તમારા મધુમય મંદિરની પ્રાપ્તિ
કષ્ટની કારમી કેડીથી થાય છે
એવું મેં નથી માન્યું.
એમાંના કેટલાક પંચાગ્નિસેવન કરતા
તો કેટલાક કરપાત્રી બનતા.
કેટલાક ગળાબૂડ પાણીમાં શિયાળામાં રાતભર રહેતા
તો બીજા કેટલાક ઉનાળામાં પાવક પથારી કરતા.
કોઈક નગ્ન બનીને બેસતા તો કોઈક
જીભ તથા કાનને છેદતા.
કોઈ ભૂગર્ભમાં પ્રવેશતા તો કોઈ વરસો સુધી
આજીવન મૌન સેવતા.
મેં તો પ્રાણમાં પ્રેમપ્રદીપ પ્રગટાવ્યો.
અશ્રુની અનવરત આરાધના આદરી.
પ્રાર્થનાના પુષ્પો.
પોકારના પડઘમ.
નેહનાં નૈવેદ્ય.
સુંદર અને શિવની સમીપતા માણી.
ત્યાં જ મંદિર ઊઘડ્યું.
-© શ્રી યોગેશ્વરજી (દર્પણ)