યદુવંશીઓના કુલગુરુ ગર્ગાચાર્ય વસુદેવની પ્રેરણાથી એકવાર ગોકુળમાં આવી પહોંચ્યા. નંદે એમના દર્શનથી કૃતકત્ય બનીને એમનો શ્રદ્ધાભક્તિયુક્ત સમુચિત સત્કાર કર્યો. અને કૃષ્ણ તથા બલરામના નામકરણ માટે પ્રેમપૂર્વક પ્રાર્થના કરી.
ગર્ગાચાર્યે જણાવ્યું કે બંને બાળકોના નામકરણાદિ વિવિધ સંસ્કાર જો મારી દ્વારા થશે તો લોકો તમારા પુત્રને વસુદેવનો પુત્ર સમજશે. કંસ પણ યોગમાયાની દિવ્ય વાણીને લક્ષમાં લઇને એને મારનારા બાળકની શોધમાં હોવાથી તમારા પુત્ર પર વહેમાશે અને એવી રીતે નકામી અશાંતિ ઊભી થશે.
ગર્ગાચાર્યની વિચારસરણી સુસ્પષ્ટ હોવાથી નંદ એને સહેલાઇથી સમજી શક્યા. એ કોઇ પ્રકારની અનાવશ્યક અશાંતિ ઊભી કરવાની ઇચ્છા નહોતા રાખતા. એટલે એમણે એ બાળકોના કેવળ નામકરણસંસ્કાર અને એ પણ ખૂબ જ ગુપ્તતાપૂર્વક કરવાની પ્રાર્થના કરી. એ પ્રાર્થનાને અનુલક્ષીને ગર્ગાચાર્યે એ બંને બાળકોના ગુપ્ત અથવા બનતા ગુપ્ત નામકરણસંસ્કાર કરવાની તૈયારી દર્શાવી.
ગર્ગાચાર્યે નામકરણસંસ્કારની શરૂઆત કરતાં કહ્યું કે આ રોહિણીનો પુત્ર હોવાથી રૌહિણેય કહેવાશે. એ પોતાના મિત્રો તથા સ્વજનોને પોતાના સર્વોત્તમ સદ્દગુણોથી આનંદ આપશે માટે રામ પણ કહેવાશે. એની શક્તિ અસીમ હોવાથી બલરામથી પણ ઓળખાશે. યાદવોમાં તથા તમારામાં કશો ભેદભાવ રાખ્યા સિવાય સમય પર સંપ કરાવવાની પ્રવૃત્તિ કરાવશે એને લીધે એ સંકર્ષણ નામથી પણ પ્રસિદ્ધિ પામશે. આ બીજો શ્યામ શરીરધારી છે તે પ્રત્યેક યુગમાં સ્વેચ્છાથી શરીર ધારણ કરે છે. એનું નામ કૃષ્ણ પડશે. તમારો આ પુત્ર વસુદેવને ત્યાં પ્રાદુર્ભાવ પામેલો હોવાથી એ રહસ્યને જાણનારા એને શ્રીમાન વાસુદેવ પણ કહેશે. એનાં બીજાં પણ અનેક નામ તથા રૂપ થશે. આ બાળક તમારું ને સમસ્ત સંસારનું શ્રેય કરશે. સૌને નૂતન પ્રેરણા, પ્રકાશ, શક્તિ અને આનંદ આપશે. એની મહામૂલ્યવાન મદદ મેળવીને તમે મોટી મોટી મુસીબતોને પણ શાંતિપૂર્વક સ્મિત સહિત પાર કરી શકશો. એ તમારી સૌની સર્વ રીતે રક્ષા કરશે. એની સાથે સ્નેહસંબંધ રાખનારા ખૂબ જ ભાગ્યશાળી હશે. આ બાળક સદ્દગુણ, સંપત્તિ, સૌન્દર્ય, સામર્થ્ય, યશ, પ્રભાવ તથા જ્ઞાન ગમે તે દૃષ્ટિથી જોતાં એક, અજોડ અથવા અનન્ય થશે ને ભગવાન નારાયણના જેવો હશે. તમે બધા એને તમારી અને સમસ્ત સમાજની મહામૂલ્યવાન મહત્વની થાપણ માનીને એની બનતી બધી જ રીતે રક્ષા કરજો.
નંદને ક્યાં ખબર હતી કે એ બધા એક સાથે એકઠા મળીને પણ ભગવાન કૃષ્ણની રક્ષા કરી શકે તેમ હતા જ નહિ ! ભગવાન કૃષ્ણ પોતાની શક્તિથી પોતાની મેળે જ સુરક્ષિત હતા અને સમસ્ત સમાજને સુરક્ષિત કરવા આવેલા. એમની રક્ષા બીજું કોણ કરી શકે તેમ હતું ? ગર્ગાચાર્યે જે કાંઇ કહેલું તે તો લૌકિક રીતે જ કહી બતાવેલું. ભગવાન કૃષ્ણના જીવનની મહત્તા અથવા ઉપયોગિતા બતાવવા માટે. નંદ એ કથનને સારી પેઠે સમજી શક્યા.
વખતને વીતતાં કાંઇ વાર લાગે છે ? દિવસ પછી રાત અને રાત પછી દિવસ, કાળચક્ર પાણીના રેલાની પેઠે ઝડપથી પસાર થતું જાય છે. જીવન સદાને સારું એકસરખા સ્વરૂપમાં નથી રહી શક્તું. કુદરતનું પોતાનું કાર્ય કોઇપણ પ્રકારના વ્યર્થ વિલંબ, વાદવિવાદ કે પ્રમાદ વિના ચોક્કસ, નિયમિત ને વ્યવસ્થિત રીતે ચાલ્યા જ કરે છે. કાળની એ કૂચની સાથે બલરામ તથા કૃષ્ણ મોટા થતા ગયા ને પોતાની મેળે જ ચાલવા લાગ્યા. પોતાના પગ પર પગલાં માંડીને ચાલવાનો અનુભવ જીવનનો સૌથી પ્રથમ વિલક્ષણ અનુભવ હોય છે. એ અનુભવ અત્યંત આશ્ચર્યકારક અને આનંદદાયક થઇ પડે છે. એ વિલક્ષણ, અતિવિલક્ષણ અનુભવમાંથી એ પસાર થયા. માતાઓ એ અવલોકીને આનંદાનુભવ કરવા લાગી.
કૃષ્ણ ને બળદેવ વ્રજમંડળમાં ઇચ્છાનુસાર બધે જ ફરવા ને ગોપબાળકોની સાથે રમવા માંડ્યા. એમની રસમય રમતો ગોપગોપીઓને ખૂબ જ પ્રિય અને આહલાદક લાગતી. એમના દર્શનને સૌ પોતાનું પરમ સૌભાગ્ય સમજતાં. ગોપીઓ કૃષ્ણના તોફાનોથી ત્રસ્ત બનીને કોઇ કોઇ વાર યશોદાને ફરિયાદ કરવા પણ પહોંચી જતી.
એકવાર બલરામ અને બીજા બાળકો કૃષ્ણ સાથે ક્રીડા કરી રહેલા. એમણે યશોદા પાસે પહોંચીને ફરિયાદ કરતાં કહેવાં માંડ્યું કે કનૈયાએ માટી ખાધી છે. યશોદાએ કનૈયાનો હાથ પકડીને એને ધમકાવતી હોય તેમ પૂછ્યું કે તેં માટી કેમ ખાધી ? તારા મિત્રો શું કહી રહ્યા છે ? તારા મોટા ભાઇ બળદેવ પણ એમની ફરિયાદમાં સૂર પુરાવી રહ્યા છે.
કૃષ્ણે પોતે માટી ખાધી હોવાનો ઇન્કાર કર્યો ને સમજુ પુરુષને છાજે એવી રીતે કહ્યું કે મેં માટી ખાધી હશે તો મારા મુખમાં એની નિશાની તો હશે ને ? હું તારી આગળ જ ઊભો છું. તું મારા મુખને જોઇને તટસ્થ રીતે એની ખાતરી કરી શકે છે. બાળકો તો બધા જુઠું બોલે છે.
યશોદાની આજ્ઞાથી કૃષ્ણે પોતાનું મુખ ખોલ્યું.
યશોદા એ મુખમાં દૃષ્ટિપાત કરીને મંત્રમુગ્ધ બની ગઇ. એ મુખ બહારથી જોતાં તદ્દન સામાન્ય મુખ હોવાં છતાં અંદરથી અત્યંત અસામાન્ય દેખાયું. યશોદા સમજી ના શકી કે આ બધું શું છે ? એણે આંખ ચોળીને ફરીવાર જોયું પરંતુ એથી કાંઇ વાસ્તવિક દર્શનમાં ફેર પડી શકે ? એ એકદમ આશ્ચર્યચકિત બની ગઇ. એ મુખમાં એણે સંપૂર્ણ સૃષ્ટિનું દર્શન કર્યું. અનંત આકાશ, પર્વત, દ્વીપ, સમુદ્ર, પૃથ્વી, દિશાપ્રદિશા, સૂર્ય, ચંદ્ર, ગ્રહનક્ષત્ર, તારા, વિદ્યુત, દેવતાઓ સાથેના સમસ્ત સર્જનને, વ્રજમંડળને અને એને પોતાને પણ એણે એ મુખમંડળમાં જોયું. એને ભાતભાતની શંકાઓ થવા માંડી. એણે સાચા દિલથી ભગવાનની પ્રાર્થના કરી. એ કૃષ્ણના દિવ્ય મહિમાને સમજી ગઇ. પરંતુ ભગવાન કૃષ્ણે પોતાની માયાના પ્રભાવથી એની એ તત્વબુદ્ધિને ઘેરી લીધી. એથી યશોદાને એ અલૌકિક અનુભૂતિનું વિસ્મરણ થયું.
0 0 0
ભગવાન કૃષ્ણનું પ્રાકટ્ય થયું મથુરાના કંસના કારાવાસમાં પરંતુ એમના લાલનપાલનનો, માતા-પિતા તરીકેના એમના ઉછેરનો અને એમની બાલજીવનની જુદી જુદી લીલાઓના નિરીક્ષણનો જે દેવદુર્લભ લાભ દેવકી તથા વસુદેવને ના મળ્યો તે યશોદા અને નંદને અનાયાસે આપોઆપ પ્રાપ્ત થયો એ આશ્ચર્યકારક નથી લાગતું ? એની પાછળ કોઇ કારણ હતું ખરું કે એ એક અકસ્માત હતો ? નંદ-યશોદાનું ભાગ્ય તો વસુદેવ-દેવકીના ભાગ્ય કરતાં પણ વધારે સારું કહી શકાય. એવા વિચારો સામાન્ય રીતે પેદા થવાની શક્યતા છે. એવા જિજ્ઞાસામૂલક વિચારો પરીક્ષિતને પણ પેદા થયા અને એ વિચારો એણે શુકદેવની આગળ રજુ કર્યા. એ વિચારોના સ્પષ્ટીકરણરૂપે શુકદેવે જે કહ્યું તે ખૂબ જ મનનીય છે. એ બતાવે છે કે જગતમાં કશું જ અકસ્માતરૂપે નથી થતું. જે અકસ્માતરૂપે થતું લાગે છે એની પાછળ પણ કાર્યકારણભાવની નિશ્ચિત નિયમાવલિ કામ કરતી હોય છે. પછી માનવને એની માહિતી હોય કે ના હોય. નંદ અને યશોદાને ભગવાન કૃષ્ણનાં પાલક માતા-પિતા તરીકે શ્વાસ લેવાનું સુરદુર્લભ સૌભાગ્ય સાંપડ્યું તેની પાછળ પણ કાર્યકારણભાવની નિશ્ચિત શૃંખલા જ કાર્ય કરી રહેલી. એ શૃંખલા સામાન્ય રીતે અજ્ઞાત હોવા છતાં પણ કેટલી બધી અદ્દભુત રહસ્યમયી અને ચોક્કસ અથવા સુવ્યવસ્થિત હતી એનો ખ્યાલ આપણને શુકદેવે આપેલા ઉત્તર પરથી સહેજે ને સારી પેઠે આવી શકે છે. એ ઉત્તરનો સાર એ છે કે નંદ તથા યશોદાને એમના જન્માંતર સંસ્કારના અનુસંધાનરૂપે જ ભગવાન કૃષ્ણના સંસર્ગ તેમજ સ્નેહની પ્રાપ્તિ થયેલી. નંદ પોતાના પૂર્વજન્મમાં દ્રોણ નામના વસુ હતા. યશોદા એ જન્મમાં એમની પત્ની ધરા હતી. એમણે બ્રહ્માના આદેશનું અનુસરણ કરવાના આશયથી એમને જણાવ્યું કે અમે પૃથ્વી પર જન્મ લઇએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમભક્તિ થાય. એવી ભક્તિની મદદથી મનુષ્યો દુનિયાની જુદી જુદી દુર્ગતિ કે પીડાઓને સહેલાઇથી પાર કરી જાય છે.
બ્રહ્માએ એમની માગણીનો સ્વીકાર કર્યો.
એ જ દ્રોણ વખતના વીતવાની સાથે વ્રજની પવિત્ર ભૂમિમાં નંદરૂપે પ્રકટ થયા. ધરા યશોદા બની. એમની આકાંક્ષાનુસાર ભગવાન કૃષ્ણે એમને પોતાના સમાગમનું સ્વર્ગીય સુખ પ્રદાન કરીને પોતાની પરમપવિત્ર પ્રેમભક્તિથી કૃતાર્થ કર્યા. વ્રજમંડળમાં વસીને એમણે ગોપ-ગોપીઓને તો એમના સંસર્ગનું સર્વોત્તમ સુખ આપ્યું જ પરંતુ નંદ-યશોદાને સાંપડેલું સૌભાગ્ય ખરેખર અનુપમ અને અનેરું હતું. એની સરખામણી બીજા ક્યા સૌભાગ્ય સાથે કરી શકાય ?