમનું શરીર ધૂલિધુસરિત હોવાં છતાં એમની મુખમુદ્રાની અને આંખની અલૌકિકતા પરથી એ કોઇ અસાધારણ મહાપુરુષ છે એવું એમને જોતાંવેંત જ જણાયા વિના ના રહ્યું. ‘आकृतिर्गुणान् कथयति’ એ ન્યાયે એમની અદ્દભુત આહલાદક આકૃતિએ એમના અસાધારણ અંતરંગ ગુણોનો પરિચય કરાવ્યો. એમણે કોઇ વર્ણ કે આશ્રમનું ચિહ્ન નહોતું ધારણ કર્યું તો પણ એમની લોકોત્તરતા છૂપી નહોતી રહી શક્તી. પ્રહલાદે એમને પૂજ્યભાવે પ્રણામ કરીને પૂછયું કે તમે કોઇ પ્રકારનો પરિશ્રમ કરતા નથી દેખાતા તો પણ ભોગપરાયણ પુરુષની પેઠે હૃષ્ટપુષ્ટ શરીરવાળા તથા સુખી છો, અને સમતાથી સંપન્ન થઇને શાંતિથી પડી રહ્યા છો, તેનું કારણ ?
પ્રહલાદના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાન દત્તાત્રેયે જણાવ્યું કે હું સદા તૃષ્ણારહિત થઇને વિચરું છું. એને લીધે જ મારે દુઃખ, ક્લેશ કે અશાંતિનો અનુભવ નથી કરવો પડતો. મનુષ્ય જુદી જુદી જાતની તૃષ્ણાઓના કે વાસનાઓના શિકાર બન્યા હોવાથી જ દુઃખી, સંતપ્ત અથવા અશાંત બને છે. કામનાઓ એમને સંપૂર્ણ સુખી નથી થવા દેતી. ઇચ્છા પ્રમાણેના સુખોપભોગોની પ્રાપ્તિ થાય તો પણ કામના, વાસના કે તૃષ્ણાની તૃપ્તિ નથી થઇ શક્તી. એ તૃષ્ણાદિને લીધે જ જન્મમરણના ચક્રમાં ફરવું પડે છે. હું પણ મારા પૂર્વજન્મોમાં એને લીધે જુદી જુદી યોનિઓમાં ફર્યો અને સુખદુઃખના સંમિશ્રિત અનુભવો કરતો રહ્યો. છેવટે આ સર્વોત્તમ મનુષ્યશરીરની પ્રાપ્તિ કરીને, એનો મંગલ મહિમા સમજીને હું સર્વપ્રકારની લૌકિક પારલૌકિક કામનાઓમાંથી તથા એમનાથી પ્રેરાયલી પ્રવૃત્તિઓમાંથી ઉપરામ બન્યો છું.
ભગવાન દત્તાત્રેયે એ પ્રમાણે માનવશરીરની મહત્તા કહી બતાવી ને સૂચવ્યું કે એની પ્રાપ્તિ જેને તેને નથી થઇ શક્તી. એની પ્રાપ્તિ એક સર્વોત્તમ સદ્દભાગ્ય છે. સંસારના મોટા ભાગના માનવો સદ્દભાગ્યને નથી સમજી શક્તા અને એટલા માટે જ એનો જેટલો જોઇએ તેટલો અને જેવો જોઇએ તેવો લાભ નથી ઉઠાવી શક્તા. માનવશરીરની શક્યતા ધાર્યા કરતા ઘણી મોટી છે. એને સુચારુરૂપે સમજવાની ને સાકાર કરવાનો પ્રયત્ન કરવાની આવશ્યકતા છે.
મોટા ભાગના મનુષ્યો જીવવું પડે છે માટે બીજાને દોષ દેતાં, બડબડાટ કરતાં, કદીક હસતાં તો કદીક રડતાં ના છૂટકે જીવે છે. એ જીવનને પ્રેમ નથી કરતાં, નથી કરી શક્તાં. જીવન જીવવા જેવું નથી માનતા. એ જીવે છે પરંતુ કોઇ પણ પ્રકારના અનોખા આનંદ વિના, વિલક્ષણ આદર્શ વિના, રગશિયા ગાડાની પેઠે, મૃતપ્રાય બનીને જીવે છે. એ સાચા સુખથી ને સંપૂર્ણ શાંતિથી વંચિત રહે છે. એનું કારણ ?
એનું એકમાત્ર મૂળ કારણ અજ્ઞાન અને એથી પ્રેરાઇને થતી પ્રવૃત્તિ છે.
ભગવાન દત્તાત્રેય પ્રહલાદને એ જ સંદર્ભમાં પોતાની વિશિષ્ટ રીતે સમજાવતાં ખૂબ જ સારવાહી સ્વાનુભવપ્રધાન સરસ શબ્દોમાં કહે છે કે સુખ તો આત્માનું સ્વરૂપ છે. એને શોધવા સારું બીજું કશું નથી કરવાનું પરંતુ આત્માનુભૂતિથી અલંકૃત બનવાનું છે; આત્મદર્શી અને આત્મનિષ્ઠ થવાનું છે. સર્વ પ્રકારની બાહ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવાથી જ એનો અનુભવ થાય છે. એટલા માટે ભોગમાત્રને મિથ્યા માનીને પ્રારબ્ધનો ઉપભોગ કરતાં હું શાંતિથી જીવ્યા કરું છું.
सुखमस्यात्मनो रुपम्
(સ્કંધ ૭, અધ્યાય ૧3, શ્લોક ર૬ પૂર્વાર્ધ)
ભગવાન દત્તાત્રેય એમના સૌથી મોટા મહત્વના બે ગુરુઓની ઓળખાણ આપતાં કહે છે :
‘આ જગતમાં મારા સૌથી મોટા બે ગુરુ મધમાખી અને અજગર છે. એમની પાસેથી મને વૈરાગ્યની ને સંતોષની પ્રાપ્તિ થઇ છે. મધમાખી ભારે મહેનતપૂર્વક મધ એકઠું કરે છે પરંતુ એ મધ એને ક્યાં મળે છે ? એવી રીતે લોકો પ્રખર પરિશ્રમપૂર્વક ધનસંચય કરે છે તો પણ કેટલીક વાર એ ધનસંગ્રહ કોઇ બીજાને જ મળી જાય છે. કોઇવાર કોઇ ધનને એના માલિકને મારી કે લૂંટીને લઇ લે છે. એટલે મેં વિષયોમાંથી વિરક્ત થવાનો સંદેશ ગ્રહણ કર્યો છે.’
‘અજગરની પાસેથી મને દૈવવશ જે કાંઇ મળે એમાં સંતુષ્ટ રહેવાની શિક્ષા સાંપડી છે. હું શાંતિથી, સમભાવથી સંપન્ન થઇને શ્વાસ લઉં છું. જે મળે તે પહેરું છું ને જે મળે તે, જ્યારે મળે ત્યારે ને જ્યાં મળે ત્યાં આરોગું છું. કોઇવાર પલંગ પર તો કોઇવાર જમીન પર સૂઇ રહું છું. કોઇની સ્તુતિનિંદા નથી કરતો, ને સૌનું સર્વ પ્રકારે કલ્યાણ ઇચ્છું છું. ’
(અધ્યાય ૧3, શ્લોક 3૪-3પનો ભાવાર્થ)
એ સારવાહી શ્રેયસ્કર સંદેશ સાંભળીને પ્રહલાદને પ્રસન્નતા થઇ.
ભગવાન દત્તાત્રેય જેવા સર્વસંગ પરિત્યાગી, વીતરાગ, વિરક્ત પરમાત્મપ્રાપ્ત મહાપુરુષો તો જવલ્લે જ જડે કે વિરલ મળે. એમના દર્શન, સંસર્ગ કે સમાગમને સુદુર્લભ કહી શકાય. એમની જેમ સૌ કોઇ સર્વસંબંધવિચ્છેદ ના કરી શકે અને સૌ કોઇને એવા સર્વસંબંધવિચ્છેદની આવશ્યકતા પણ ના હોય. સંસારમાં ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારનાં વિકાસક્ષેત્રો રહેવાનાં, અને રહે તેમાં કશું ખોટું નથી. મોટા ભાગના માનવો જંગલોમાં નહિ પરંતુ વસતિની વચ્ચે રહેવાના: નિવૃત્તિપરાયણ થઇને નહિ પરંતુ પ્રવૃતિપરાયણ બનીને શ્વાસ લેવાના: એમને માટે આત્મકલ્યાણનો, આત્મિક અભ્યુત્થાનનો કે પરમાત્મપ્રાપ્તિનો કોઇ સરળ, સીધો, સચોટ અને સલામત માર્ગ ખરો કે નહિ ? ભાગવત એનો જવાબ હકારમાં આપે છે અને એવા સાંસારિક જીવનમાં રત રહેતા માનવોને માટે પણ મંગલનો માર્ગ બતાવે છે.
માનવ સંસારમાં તો રહેશે જ. એ સંસારમાં રહે એમાં કશી હરકત નથી. હરકત તો સંસાર એની અંદર રહે એમાં છે. એના મનમાં સંસારની મમતા, આસક્તિ અને અહંતા ના રહે એટલે થયું. એના મનમાં જ જો સંસાર હશે તો એ ગમે ત્યાં જશે ને રહેશે તો પણ એ સંસારરહિત નહિ બની શકે ને શાંતિ પણ નહિ મેળવી શકે. એ મનમાં સંકલ્પવિકલ્પ, વાસના, વિકાર તથા તૃષ્ણાના તરંગો પેદા થયા જ કરશે. એથી ઉલટું, એ તરંગોથી મુક્ત થઇને કે મુક્ત થવાનો પ્રામાણિક પ્રયત્ન કરીને સંસારની વચ્ચે વસીને પણ માનવ જો સંસારને પોતાની અંદર નહિ રાખે, હૃદયમાં ઇશ્વરને જ રાખશે ને પોતે ઇશ્વરમય જીવન જીવતો હશે, તો જીવનમુક્તિનો, શાંતિનો ને ઇશ્વરની કૃપાનો અનુભવ કરશે. એટલે ક્યાંય જતા રહેવાની, ભયભીત થઇને નાસી જવાની, કોઇનો તિરસ્કાર કરવાની કે કોઇને નિરર્થક દોષ દેવાની અને અવરોધક અથવા અંતરાયરૂપ માનવાની જરૂર નથી. અવરોધક અથવા અંતરાયરૂપ માનવનું પોતાનું મન છે અને એને જ ઠીક કરવાનું કે ઉદાત્ત બનાવવાનું છે. એ જો ઉદાત્ત કે મંગલ નહિ હોય તો બધે જ બાધક બનશે અને સમસ્યાઓ પેદા કરશે. એ જો ઉદાત્ત કે મંગલ હશે ને બનશે તો સુખશાંતિ કે મુક્તિ ધરશે.
એટલે સંસારમાં રહીને સંસાર પ્રત્યે સૂગ કેળવવા કરતાં મનને મંગલ અથવા ઉદાત્ત બનાવવાની સાધના કરવી જોઇએ. એ સાધનાના સુપરિણામરૂપે મનની વૃત્તિ, વિકાર તથા વાસનારહિત, પવિત્ર ને પરમાત્મમયી બનશે; એને લીધે રાગદ્વેષ, અહંતા-મમતા, ભીતિ ને ભેદભાવ વગરની પવિત્ર દૃષ્ટિ પ્રકટશે એટલે સંસારમાં વિલસતી પરમાત્માની પરાત્પર જ્યોતિની ઝાંખી સ્વાભાવિક બનશે. એની સાથે સાથે પરમાત્માની પવિત્રતમ પ્રીતિ કે એકનિષ્ઠ ભક્તિનો ઉદય થશે, અને એ બધું થતાં પરમાત્માના પરમ અનુગ્રહના પરિણામે સાચી શાંતિ તથા શક્તિ સાંપડશે. વૃત્તિ, દૃષ્ટિ, ભક્તિ ને શક્તિની પ્રાપ્તિ એવી રીતે સુલભ બનશે. સંસારમાં જ્યાં છીએ ત્યાં રહીને એ સુંદર સાધનાનું અનુષ્ઠાન કરવા માંડીએ તો આપણા આત્મિક અસંતોષનો આપોઆપ અંત આવે.