સંસારીએ ત્યાગ કર્યો.
ધન છોડ્યું, ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું,
નામ છોડ્યું, ઠામ છોડ્યું, વેશ બદલ્યો.
પર્વતની એકાંત ઘોર ગુફામાં
વૃક્ષો વચ્ચે વાસ કર્યો
નીચે નાની નદી.
ઉપર પુષ્પો તથા વૃક્ષોની પંક્તિ.
આકાશ.
ગામથી પર્વત પાસે જ હતો.
રોજ બપોરે ટ્રેનના ટાઈમે
ગુફાની બહાર બેસવાનું શરૂ કર્યું.
પ્રતીક્ષા કરવા.
દિવસો વીતી ગયા. નિરાશા થઈ.
દુનિયા કેવી છેॽ એ બબડ્યો;
છેક જ સ્વાર્થી. અજ્ઞાની.
કોઈ સંબંધી સ્વજન મળવા,
ખબર પૂછવા આવતું જ નથી.
એની આંખમાંથી અશ્રુ સરી પડ્યું.
ઈશ્વરને થયું,
મારી પ્રતીક્ષા તો આ કરતો જ નથી,
મારે માટે તો રોતો જ નથી;
મળવા જવું હોય તોય કેવી રીતે જઉંॽ
-© શ્રી યોગેશ્વરજી (દર્પણ)