11. એકાદશ સ્કંધ

દત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 1

ભાગવતના એકાદશ સ્કંધના સાતમાથી નવમા અધ્યાય સુધી ભગવાન દત્તાત્રેયની જીવનકથાનો સંક્ષિપ્ત પરિચય કરાવવામાં આવ્યો છે. એ પરિચય ભગવાન કૃષ્ણે ઉદ્ધવને કરાવ્યો છે. દત્તાત્રેયની એ જીવનકથા ખૂબ જ પ્રેરક છે. એ સૂચવે છે કે માનવની પાસે જો ગુણગ્રાહી દૃષ્ટિ ને વિવેકશક્તિ હોય તો એ પ્રત્યેક સ્થળે ને પળે, સમસ્ત સંસાર પાસેથી ઘણું ઘણું શીખી શકે છે. એને સારુ સમસ્ત સંસાર વિશાળ વિશ્વવિદ્યાલય જેવો બની જાય છે. એવો એક પણ પ્રસંગ કે પદાર્થ નથી હોતો જે એને પ્રકારાંતરે પોતાની રીતે એક અથવા બીજી જાતની શિક્ષાદીક્ષા ના પૂરી પાડતો હોય. પ્રકૃતિ અને જગતના જીવોનું પાર્થિવ જીવન એને માટે પ્રેરણાની અવનવી અદ્યતન સામગ્રી પૂરી પાડનાર થઇ પડે છે. ભગવાન દત્તાત્રેયે એવી અસાધારણ સામગ્રીની પ્રાપ્તિ કરીને ચોવીસ ગુરુ કરીને જીવનવિકાસમાં મદદ મેળવેલી. એ ગુરુઓ કોઇ મોટા મહંતો, મહામંડલેશ્વરો, પરમહંસો, પરિવ્રાજકાચાર્યો, પંડિતો, શાસ્ત્રજ્ઞો કે વિશ્વવિદ્યાલયોના વિખ્યાત ડીગ્રીધરો નહોતા. એમાં પંચ મહાભૂતો, કેટલાંક પક્ષીઓ, સામાન્ય મનુષ્યો અને એક વેશ્યા પણ હતી એ જાણીને આપણામાંના અનેકને આશ્ચર્ય થશે તો પણ એ સાચું હતું અને એમની પાસેથી એમને જીવનોપયોગી પ્રેરણા મળેલી એ પણ એટલું જ સાચું હતું. માનવની વિવેકરૂપી આંખ ઊઘાડી હોય તો એને વહેતાં ઝરણાંમાં, સરિતામાં ને સિંધુના તરંગોમાં શાસ્ત્રો દેખાય છે ને પ્રત્યેક પરમાણુમાં સદુપદેશ. જીવન એને સારુ સંહિતા બને છે અને એને શિક્ષા ધરે છે.

ઉપનિષદ કહે છે કે ‘आत्मा वै गुरुः’ એ કથન પ્રમાણે જીવન નિર્મળ ને સાત્વિક બને છે એટલે માનવને પોતાની અંદરથી જ પ્રેરણા તથા પ્રકાશ મળે છે. એનો આત્મા જ એનો માર્ગદર્શક ગુરુ થાય છે. ભગવાન દત્તાત્રેયની અવસ્થા એવી અસાધારણ હતી. ભાગવત એની સાક્ષી પૂરે છે. એ લોકગુરુના પરમપવિત્ર પદ પર પહોંચી ચૂકેલાં ને ધન્ય બનેલા. એમના જેવા પવિત્ર ને ગુણદર્શી ધન્ય પુરુષો અવનીમાં બહુ ઓછા મળે. બીજાના ગુરુ થવા તૈયાર થનારા ને બીજાને ઉપદેશ આપવા અધીરા બનનારા માનવો તો મોટી સંખ્યામાં મળી આવે પરંતુ બીજાને ગુરુભાવે જોનારા ને જીવનોપયોગી ઉપદેશને ગ્રહણ કરનારા તો કોઇક વિરલ જ હોય. ભગવાન દત્તાત્રેય એવા એક વિરલ પુરુષવિશેષ હતા. એવા વિરલ પુરુષવિશેષના સમાગમનું સદ્દભાગ્ય પણ જવલ્લે જ મળે છે. એને માટે ઇશ્વરની કૃપા જોઇએ. રાજા યદુની ઉપર એવી કૃપા થવાથી એમને એમનો સમાગમ થયો.

ધર્મના પરમ મર્મજ્ઞ રાજા યદુએ એકવાર એક ત્રિકાળજ્ઞ તરુણ અવધુત બ્રહ્મર્ષિને નિર્ભયતાપૂર્વક વિચરતા જોઇને પૂછયું કે તમે કોઇ કર્મ કરતા નથી દેખાતા ને શિશુની પેઠે સરળ, નિષ્કપટ, નિષ્પાપ ભાવે વિચરો છો તે છતાં પણ તમને અસાધારણ બૌદ્ધિક પ્રતિભાની પ્રાપ્તિ કેવી રીતે થઇ ? તમે પરમ પ્રાજ્ઞ છો અને તમારી વાણીમાંથી અમૃત ટપકે છે, તો પણ જડ, ઉન્મત્ત કે પિશાચની જેમ રહો છો. તમે મુક્ત જેવા દેખાવ છો. આખી દુનિયા કામના, વાસના અને દુઃખના દાવાગ્નિમાં જલી રહી છે ત્યારે તમે આવી અસીમ શાંતિનો અને આવા અનિવર્ચનીય અખંડ આનંદનો અનુભવ કેવી રીતે કરી રહ્યા છો ? તમારી આ કૃતકૃત્ય આત્મતૃપ્ત અવસ્થાનું રહસ્ય શું છે ?

મહારાજા યદુના વિશુદ્ધ ભક્તિભાવને વિલોકીને દત્તાત્રેયે પ્રસન્નતાપૂર્વક એમના જીવનની ધન્યતાનું રહસ્યોદ્દઘાટન કરતાં જણાવ્યું કે મને કેટલાય ગુરુઓનો આશ્રય મળવાથી જ હું મુક્તાવસ્થાની અનુભૂતિ કરી શક્યો છું. મારા એ ગુરુઓના નામ આ રહ્યા : પૃથ્વી, વાયુ, આકાશ, પાણી, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કબુતર, અજગર, સમુદ્ર, પતંગિયું, ભ્રમર અથવા મધમાખી, હાથી, મધ કાઢનાર, મૃગ, માછલી, પિંગલા વેશ્યા, સમડી, શિશુ, કુમારી, બાણ બનાવનાર, સાપ, કરોળિયો અને કીડો.

એમની દ્વારા સાંપડેલી શિક્ષાને કહી બતાવું.

ભગવાન દત્તાત્રેયે પોતાના અનુભવના આધાર પર આગળ કહેવા માંડ્યું કે પૃથ્વીની પાસેથી મને ધૈર્યની ને ક્ષમાની શિક્ષાની પ્રાપ્તિ થઇ છે. પૃથ્વી પર લોકો ચાલે છે, ભારેખમ વજનો મૂકે છે, અનેક પ્રકારના આઘાત અને ઉત્પાત કરે છે, તો પણ તે ડરતી નથી, પોકારો નથી પાડતી, ફરિયાદ નથી કરતી, વિરોધનો અવાજ નથી નોંધાવતી, ને શાંત રહે છે. એ સહનશીલતાની મૂર્તિ છે. માનવે પણ એવી જ રીતે સહનશીલતા, ક્ષમા, ધૈર્ય ને શાંતિની મૂર્તિ બનીને બનતી સ્થિરતાપૂર્વક સંસારમાં શ્વાસ લેવો જોઇએ. પોતાની નિષ્ઠાને એણે કદાપિ, કોઇયે કારણે ને કોઇયે સંજોગોમાં ના છોડવી જોઇએ.

પર્વત ને વૃક્ષ પૃથ્વીના વિકારો છે. એમનો આવિર્ભાવ બીજાના હિતને માટે છે. એવી રીતે મનુષ્યનું જીવન એની સમગ્ર શક્તિ તેમ જ સંપત્તિ સાથે બીજાના હિતને માટે જ હોવું જોઇએ. પોતાના જીવનમાં એ કોઇને છાયા આપે, પ્રસન્નતા પૂરી પાડે ને નવજીવન બક્ષે એ જરૂરી છે.

ભગવાન દત્તાત્રેયે વૃક્ષો ને પર્વતો પાસેથી સંદેશ પ્રાપ્ત કર્યો.

એ પછીના એમના સંદેશપ્રદાયક સદ્દગુરુ પ્રાણવાયુએ પણ એમને જીવનોપયોગી દૈવી દૃષ્ટિ પુરી પાડી. પ્રાણવાયુ પાસેથી એ શું શીખ્યા ? પ્રાણવાયુ માત્ર આહારની અપેક્ષા રાખે છે અને એની પ્રાપ્તિથી સંતોષાય છે તેમ સાધકે પણ જીવનનિર્વાહ જેટલું જ ભોજન કરવું. ઇન્દ્રિયોના આનંદ માટે વધારે ભોગોપભોગની ઇચ્છા ના રાખવી. શરીરની બહારનો વાયુ વિભિન્ન સ્થાનોમાં વસવા તથા વિહરવા છતાં ક્યાંય આસક્તિ નથી કરતો ને કોઇની અસર નીચે નથી આવતો તેવી રીતે સાધક પણ આવશ્યકતાનુસાર જુદા જુદા ગુણધર્મવાળા વિષયો અથવા વાતાવરણની વચ્ચે વસવા કે વિચરવા છતાં પણ કશામાં આસક્તિ કર્યા વગર પોતાની નિષ્ઠામાં સ્થિર રહે ને પોતાના ધ્યેયનું વિસ્મરણ ના કરે. કોઇનો રાગ ના કરે કે કોઇની સાથે દ્વેષભાવ પણ ના રાખે. ગંધ વાયુનો ગુણ નથી, પૃથ્વીનો ગુણ છે તો પણ વાયુને ગંધનું વહન કરવું પડે છે. તે છતાં પણ વાયુની વિમળતામાં કશો ફેર નથી પડતો. સાધકનો સંબંધ પણ જ્યાં સુધી આ પાર્થિવ સ્થૂળ શરીર સાથે હોય છે ત્યાં સુધી એને ક્ષુધાતૃષા તથા વ્યાધિ ને વૃદ્ધાવસ્થાનું વહન કરવું પડે છે. પરંતુ એ સમજે છે કે પોતે અંગ નથી પરંતુ આત્મા છે. એવી સુદૃઢ સમજને લીધે અંગનો અને એના ગુણધર્મોનો આશ્રય હોવા છતાં એ એમનાથી અલિપ્ત રહે છે.

*

ઘટ, મઠ જેવાં જુદા જુદા પદાર્થો ચલ હોય કે અચલ તો પણ એમને આશ્રય આપનારું આકાશ એક અને અખંડ જ હોય છે. એવી રીતે જડચેતન સ્થૂળસૂક્ષ્મ શરીરોમાં આત્મરૂપે વિરાજમાન બ્રહ્મ છે જ. સાધકે એ અવિનાશી સર્વવ્યાપક આત્માનું અખંડ રીતે દર્શન કરવું. આગ લાગે, વૃષ્ટિ વરસે, અનાજ ઉત્પન્ન થાય ને નષ્ટ બને, વાદળ આવે ને પસાર થઇ જાય, તો પણ આકાશ એ બધાથી અલિપ્ત રહે છે. એને કશાની અસર નથી થતી. એવી રીતે જુદાં જુદાં નામરૂપ સર્જાય છે ને પ્રલય પામે છે તો પણ આત્માની ઉપર એનો કશો પણ પ્રભાવ નથી પડતો. એ સદા અલિપ્ત અને અસ્પર્શ્ય રહે છે.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.