જીવનની સિતારી વિવિધ સ્વરોની સૃષ્ટિ કરે છે.
ક્યારે મિષ્ટ ક્યારેક ક્લિષ્ટ
ક્યારેક શાંત, અશાંત ક્યારેક ભ્રાંત
ક્યારેક સુખમય તો ક્યારેક દુઃખમય
ક્યારેક મિલનમંગલ ક્યારેક વિરહક્રંદન
ક્યારેક હર્ષમય ક્યારેક શોકભર
જીવનની સિતારી વિભિન્ન સ્વરોની સૃષ્ટિ કરે છે,
મહેફિલ ધરે છે.
એના પ્રત્યે અરુચિ નથી થતી
અવજ્ઞા નથી જાગતી,
એના પરિત્યાગની તૈયારી કરવાનું મન નથી થતું.
એ એટલી જ આકર્ષક લાગે છે, આરામપ્રદાયક ભાસે છે.
વિસંવાદની વચ્ચે સંવાદ ભરે છે.
જીવનની સિતારી એક જ સ્નેહસ્વરની સૃષ્ટિ કરે છે.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)