11. એકાદશ સ્કંધ

અવતાર વિશે

યોગીશ્વર આવિર્હોત્રના સદુપદેશશ્રવણ પછી રાજા નિમિએ બીજી જાતની જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાઇને જણાવ્યું :

‘ભગવાન સ્વેચ્છાથી સંપૂર્ણ સ્વતંત્રતાપૂર્વક જે જે જન્મો અથવા અવતારો ધારણ કરે છે ને લીલાઓ કરે છે તેમની માહિતી મેળવવાની મારી ઇચ્છા છે. તો કૃપા કરીને મને કહી બતાવો.’

સાતમા યોગીશ્વર દ્રુમિલે એ જિજ્ઞાસાને શાંત કરવાની કોશિશ કરતાં સુંદર સ્વાનુભવસંપન્ન શબ્દોમાં કહ્યું :

‘ભગવાન તો અનંત છે. એમના ગુણો પણ અનંત છે. જે એવું સમજે છે કે એ ગુણોને ગણી શકાશે તેની બુદ્ધિ બાળકની બુદ્ધિ જેવી કાચી છે એમ માની લેવું. ધરતીના પટ પર પથરાયેલી રજનાં કણોને કદાચ કોઇ મનુષ્ય કોઇ રીતે ગણી લે તો પણ અનંત શક્તિસ્વરૂપ, સર્વશક્તિમાન ભગવાનના ગુણોનો પાર ના પામી શકાય.’

મહિમ્નસ્તોત્રમાં પુષ્પદંતે એટલા માટે જ જણાવ્યું કે કાજળકાળા પર્વતની શાહી ને સિંધુનો ખડિયો હોય, કલ્પવૃક્ષની ડાળીની કલમ અને પૃથ્વીનો કાગળ હોય, અને એમની મદદથી વાણીની અધિષ્ઠાત્રી પરમ પ્રજ્ઞામયી દેવી સરસ્વતી પોતે નિત્યનિરંતર લખ્યા કરે તો પણ તમારા ગુણોનો પાર ના પામી શકાય.

ભગવાને પંચ મહાભૂતોની સૃષ્ટિ કરી છે. બ્રહ્માંડનું પોતાની મેળે નિર્માણ કરીને એમાં એ અંતર્યામીરૂપે પ્રવેશે છે ત્યારે એમને પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. એ એમનો પ્રથમ આવિર્ભાવ અથવા અવતાર છે. એમને લીધે જ સંસારમાં શક્તિનો સંચાર થાય છે. એ આદિપુરૂષ નારાયણ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા જગતના વિલયને માટે બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર બને છે.

દક્ષ પ્રજાપતિની કન્યા મૂર્તિ ધર્મની પત્ની હતી. એને માતા તરીકે પસંદ કરીને ભગવાને નર અને નારાયણ ઋષિના રૂપમાં અવતાર લીધો. એમણે આત્મતત્વનો અનુભવ કરાવનારા ભગવદારાધનરૂપ ઉત્તમ કર્મનો સંદેશ આપ્યો. એ પોતે એ સંદેશના સાકાર સ્વરૂપ હતા. સંદેશ કેવળ શબ્દો દ્વારા પ્રકટ થતો હોય ત્યારે એટલે બધો અસરકારક નથી થતો; જીવનના વ્યવહાર દ્વારા વ્યક્ત થાય છે ત્યારે અધિક અસરકારક, અમોઘ ને શક્તિશાળી બને છે. ભગવાન નરનારાયણનું જીવન એવું અદ્દભુત હતું. એ જીવન સાથે એક સરસ કથા સંકળાયલી છે.

ભગવાન નરનારાયણ પોતાના બદરીકાશ્રમના પુણ્યપ્રદેશમાં આવેલા એકાંત આહલાદક અદ્દભુત આશ્રમમાં તપશ્ચર્યામાં રત હતા ત્યારે ઇન્દ્રને શંકા થઇ કે એ તપ દ્વારા મારા અલૌકિક પદની પ્રાપ્તિ કરવા માગે છે. એટલે એણે એમના તપનો ભંગ કરવાનો સંકલ્પ કર્યો. એણે કામદેવને એમના તપમાં વિક્ષેપ પાડવાનો આદેશ આપ્યો. કામદેવ એ આદેશને શિરોધાર્ય કરીને અપ્સરાદિ સાથે ભગવાન નરનારાયણના આશ્રમમાં પ્રવેશીને એમને ચળાવવાની કોશિશ કરવા લાગ્યો. કામદેવની કામનાને જાણી લઇને ભગવાન નારાયણે એનું ને સર્વનું સ્મિતપૂર્વક શાંતિ સાથે સ્વાગત કર્યું. કામદેવને એ જોઇને ખૂબ જ સંકોચ થયો. એણે એમની પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરી. એ પ્રશસ્તિમાં એક સુંદર વાત કહી તે ખાસ યાદ રાખવા જેવી છે. એનો સાર એ છે કે ક્ષુધા તથા તૃષા પર વિજય મેળવનારા પુરુષો અતિવિરલ હોવા છતાં પણ જોવા મળે છે ખરા. ધરતી ઉપર ઊઠવાનું અને આકાશગમન કરવાનું કાર્ય કપરું હોવા છતાં તેની સિદ્ધિ પણ થઇ શકે છે. ટાઢતાપ તેમ જ ઇન્દ્રિયોના બીજા વેગો પર પણ વિજય મેળવી શકાય છે. પરંતુ એવા વિજયી સિદ્ધ પુરુષો પણ ક્રોધ પર વિજય નથી મેળવી શક્તા. જે ક્રોધ પર વિજય મેળવે છે તે ખરેખર મહાન છે. એ જ પોતાની સાધના આરાધના કે તપશ્ચર્યાને સફળ કરી શકે છે.

ભગવાન નરનારાયણે પોતાના અસીમ યોગૈશ્વર્યથી એ પછી કેટલીક સુંદરીઓ પ્રગટ કરી. એ અનેરા રૂપલાવણ્યથી સંપન્ન, વિચિત્ર વસ્ત્રાલંકારથી વિભૂષિત તથા દિવ્ય સુવાસિત શરીરોવાળી હતી. એમને અવલોકીને સૌને આશ્ચર્ય થયું. સ્વર્ગની અદ્દભુત આકર્ષણયુક્ત અપ્સરાઓ તો એમની આગળ કશી જ વિસાતમાં નહોતી એવું કહીએ તો ચાલે. નરનારાયણે એમાંથી કોઇ પણ એક સ્ત્રીને સ્વર્ગની શોભા વધારવા માટે સ્વર્ગમાં લઇ જવા માટે સૂચવ્યું. એટલે એમના સૂચનને માન્ય રાખીને એ ઉર્વશીને એમની સાથે લઇ ગયા.

સ્વર્ગમાં પહોંચીને ઇન્દ્રના અનુચરોએ ભગવાન નરનારાયણના તપ, અક્રોધ અને નિષ્કામભાવની કથા ઇન્દ્રને કહી સંભળાવી ત્યારે એના આશ્ચર્યનો પાર ના રહ્યો.

ભગવાન નરનારાયણનો પ્રભાવ એવો અદ્દભુત હતો.

*

ભગવાન નરનારાયણની એ કથા શું સૂચવે છે ? સાધકે એવી રીતે અક્રોધ અથવા શાંત તો બનવાનું જ છે પરંતુ સાથે સાથે નિર્વિકાર થઇને સંસારનાં અનેકવિધ પ્રલોભનોની વચ્ચે આત્મામાં નિષ્ઠા કરીને પરમાત્માની પ્રીતિપૂર્વક શ્વાસ લેવાનો છે. આપણા સંસારમાં આજે પણ પ્રલોભનોનો પાર નથી. વિરોધી વાતાવરણ પણ ડગલે ને પગલે આવ્યા કરે છે. એથી ડર્યા ને પોતાની નિષ્ઠામાંથી ડગ્યા વિના મક્કમ રીતે આદર્શની સિદ્ધિની દિશામાં આગળ વધવાનું છે. પ્રલોભનો ગમે તેટલાં પ્રબળ હોય તો પણ પરમાત્માની કૃપા વધારે પ્રબળ છે. એ કૃપાને મેળવવાનો પ્રામાણિકપણે પ્રયત્ન કરવાથી પ્રલોભનોની વચ્ચે પણ સ્વસ્થ ને શાંત અથવા નિર્વિકાર રહેવાની શક્તિ સાંપડશે ને પરમાત્મા સર્વ સ્થળે ને સમયે સર્વપ્રકારે રક્ષા કરશે. એમની કૃપાથી પ્રાપ્ત થયેલું આત્મબળ અસાધારણ અને અમોઘ ઠરશે.

*

યોગીશ્વર કુમિલે રાજા નિમિને ભગવાનના સમય સમય પર થનારા અવતારોનો ઉલ્લેખ કરી બતાવ્યો. એ અવતારોના ઉલ્લેખનો મુખ્ય હેતુ પ્રેમ પ્રકટાવવાનો ને પ્રકટ થયેલા પ્રેમને પ્રબળ બનાવવાનો હતો. અવતારોનું સ્મરણમનન એટલા માટે જ કરવામાં આવે છે.

માનવના દુઃખ, અસંતોષ અને અશાંત જીવનનું એક કારણ એની વિષયવતી વૃત્તિ અથવા ઇન્દ્રિયલોલુપતા પણ છે. એને લીધે એ આત્માને અથવા પરમાત્માને ભૂલી બાહ્ય પદાર્થો કે વિષયોમાં આસક્તિ કરી બેઠો છે ને પરાધીન બન્યો છે. ને ‘પરાધીન સપનેહુ સુખ નાહી’ એ રામાયણના વચન પ્રમાણે પરાધીનને સ્વપ્ને પણ સુખ ક્યાંથી હોય ?

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.