જીવન કેટલું બધું અલ્પ, સ્વલ્પ,
પ્રબળ ગતિએ વહેનારું
શીઘ્રાતિશીઘ્ર સમાપ્ત થનારું!
એમાં આધિ,વ્યાધિ, ઉપાધિ.
વિપત્તિ વેદના, પ્રિયજનના વિયોગ.
અનેકાનેક આઘાત, પ્રત્યાઘાત,
પતન, ઉત્થાન, લાભાલાભ.
જીવન કેટલું બધું અલ્પ,
સ્વલ્પ, અચોક્કસ.
એમાં સ્થિર થવાના, શક્તિશાળી બનવાના, સંઘર્ષ.
એમાંથી જે અતિ અલ્પ, સ્વલ્પ બચે
તેમાં તમારા તરફ મન ઢળે
તમારી પ્રીતિ જાગે,
તમને હૃદય વરે.
એમાં પણ આવા આટાપાટા રચો
વિરહમિલનના,
તો માનવના ભાગ્યમાં
તમારા શાશ્વત સંમિલનસુખ-શુ શું રહે?
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)