11. એકાદશ સ્કંધ

ભગવાનની ઉપાસના

મહારાજા નિમિનો છેલ્લો પ્રશ્ન જરા જુદો હતો.

‘કૃપા કરીને મને કહી બતાવો કે ભગવાન કયે વખતે કયા રંગના કયા આકારને સ્વીકારે છે અને મનુષ્ય કયાં નામો તથા કઈ વિધિથી એમની ઉપાસના કરે છે !’

એ જિજ્ઞાસાનો જવાબ છેલ્લા અને નવમા યોગીશ્વર કરભાજને આપ્યો.

સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ તથા કલિયુગમાં ભગવાનનાં નામ, રંગ અને આકાર અનેકવિધ હોય છે. અને એમની ઉપાસના પણ જુદી જુદી રીતે કરવામાં આવે છે. સત્યયુગમાં એમનો રંગ શ્વેત હોય છે. એ યુગમાં મનુષ્યો મોટે ભાગે મલિનતાથી મુક્ત, શાંત, વેરરહિત, સમદર્શી ને સૌના હિતની ભાવનાવાળા હોય છે. એ દરમિયાન મન તથા ઇન્દ્રિયોનો સંયમ સાધીને ધ્યાનયોગ દ્વારા પરમાત્માના સાક્ષાત્કારની સાધના કરવામાં આવે છે. ત્રેતાયુગમાં ભગવાનના શ્રીવિગ્રહનો રંગ લાલ હોય છે. એ યુગના મનુષ્યો ધર્મમાં નિષ્ઠાવાળા અને વેદોના પઠનપાઠનમાં પારંગત હોય છે. એ વેદો દ્વારા ભગવાન હરિની આરાધના કરે છે. દ્વાપરમાં ભગવાનના શ્રીવિગ્રહનો રંગ શ્યામ હોય છે. એ દરમિયાન ભગવાનની વૈદિક તથા તાંત્રિક વિધિથી આરાધના થાય છે. કલિયુગમાં ભગવાનના શ્રીવિગ્રહનો વર્ણ કાળો હોય છે. એમાં નામજપ અથવા કીર્તનરૂપી યજ્ઞ દ્વારા ભગવાનની ઉપાસના કરવામાં આવે છે. નામસ્મરણમાં સઘળાં સાધનો સમાઇ જાય છે. એથી ભગવાનનો સાક્ષાત્કાર થાય છે.

કલિયુગમાં ભગવાનની પ્રેમપૂર્વકની પ્રાર્થનાનો કે સ્તુતિનો મહિમા પણ ઘણો મોટો માનવામાં આવ્યો છે. એની મદદથી માણસ પરમાત્માની પાસે પહોંચીને પરમાત્માની પરમકૃપાને મેળવી શકે છે.

કલિયુગ ગમે તેટલો કાળો, કૂડો કે ક્લેશયુક્ત હોય તો પણ એનો આધાર લઇને માનવ ઇશ્વરનું શરણ ગ્રહીને સહેલાઇથી તરી શકે છે ને સુખશાંતિ મેળવે છે. આ યુગમાં ઇશ્વરનું શરણ લઇને એવી રીતે ધન્ય થઇ ચૂકેલા સજ્જનો, સમાજસેવકો, સંતો ને ભક્તો કેટલાય થયા છે. આપણે પણ એમનામાંના એક બની શકીએ. નર જો કરણી કરે તો કશું જ અશક્ય નથી. એ નારાયણ ના બને તો પણ નારાયણમય તો થઇ જ શકે.

પરમકૃપાળુ પરમાત્માનું સાચા દિલથી શરણ લેનાર ને સ્મરણમનન કરનાર ભક્ત કદી પાપકર્મમાં પ્રવૃત્ત થઇ શકે ખરો ? ના. પાપકર્મમાં એની પ્રવૃત્તિ ભૂલેચૂકે પણ નથી થઇ શક્તી. પૂર્વના કોઇક કુસંસ્કાર કે આ જન્મની કોઇક દુર્વાસનાને લીધે કદાચ એ પાપકર્મમાં કોઇવાર પ્રવૃત્ત થતો દેખાય તો પણ ભગવાનની ભક્તિ ને શરણાગતિના સુપરિણામરૂપે એ કુસંસ્કાર કે દુર્વાસના દૂર થાય છે, એને સદ્દબુદ્ધિ તથા શક્તિ સાંપડે છે. એના હૃદયમાં વિરાજેલા ભગવાન હૃદયને સંપૂર્ણપણે વિશુદ્ધ બનાવી દે છે. એટલે દુરાચારી કે કુકર્મપરાયણ પુરુષ પણ ભગવાનનું શરણ લઇને ભગવાનની ભક્તિના પ્રભાવથી સદાચારી તથા સત્કર્મપરાયણ બની જાય છે. મનથી, વચનથી ને વર્તનથી વિમળ થાય છે.

0                                           0                                    0

યોગીશ્વરોના સદુપદેશના શ્રવણથી મિથિલાનરેશ મહારાજા નિમિની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમની જિજ્ઞાસાવૃત્તિ શાંત ને સાર્થક થઇ. એમણે એ દિવ્ય યોગીશ્વરોની પૂજા કરી એટલે એ યોગીશ્વરો સૌના દેખતાં અદૃશ્ય થઇ ગયા. ભાગવતમાં એની સ્પષ્ટતા કરતાં સારવાહી શબ્દોમાં કહ્યું છે કે :

ततोङन्तर्दाघरे सिद्धाः सर्वलोकस्य पश्यतः ।
(સ્કંધ ૧૧, અધ્યાય પ, શ્લોક ૪૪ પૂર્વાર્ધ)

એ વર્ણન પરથી પ્રતીતિ થાય છે કે એ સર્વે યોગીશ્વરો કેવળ આત્મજ્ઞાની નહોતા પરંતુ અસાધારણ યોગશક્તિથી સંપન્ન અથવા સાચા અર્થમાં સિદ્ધ હતા. એમને ઇચ્છાનુસાર અદૃશ્ય થવાની ને પ્રકટ બનવાની શક્તિ પ્રાપ્ત હતી.

રાજા નિમિએ એમના સદુપદેશના શ્રવણમાં જ સંતોષ માનીને બેસી રહેવાને બદલે એ સદુપદેશના સારતત્વને જીવનમાં ઉતારીને જીવનને ઉજ્જવળ ને સફળ કર્યું. સદુપદેશ ગમે તેટલો સુંદર, સારગર્ભિત ને શ્રેષ્ઠ હોય તો પણ જીવનમાં ઉતારવામાં ના આવે ત્યાં સુધી સફળ કે સાર્થક નથી થતો. અધુરો રહે છે.

દેવર્ષિ નારદના શ્રીમુખથી યોગીશ્વરોની એ કથા સાંભળીને વસુદેવ તથા દેવકીને ખૂબ જ પ્રેરણા મળી. એમના જીવનમાં રહેલા રહ્યાસહ્યા મોહાંકુરો અવિદ્યાના સૂક્ષ્માતિસૂક્ષ્મ બીજ સાથે દૂર થયા.

0                                         0                                       0

દેવર્ષિ નારદની વિદાય પછી બ્રહ્મા, શંકર તથા ઇન્દ્રાદિ સાથે ભગવાન કૃષ્ણના દર્શન માટે દ્વારકાપુરીમાં પહોંચ્યા. એમણે ભગવાન કૃષ્ણના દૈવી દર્શનનો લાભ લીધો. એમના મૂળ સ્વરૂપને જાણતા હોવાથી એમને અસાધારણ આનંદ થયો.

દેવોએ ભગવાન કૃષ્ણની પ્રેમપૂર્ણ પ્રશસ્તિ કરીને કહ્યું કે તમને અવતાર લીધે એકસો પચીસ વરસ થયા છે. તો ઉચિત લાગે તો તમારા પરમધામમાં પધારવાની કૃપા કરો.

ભગવાને જણાવ્યું કે મારા જીવનનું કાર્ય હજુ શેષ છે. તેને પૂરું કરીને હું પરમધામમાં પ્રવેશ કરીશ. યાદવો ધનવૈભવ, સુખસંપત્તિ ને ભૌતિક બળથી અહંકારી ને ઉન્મત્ત બની ગયા છે. એ સમસ્ત સંસાર પર શાસન કરવાનાં સ્વપ્નાં સેવે છે. એમનો અંત આણવાની આવશ્યકતા છે. એ પછી જ પરમધામમાં પ્રવેશી શકીશ.

 

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.