મારો અપરાધ જો હોય તો, કહેવો હોય તો, એટલો જ
કે હું એમના માનેલા મંદિરમાં નહોતો જતો.
મારા મધુમય મંગલ મંદિરમાં જ વસતો, વિહરતો.
મારો અપરાધ જો હોય તો, કહેવો હોય તો, એટલો જ
કે હું એમના નક્કી કરેલા સન્માનનીય સદ્ગુરૂને નહોતો સેવતો.
સૌના ગુરુના ગુરુની સેવામાં શ્રદ્ધાસહિત શ્વાસ લેતો.
મારો અપરાધ જો હોય તો, કહેવો હોય તો, એટલો જ
કે હું એમના નિર્ધારિત ધર્મગ્રંથોનું અધ્યયન, અધ્યાપન નહોતો કરતો.
જીવનની કોઈપણ પળે કોઈયે સ્થળે
ધર્મગ્રંથ સિવાય નહોતો રહેતો.
મારો અપરાધ જો હોય તો, કહેવો હોય તો, એટલો જ
કે હું એમનાં માનેલા માનનીય ગણેલાં તીર્થોમાં નહોતો જતો.
તીર્થરાજ વિના રહી જ નહોતો શકતો.
તેથી તે પોતાને આસ્તિક માનતા ને મને નાસ્તિક.
પરંતુ હું જેમાં રહેતો તેમાં તે નહોતા રહેતા.
જેને જોતો તેને નહોતા જોતા.
પોતાને જ્ઞાની સમજતા અને મને અજ્ઞાની.
પોતાને મુક્ત ગણતા ને મને બદ્ધ.
મારો અપરાધ જો હોય તો, કહેવો હોય તો, એટલો જ
કે હું એમની નજરમાં નહોતો આવતો;
એ મને જાણી સમજી સ્વીકારી નહોતા શકતા.
-© શ્રી યોગેશ્વરજી (દર્પણ)