Text Size

10. દસમ સ્કંધ

ગુરુકુળમાં

યજ્ઞોપવીત સંસ્કારની સુખદ સમાપ્તિ પછી એ બંનેએ અવંતીપુર અથવા ઉજ્જૈનમાં આવેલા સાંદીપનિ મુનિના ગુરુકુળમાં પ્રવેશ કર્યો. ક્ષિપ્રા નદીના સુંદર શાંત તટ પર આવેલું સાંદીપનિ મુનિના ગુરુકુળનું એ ઐતિહાસિક સ્થળ આજે પણ મોજુદ છે પરંતુ કરુણ અથવા ઉપેક્ષિત અવસ્થામાં છે. એનો જોઇએ તેવો ને તેટલો વિકાસ નથી થયો ને જરૂરી લાભ પણ નથી લેવાતો. તો પણ એ એક મહાન પ્રેરણાસ્થાન છે એમાં શંકા નથી.

ભગવાન કૃષ્ણે બલરામની સાથે ત્યાં વસીને ગુરુને સેવા દ્વારા પ્રસન્ન કરવાની સાથે સાથે અંગો અને ઉપનિષદો સાથે વેદોનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. એ ઉપરાંત મંત્ર ને દેવતાઓના જ્ઞાનની સાથે ધનુર્વેદ, મનુસ્મતિ જેવાં ધર્મશાસ્ત્ર, મીમાંસા, વેદોના રહસ્યોનું દિગ્દર્શન કરાવનારાં શાસ્ત્ર, તર્કવિદ્યા તેમજ રાજનીતિનું જ્ઞાન પણ મેળવી લીધું. ચોસઠ દિવસમાં એમણે ગુરુકૃપાથી ચોસઠ કળાઓમાં નિપુણતાની પ્રાપ્તિ કરી. પ્રાચીન ભારતમાં ગુરુકુળો કેવી શિક્ષા પૂરી પાડતાં તેનો સમ્યક્ ખ્યાલ મેળવવા માટે એમાંની કેટલીક કળાઓનો ઉલ્લેખ અસ્થાને નહિ લેખાય. આ રહી એ કળાઓ : સંગીત, વાદ્યવિદ્યા, નૃત્ય, નાટ્ય, ચિત્રકળા, પુષ્પોની શય્યા બનાવવી, દાંત, વસ્ત્ર અને અંગો રંગવાની વિદ્યા, મણિજડિત જમીન કરવી, બંધ બાંધવા, સિદ્ધિઓ બતાવવી, વસ્ત્રો તથા ઘરેણાં તૈયાર કરવાં, અત્તર તથા તેલ બનાવવું, જાદુવિદ્યા, ઇચ્છાનુસાર વેશ ધારણ કરવો, ખાવાપીવાના પદાર્થો કરવા, સીવવાની વિદ્યા, શિલ્પકળા, કૂટનીતિ, ગ્રંથોને સમજાવવાની કળા, નાટક તથા આખ્યાયિકા રચવાની શક્તિ, બાણ તથા ગાલીચા અને જાજમ બનાવવી, ગૃહનિર્માણ, રત્નો ને સુવર્ણાદિ ધાતુની પરીક્ષા, સુવર્ણ તથા ચાંદી બનાવવાની પટુતા, વૃક્ષોની ચિકિત્સા, પોપટ-મેનાદિની ભાષા બોલવી, મુઠ્ઠીની કે મનની વાત કહી દેવી, બીજી ભાષાની કવિતાને સમજવાની શક્તિ, જુદા જુદા દેશોની ભાષાઓનું જ્ઞાન, પ્રશ્ન પરથી શુભાશુભ બતાવવું, શુકન-અપશુકનની સમજ, રત્નોને કાપવાની કળા, સાંકેતિક ભાષાનું જ્ઞાન, દ્યુતવિદ્યા, દૂરની વ્યકિત કે વસ્તુનું આકર્ષણ કરવું, મંત્રવિદ્યા, વિજયી થવાની વિદ્યા, વેતાલાદિને વશ કરવાની વિદ્યા.

આજની પ્રચલિત શિક્ષણ પદ્ધતિની સાથે એ વખતની શિક્ષણ પદ્ધતિની તુલના કરવા જેવી છે. એ તુલના ખૂબ જ રસપ્રદ અને પ્રેરક થઇ પડશે. ભારતના એ ભવ્ય ભાતીગળ ભૂતકાળમાં વિદ્યાર્થી કેવી કેવી વિદ્યાઓથી વિભૂષિત થઇને વિદ્યાલયોમાંથી બહાર નીકળતો તે સારી પેઠે સમજી શકાશે.

ગુરુકુળનું શિક્ષણ પૂરું થયા પછી કૃષ્ણે ને બલરામે સાંદીપનિ મુનિને ઇચ્છાનુસાર ગુરુદક્ષિણા આપીને સંતુષ્ટ કર્યા. મુનિએ એમને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા. બંને ભાઇઓ એમની અનુમતિ મેળવીને મથુરાપુરીમાં પહોંચી ગયા.