Text Size

10. દસમ સ્કંધ

તૃણાવર્તનો ઉદ્ધાર

ભગવાન કૃષ્ણ જન્મની સાથે જ કેટલીક સવિશેષ શક્તિઓને લઇને આવેલા. જે વિશિષ્ટ વિરાટ વિભૂતિઓની કે શક્તિઓની પ્રાપ્તિ પ્રાતઃસ્મરણીય યોગીપુરુષોને સુદીર્ઘ સમયની કઠોર તપશ્ચર્યા કે સાધનાના પરિણામે થાય છે તે શક્તિઓ એમની સહચરી બનીને આવેલી. યશોદાને એવી શક્તિઓનો અનુભવ અજ્ઞાત રીતે કદી કદી થયા કરતો, પરંતુ ભગવાન કૃષ્ણના મંગલમય મહિમાને અલ્પ અથવા અધિક પ્રમાણમાં સમજવાનું મહાકાર્ય એને માટે મુશ્કેલ હોવાથી એ અનુભવને એ વાસ્તવિક રીતે પ્રમાણીને ભગવાન કૃષ્ણને માટેની શ્રદ્ધાભક્તિ માટે મદદરૂપ નહોતી કરી શક્તી.

એક વાર એ કૃષ્ણને ખોળામાં બેસાડીને રમાડી રહેલી ત્યારે કૃષ્ણનું શરીર એકાએક ખૂબ જ ભારે થઇ ગયું. કૃષ્ણ જાણે કે પર્વત જેવા પ્રબળ બની ગયા. એથી એમના ભારને સહન કરવાનું એને માટે અશક્ય થઇ પડ્યું. એણે એમના ભારથી પીડિત થઇને એમને જમીન પર બેસાડી દીધા. એ એના રહસ્યને ના સમજી શકી. ભગવાનનું સ્મરણ કરીને એણે મનને જેમતેમ કરીને શાંત કર્યું ને પછી ઘરકામમાં પરોવ્યું.

એક બીજે દિવસે એ કૃષ્ણને પયપાન કરાવી રહેલી. કૃષ્ણે પયપાન કરવાનું પૂરું કર્યું તે પછી બગાસાં ખાવાનું શરુ કર્યું. એ વખતે એણે જોયું કે એમના મુખમાં આકાશ, અંતરીક્ષ, જ્યોતિમંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપ, પર્વત, નદી, વન અને સમસ્ત ચરાચર પ્રાણીઓ સ્થિત છે. એ અદ્દભુત દર્શનથી યશોદાનું અંતર એકદમ ધ્રુજી ઊઠયું. એના કાયા કંપવા લાગી.

એ અદૃષ્ટપૂર્વ પ્રસંગ પણ યશોદાની અંતરદૃષ્ટિને ના ઊઘાડી શક્યો. એ ભગવાન કૃષ્ણના મહિમાને ના સમજી શકી.

થોડાક દિવસો પછી તૃણાવર્તનો પ્રસંગ ઊભો થયો. તૃણાવર્ત દૈત્ય કંસનો પરિચારક હતો. એક દિવસ એ વંટોળના રૂપમાં ગોકુળમાં પ્રવેશીને કૃષ્ણને એકાએક કોઇને પણ ખબર ના પડે એવી રીતે ઉપાડીને આકાશમાં લઇ ગયો. એ કંસના આદેશથી જ ગોકુળમાં આવેલો. એણે સમસ્ત ગોકુળને ધૂળથી ઢાંકી દીધું. એના ભયંકર શબ્દથી દિશાપ્રદિશાઓ કંપી ઊઠી. કોઇને કશું દેખાયું જ નહિ.

યશોદાએ જોયું તો કૃષ્ણ ઘરમાં ના દેખાયા. એથી એ ખૂબ જ ચિંતાતુર બની ગઇ, ને રડવા લાગી.

વંટોળ શાંત થયા પછી યશોદાનો વિલાપસ્વર સાંભળીને ગોપીઓ એની પાસે પહોંચી. એ પણ કૃષ્ણને ના જોઇને રડવા તથા શોક કરવા લાગી. જીવનમાં બીજું બધું જ હોય પરંતુ ભગવાન કૃષ્ણની ઉપસ્થિતિ ના હોય તો શું કામનું ? એ જીવનમાં રસ શો અને એનું મહત્વ પણ શું ? એવું જીવન તો મરણની આવૃત્તિ જેવું જ નીરસ ને જડ બની જાય. ભગવાન કૃષ્ણને લીધે જ જીવન જીવવા જેવું બને છે અને આનંદ આપે છે.

તૃણાવર્ત વંટોળનું વિકરાળ રૂપ લઇને કૃષ્ણને આકાશમાં ઉપાડી ગયો તો ખરો પરંતુ કૃષ્ણના ભારને સહી ના શક્યો. કૃષ્ણની અસીમ શક્તિને લીધે એને માટે આગળ વધવાનું અશક્ય બની ગયું. એનો સંવેગ શાંત થઇ ગયો. એનાથી વધારે ના ચાલી શકાયું. કૃષ્ણે એના ગળાને એવું તો જોરથી નાગચૂડની પેઠે પકડી રાખ્યું કે એમાંથી છૂટવાનું એને માટે એકદમ કઠિન થઇ પડ્યું. એ અસુર આખરે અશક્ત અને અસહાય બની ગયો. એની આંખ બહાર નીકળી પડી. એનું શરીર નિર્જીવ બની ગયું અને એ કૃષ્ણની સાથે ગોકુળના પુણ્ય પ્રદેશમાં પડ્યો. ગોપીઓએ એને એવી રીતે નીચે પડેલો જોઇને અને કૃષ્ણને એની સાથે જોઇને અસાધારણ આશ્ચર્યનો અનુભવ કર્યો. એમણે કૃષ્ણને તેડી લીધા અને યશોદા પાસે પહોંચાડ્યાં. યશોદા એમના જીવનની રક્ષા થઇ શકી એ જાણીને આનંદ પામી. એને માટે ભગવાનનો આભાર માન્યો. બીજી ગોપીઓને કૃષ્ણની અનંત શક્તિની કલ્પના નહોતી. એ તો એમનો સામાન્ય શિશુ જેવા જ સમજતી અને એમની સાથે એવી જ ભાવનાથી વ્યવહાર કરતી.

એ જમાનાના એક-બીજા મહાભયંકર મહાશક્તિશાળી અસુર તૃણાવર્તના જીવનનો એવી રીતે અંત આવ્યો ને સમાજ નિર્ભય બન્યો. એ અસુરના સંબંધમાં એવી કથા પ્રચલિત છે કે એ એના  પૂર્વજન્મમાં સહસ્ત્રાક્ષ નામે રાજા હતો. એકવાર એ નર્મદાતટ પર પોતાની પત્નીઓની સાથે વિહાર કરી રહેલો ત્યારે દુર્વાસા ઋષિ નીકળ્યા. એ કામમોહિત અવસ્થામાં હોવાથી એણે દુર્વાસા ઋષિને પૂજ્યભાવે મને કે કમને પણ પ્રણામ ન કર્યા. એ જોઇને દુર્વાસાએ એને સત્વર શાપ આપ્યો કે તારી વૃત્તિ તથા પ્રવૃત્તિ રાક્ષસ જેવી હોવાથી તું અત્યારે ને અત્યારે જ રાક્ષસ થઇ જા. એ શાપ સાંભળીને રાજા સહસ્ત્રાક્ષને દુઃખ થયું. દુર્વાસા ઋષિના પગમાં પડીને એણે ક્ષમાયાચના કરી એટલે એમણે જણાવ્યું કે મારો શાપ પોતાનું ધારેલું કાર્ય કરશે જ. છતાં પણ એ આસુરી યોનિમાં ભગવાન કૃષ્ણના કલ્યાણકારક સ્વરૂપનો સ્પર્શ પામીને તું એમાંથી મુક્તિ મેળવીશ.

એવી રીતે શાપિત થયેલા સહસ્ત્રાક્ષ રાજાને તૃણાવર્તનું શરીર પ્રાપ્ત થયું અને એ શાપના અનુસંધાનમાં તૃણાવર્તે ભગવાન કૃષ્ણનો સુધાસભર શક્તિસંચારક સંસ્પર્શ મેળવીને એ આસુરી અમંગલ યોનિમાંથી મુક્તિ મેળવી.