if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભગવાન કૃષ્ણે યજ્ઞના સુનિશ્ચિત સ્થળની શોધ કરતાં રંગશાળામાં પ્રવેશીને ઇન્દ્રધનુના જેવા અદ્દભુત ધનુષ્યને અવલોક્યું. રક્ષકોએ રોકવા છતાં એમણે એને ઉપાડીને એના મધ્યભાગમાંથી બે ટૂકડા કરી નાખ્યા. એના તૂટવાથી જે ભયંકર અવાજ થયો એને સાંભળીને કંસ પણ ભયભીત બની ગયો. રક્ષકો કૃષ્ણને કેદ કરવા તૈયાર થયા પરંતુ કૃષ્ણે ધનુષ્યના ટૂકડાના પ્રહારથી એમનો અને એમની મદદ માટે આવેલી કંસની સેનાનો નાશ કરી નાખ્યો. એ પછી એ બહાર નીકળી ગયા.

*

કંસને એ રાતે ભય, વેદના તથા ચિંતાને લીધે ઊંઘ ના આવી. બીજે દિવસે સૂર્યોદય થતાં જ એણે મલ્લક્રીડાના મહોત્સવનો આરંભ કરાવ્યો. પહેલવાનો પોતાના સાથીદારોની સાથે અખાડામાં આવી પહોંચ્યા. નંદ તથા બીજા ગોપો પણ કંસના આમંત્રણને માન આપીને પોતપોતાના સ્થાને બેસી ગયા. કૃષ્ણ તથા બલરામ રંગભૂમિને નિહાળવા ચાલી નીકળ્યા. રંગભૂમિના દરવાજા પાસે એમણે કુવલયાપીડ હાથીને જોયો. કૃષ્ણે મહાવતને માર્ગ કરવા કહ્યું પરંતુ મહાવતે માન્યું નહિ. એણે કંસની પૂર્વપ્રેરણા પ્રમાણે ક્રોધે ભરાઇને હાથીને કૃષ્ણની દિશામાં આગળ ધપાવ્યો. હાથીએ કૃષ્ણને સૂંઢમાં લપેટી લીધા પણ કૃષ્ણ કૌશલપૂર્વક બહાર નીકળી એને મુક્કો મારીને એના પગ વચ્ચે જતા રહ્યા. એમણે એના પૂંછડાને પકડીને એને ખેંચવા માંડ્યો. એ ક્રોધે ભરાઇને એમના પર તૂટી પડ્યો તો ખરો પરંતુ એમણે એની સૂંઢને પકડીને પૃથ્વી પર પછાડ્યો અને એના દાંતને ઉખાડીને એનો ને મહાવતનો નાશ કર્યો. એ દાંતને હાથમાં લઇને જ એમણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો. એમની સાથે બલરામ તથા બીજા ગોપબાળો હતા. એમણે એમની સાથે રંગભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે એની થયેલી પ્રતિક્રિયા શ્રીમદ્દ ભાગવતના શબ્દોમાં આ રહી :

मल्लानामशनिर्नृणां नरवरः स्त्रीणां स्मरो मूर्तिमान्
गोपानां स्वजनोङसतां क्षितिभुजां शास्ता स्वपित्रोः शिशुः ।
मृत्युर्भोजपतेर्विराङविदुषां तत्वं परं योगिनां
वृष्णीनां परदेवतेति विदितो रंग गतः साग्रजः ॥ (અધ્યાય ૪3, શ્લોક ૧૭)

‘પહેલવાનોને એ વજ્રકઠોર શરીરવાળા દેખાયા, સામાન્ય જનતાને નરરત્ન જેવા, સ્ત્રીઓને સાક્ષાત કામદેવ સમાન, ગોપોને સ્વજન, દુષ્ટ રાજાઓને શિક્ષા કરનારા શાસકના રૂપમાં ને માતાપિતા તુલ્ય વડીલોને શિશુ જેવા લાગવા માંડ્યા. કંસને મૃત્યુ કે કાળ જણાયા, અજ્ઞાનીઓને વિરાટ જેવા, યોગીઓને પરમતત્વ બરાબર અને વૃષ્ણિવંશીને ઇષ્ટદેવ તુલ્ય દેખાયા.’

રંગભૂમિમાં બલરામ સાથે પહોંચેલા કૃષ્ણના દર્શનના પ્રત્યાઘાતો એવા વિવિધ પડ્યા. સંત તુલસીદાસે રામને રામાયણમાં કહ્યું છે તેમ ‘જાકી રહી ભાવના જેસી તિન પ્રભુમૂરતિ દેખી તેસી.’ પોતાની દૃષ્ટિ, વૃત્તિ, ભૂમિકા તથા ભાવના પ્રમાણે સૌએ ભગવાનના સ્વરૂપનું દર્શન કર્યું. ભગવાનનો પ્રભાવ એવો અનેકવિધ હતો.

દર્શકો એમને દેખીને જુદી જુદી ચર્ચાઓ કરવા લાગ્યા. એ વખતે વાગતાં વિભિન્ન વાજીંત્રોની વચ્ચે ચાણૂરે એમને કુસ્તી કરવાનું આહવાન કર્યું. એને અનુસરીને કૃષ્ણ ચાણૂર સાથે અને બલરામ મુષ્ટિક સાથે કુસ્તી કરવા લાગ્યા. ભગવાનનું શરીર વજ્રથી પણ વધારે સુદૃઢ હતું. ચાણૂરનું એમની આગળ કશું ના ચાલ્યું. એમણે એના બંને હાથ પકડી, એને ઉપાડીને પૃથ્વી પર પછાડ્યો એથી એનો નાશ થયો. બલરામે મુષ્ટિકને મુક્કો માર્યો એટલે એ લોહીની ઉલટી કરી, કંપીને ધરતી પર નિર્જીવ બનીને ઢળી પડ્યો. એ પછી એમણે કૂટને ને કૃષ્ણે શલ ને તોશલને મુક્કા ને લાત મારીને મારી નાખ્યા. બીજા પહેલવાનો એમના એ પરાક્રમને પેખીને નાસી ગયા.

કૃષ્ણ તથા બલરામને મારી નાખવાની પોતાની યોજનાનો એવો કરુણ અંત આવેલો જોઇને કંસે વાજીંત્રોને બંધ કરાવી દીધા ને સેવકોને આદેશ આપ્યો કે વસુદેવના આ દુરાચારી પુત્રોને નગરની બહાર કાઢી મૂકો, ગોપોની સંપત્તિને લૂંટી લો, ને નંદને કેદ કરી દો, વસુદેવનો મારી નાખો. મારા પિતા ઉગ્રસેને પણ શત્રુઓની મિત્રતા કરી છે માટે એમનો પણ વધ કરો.

પરંતુ એને ક્યાં ખબર હતી કે એની પોતાની જ ઘડીઓ ગણાઇ રહી છે ? કૃષ્ણ એના ઊંચા મંચ પર ચઢીને એની આગળ એકાએક ઊભા રહ્યા ત્યારે એ ઢાલ તલવાર લઇને સિંહાસન પરથી ઊભો થયો ને લડવાની તૈયારી કરવા લાગ્યો. પરંતુ ભગવાને એના કેશ પકડીને એને મંચ પરથી રંગભૂમિમાં નાખી દીધો. એ પછી પોતે પણ એની ઉપર કૂદી પડ્યા એટલે કંસનું મૃત્યુ થયું. રંગભૂમિમાં સર્વત્ર સન્નાટો છવાઇ ગયો.

કંસના મૃત્યુ પછી એના કંક અને ન્યગ્રોધ જેવા આઠ નાના ભાઇઓ ભગવાન કૃષ્ણ તથા બલરામ પર તૂટી પડ્યા. બલરામે પોતાના પરિઘની મદદથી એમનો રમત માત્રમાં નાશ કર્યો. એ પછી કૃષ્ણ ને બલરામે કંસના કારાવાસમાં જઇને વસુદેવને ને દેવકીને મુક્તિ આપી અને એમને પ્રણામ કરીને વિનયયુક્ત વાણી દ્વારા શાંતિ પ્રદાન કરી.

કૃષ્ણે ઉગ્રસેનને બંધનમુક્ત કરીને યદુવંશીઓના રાજા બનાવ્યા ને પોતે એમના સેવક તરીકે રહીને સેવા કરવાની ઇચ્છા બતાવી. એમની એ કાર્ય દ્વારા વ્યક્ત થતી ઉદાત્તતાને સારી પેઠે સમજવા જેવી છે. એ ધારત તો કંસની જગ્યાએ મથુરાના ને યદુવંશીઓના રાજા થઇને રાજ્યસિંહાસન પર બેસી શક્ત. પ્રજા એમનું એ માટે સમર્થન પણ કરત કારણ કે એ એમને ચાહતી ને પોતાના તારક માનતી હતી. પરંતુ એમને સ્થૂળ સિંહાસન પર બેસવા કરતાં પ્રજાના હૃદયસિંહાસન પર બેસવાનું વધારે પસંદ હતું. એ સમ્રાટ બનવાને બદલે સેવક થવાની ઇચ્છા રાખતા હતા. એટલે સત્તાનાં સૂત્રોને ધારણ કરવાનો વિચાર જ એમને ના આવ્યો. એમની અંદર સત્તાની લાલસાનો લેશ પણ ન હતો.

ઉગ્રસેનના રાજ્યાભિષેક પછી કૃષ્ણે તથા બલરામે નંદને સઘળી પરિસ્થિતિથી વાકેફ કરીને પોતાના પાલન માટે એમનો આભાર માન્યો અને એમનો અને અન્ય ગોપોનો સારી પેઠે સત્કાર કર્યો. એ પછી નંદ બીજા ગોપોને સાથે લઇ વૃંદાવનમાં જવા તૈયાર થયા.

વસુદેવે કૃષ્ણ-બલરામનો ઉપનયનસંસ્કાર કરાવ્યો. બંનેએ વિધિપૂર્વક યજ્ઞોપવીત ધારણ કર્યા.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.