Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા જન્મદિવસે તમને અભિનંદન આપું.
પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામીને
મેં તમારા જપ કર્યા, તપ કર્યા,
તમારે માટે અંતરમાં અનુરાગના અર્ણવ ભર્યા,
પ્રેમપૂર્ણ પોકારો પાડ્યા, પ્રાર્થના કરી,
અન્યનાં અશ્રુ લૂછ્યાં.
સંતપ્તને છાયા ધરી; પિપાસુની પરબ બની
પ્રાણે કેટલાયને પ્રેરણાનાં પીયૂષ પાયાં.
વીણા પર તમારાં જ ગીત ગાયાં.
તમને એને માટે અભિનંદન આપું.
મારા આવિર્ભાવ દ્વારા એવો અનેરો અવસર આપવા બદલ
અભિનંદન આપું.

મારા જન્મદિવસે તમને અભિનંદન આપું.
મારા મનોરથને પૂર્ણ કરવા, મને કૃતાર્થ બનાવવા
તમે મારી સમક્ષ સાકાર બન્યાં, જીવનસંગિની થયાં.
નિર્ગુણ નિરાકાર હોવા છતાં
માનવના સુધાસભર સામાન્ય સ્વરૂપે
મારી સાથે રસપૂર્વક રહેતાં થયાં.

હવે આવી જ રીતે રહો, ફરો, શ્વાસ લો,
મહીમંડળને મધુમય કરવા, સુખશાંતિથી સજવા
સંવાદિતાથી ભરવા
અનંતકાળ સુધી આવી જ રીતે શ્વાસ લો
સૃષ્ટિને સ્વર્ગસદૃશ-એનાથી પણ અદકી કરો,
એને માટે મારો સદુપયોગ કરો :
અન્યનાં ક્લેશ કાપું એવી કૃપા કરો,
મારા જન્મદિવસે તમને અભિનંદન આપું, એવું સૌભાગ્ય ધરો.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)