સરિતાને લીધે પર્વતનું,
પર્વતને લીધે સરિતાનું
જીવન સુખી લાગે છે, સુભગ ભાસે છે,
પ્રસન્નતાથી પુલકિત જણાય છે.
ચંદ્રને લીધે ગગનમંડળનું,
ગગનમંડળને લીધે ચંદ્રનું,
મુખમંડળને લીધે ચક્ષુનું,
ચક્ષુને લીધે મુખમંડળનું
જીવન હર્યુંભર્યું લાગે છે, પરિપૂર્ણ ભાસે છે.
તમારે લીધે મારું, મારે લીધે તમારું
જીવન સુખી, શાંત, સુપ્રસન્ન છે.
તમારે લીધે મારું, મારે લીધે તમારું
સુશોભન છે.
સર્જનને સારુ સર્જનહારની જેમ
તમારે માટે હું ને મારે માટે તમે
અનિવાર્ય છો.
સર્જનહારને સારુ સર્જકની જેમ
તમારે માટે હું ને મારે માટે તમે
સ્વાભાવિક છો.
-© શ્રી યોગેશ્વરજી (દર્પણ)